________________
આંસુને જોઈ નાણા ચૂકવી દેનારા સોમચંદ શેઠ, ધર્મપ્રેમી લુણિગદેવ તથા કુમારદેવી તથા મૃત્યુને વરીને અમર થયેલા વીર વિક્રમશી વગેરેને આવરી લેતી આ કથાઓમાં જૈન ધર્મની જીવંત પ્રણાલિકાઓનું પ્રતિબિંબ પડે છે. જગતના સ્થળ સુખની પાર વસેલા અનંત પ્રેમનો માર્ગ અહીં અંકાયો છે. વજસ્વામીની સમગ્ર સંસારનાં લાવણ્ય, તેજ અને શૌર્યને છલકાવતી આંખો જોઈ પાગલ બનેલી નગરશ્રેષ્ઠીની પુત્રી રુક્મણીને આ તેજથી અનંતગણી વધુ તેજોભૂમિ તરફ લઈ જતા દેહમુક્ત આત્મપ્રેમનો પંથ સાંપડે છે. દેહનો વૈભવ ત્યજી સંયમ સ્વીકારતા ભગવાન નેમિનાથ આ બધી જ કથાઓમાં ત્યાગ, તપ, ધ્યાન, સંયમ, મોક્ષ, જીવરક્ષા, કર્મની ગતિ વગેરે ભાવો આકર્ષક રીતે વિકસે છે. આમ, આ કથાઓની સરલતા સ્પર્શી જાય છે.
પ્રાચીન જૈન ગ્રંથોની કથાઓ પ્રાકૃત,સંસ્કૃત, અપભ્રંશ તેમજ વિવિધ પ્રાન્તીય ભાષાઓમાં લખાયેલી છે. પણ આજે સામાન્ય લોકો આ ભાષાઓને ઓછી જાણેસમજે છે. માત્ર વિદ્વાનો અથવા સાધુ-સાધ્વીઓએ પ્રાચીન ગ્રંથોને વિના અનુવાદ વાંચી શકે છે. આમ મોટા ભાગના લોકો એ ગ્રંથોનો લાભ લઈ શકતા નથી. આથી જૈન કથાસાહિત્યના આ અમૂલ્ય ખજાનાને આજની લોકભાષામાં રજૂ કરવાની આવશ્યકતા છે.
આ આવશ્યકતા પૂર્ણ કરવા માટે જ પૂજ્ય શ્રી વાત્સલ્યદીપજી મહારાજ કેટલાંય વર્ષોથી પ્રયત્ન કરી રહ્યા છે. તેઓશ્રીએ પોતાના વિશાળ અધ્યયનના આધારે ઘણી બધી કથાઓ વાર્તાઓ લખી છે. તેઓશ્રીએ જૈન કથાઓને આધુનિક ભાવ-ભાષામાં રજૂ કરીને ગુજરાતી સાહિત્યને મહાન ભેટ ધરી છે. અંતર જ્યોતિ ઝળહળે પુસ્તકમાં ૧૭ કથાઓ છે. એમાંથી બે-ત્રણ કથાઓ બહુ જાણીતી છે. જેમકે ભગવાન મહાવીરનું જીવન ચારિત્ર અથવા રાજુલ અને રહનેમિની આખ્યાયિકા. બધી જ કથાઓની ભાષા સરલ, શિષ્ટ તથા પ્રાંજલ છે. કથાઓનું ઘટના તત્ત્વ કે વિષય વસ્તુ રોચક તથા આકર્ષક છે. ફરી ફરીને કથાઓ વાંચવાનું મન થાય તેવું છે.
“અંતર જ્યોતિ ઝળહળે” કથામાં શુભંકરના એક પ્રશ્નની જિજ્ઞાસા દૂર થાય છે અને કથા પણ પૂર્ણ થાય છે. શુભંકર મુનિ પાસે જઈ પૂછે છે કે મારા પ્રશ્નનો જવાબ આપશો? ત્યારે મુનિએ કહ્યું, “ભંતે ! પ્રશ્ન પૂછો મને આવડશે તો ઉત્તર આપીશ. પણ તમારું વદન કહે છે કે તમે સ્વયં જ્ઞાની દેખાઓ છો.”
મુનિના પ્રત્યુત્તરમાં નમ્રતાનું ગુલાબજળ છંટાયેલુ હતું વાત્સલ્યદીપજીએ મુનિના વચનોને કેટલી સુંદર ઉપમા આપી છે. શુભંકર હસે છે અને કહે છે “તમે પરિચય મેળવ્યા વિના મને ઓળખી ગયા. અને પ્રશ્ન પૂછે છે કે મુનિજી પાપનો પિતા કોણ?”
533