________________
ચક્રવર્તી ભરત કે ચિત્તોડના મહારાણાની કથાની સાથોસાથ આચાર્ય શ્રી ધુરંધરસૂરિજી મહારાજ સાહેબની જીવન પધ્ધતિ અને તેમની અવિચલિત મનોદશાના દ્રષ્ટાંતો તેઓ આપે છે. આમ અહીં મોતીની ખેતી છે. જ્ઞાનસાગર, જીવનસાગર કે અનુભવસાગરમાંથી મેળવેલા તેજસ્વી મોતી એમણે અહીં વેર્યા છે.
જીવનના બાગમાંથી તાજા, પ્રફુલ્લિત અને સુવાસિત પુષ્પોની સુગંધ આપતાં કેટલાંક સુંદર વાક્યો તો મનમાં રમ્યા કરે તેવાં છે. જેમ કે, કાજીપણું છોડીએઃ સાક્ષીપણું શીખીએ.
“દેહની દુર્ભેદ દિવાલને અડીને જ ઇન્દ્રિયોનો કિલ્લો છે. ફરિયાદઃ ઉત્તમત્તાની ઉણપમાંથી જન્મે છે.’’
“પ્રતિપક્ષી વિચારણા તે વાડ છે.’’
પૂજ્ય આચાર્યશ્રીની પાસે મૌજેલું ગદ્ય છે. એ પ્રત્યેક શબ્દ પ્રયોગ ખૂબ ચીવટથી કરે છે એ એક વાત છે પરંતુ એમણે એ માટે જે તેજ ઘડ્યા શબ્દો પ્રયોજ્યા છે તે બાબત એમને ગુજરાતી ભાષા ગદ્યકાર તરીકે સ્થાપે છે.
‘પાઠશાળા’ની લેખસૃષ્ટિ એ કોઇ ફરમાયશી સર્જન નથી. આ તો સ્વાન્તઃ સુખાય થયેલું સર્જન છે અને તેથી જ શબ્દે શબ્દમાં ભાવની સાચુકલાઇ અને નિરાડંબરી પ્રસ્તુતિ જેવા મળે છે. આ ગ્રંથમાં ક્યારેક જિજ્ઞાસા રૂપે, ક્યારેક પત્રરૂપે, ક્યારેક કથારૂપે તો ક્યારેક ચિંતનરૂપે એમનું હૃદયગત પ્રગટ થાય છે. ક્યારેક તેઓ બોધ આપતા લાગે, ક્યારેક વાર્તાલાપ કરતા જણાય છે. આવા જુદાં-જુદાં સાહિત્ય સ્વરૂપો યોજીને એમનો હેતુ તો ભાવકની ચેતનાને સ્પર્શીને જગાડવાનો છે. આ એવી પાઠશાળા છે કે જ્યાં વાચકનું જીવન ઘડતર થાય છે. કોઇ કથાનો મર્મ કે જીવનનો મહિમા પ્રગટ થાય છે.
જૈન કથાઓમાં રહેલા માર્મિક રહસ્યને પ્રગટ કરવાની સાથોસાથ ક્યારેક કવિકલ્પનાનો સુંદર વિહાર પણ જોવા મળે છે. કૌશાંબી નગરીમાં આવેલા ભગવાન મહાવીર સ્વામીને સૂપડાના ખૂણામાં પડેલા અડદ બાકળા વહોરાવનારી ચંદનબાળાની વાત કરીને તેઓ કહે છે સૂપડું કેવું સહભાગી છે કે આ ઘટનાના પ્રથમ પ્રેક્ષક થવાનો યશ મળ્યો અને એ સૂપડાને જ આ ઘટનાની વાત પૂછે છે.
આવી જ રીતે ભગવાન ઋષભદેવને પારણા કરાવનાર ઇક્ષ્રસના ઘડાની કલ્પના આહ્લાદક લાગે છે. કલ્પનાના ગગનમાં વિહાર કરતા તેઓ વાસ્તવની ધરતી પર સર્જતા હૃદયસ્પર્શી પ્રસંગો પણ આલેખે છે. ખેમો દેદરાણી, રતિભાઇ કામદાર, જીવદયા પ્રેમી જેસિંગભાઇ જેવી વ્યક્તિઓના પ્રસંગો મૌલિક જીવન સુઝ આપી
513