________________
બાર-બાર વર્ષની તડપ જાગી ગઇ. તેમનું મન ધર્મક્રિયામાં લાગતું નથી. ભવદેવમુનિ વિહ્વળ બની જાય છે ને વિચારે છે, મેં બાર વર્ષ સુધી મહાવ્રત પાળ્યા, મોટા ભાઈને લીધે, એમના વચનની ખાતર પાડ્યા છે. મોટાભાઈ સ્વર્ગવાસી થયા છે. હવે મારે કોની ખાતર આ વ્રત પાળવાનાં! હજુ કાંઈ મોડું થયું નથી. આ સાધુવેષ ત્યજી દઉં? ઘરે જઈ એની સાથે ગૃહ સંસાર શરૂ કરી દઉં? હવે મને રોકનાર કોણ છે? મોટાભાઈ ચાલ્યા ગયા.... કોઈને ખ્યાલ ન આવે એ રીતે અહીંથી નીકળી જઇશ.
વહેલી સવારમાં ભવદેવ મુનિ ઉપાશ્રયમાંથી નીકળી ગયા. સુગ્રામ પ્રદેશે સાંજ પડતાં પહોંચી ગયા. રાત્રે એક શિવમંદિરમાં રોકાઈ ગયા. રાત ત્યાં પસાર કરી પ્રભાત થયું. ગામની સ્ત્રીઓ પાણી ભરવા કૂવા પર આવવા લાગી. દૂરથી બે સ્ત્રીઓને મંદિર તરફ આવતા જોઈ. સ્ત્રીઓ નજીક આવી ત્યારે મુનિએ રેવતી અને રાષ્ટ્રકૂટના સમાચાર પૂછયા. તેમને નાગિલાના સમાચાર પૂછ્યા. તે સ્ત્રી બીજી કોઈ નહિ નાગિલા જ હતી. પૂછ્યું તમે અહીં કેમ આવ્યા છો? ત્યારે ભવદેવ કહ્યું નાગિલાને મળવા. ત્યારે નાગિલા પોતાની ઓળખ આપી, તેમને સંયમમાં સ્થિર કરે છે. નાગિલા પણ ચારિત્રધર્મ સ્વીકાર કરે છે.
ભવદેવ મુનિ સંયમ જીવનમાં સ્થિર બની શ્રેષ્ઠ સાધુ જીવન જીવ્યા. આયુષ્ય પૂર્ણ થતાં પહેલા દેવલોકમાં દેવ થયા.
૭ સાગરદત્ત
ભવદત્ત મુનિનો સ્વર્ગવાસ, દેવલોકમાં દેવ બની દેવનું આયુષ્ય પૂર્ણ કરી પુનઃ મનુષ્ય બને છે. એ પણ મહાવિદેહ ક્ષેત્રમાં પુંડરિકિણી નામની નગરીમાં. તે ખંડનો ચક્રવર્તી રાજા હતો વજદત્ત. તેની રાણીનું નામ હતું યશોધરા. યશોધરા ગર્ભવતી બને છે. તેને નદીમાં સ્નાન કરવાનો દોહદ ઉત્પન્ન થાય છે. અને પછી જન્મેલ પુત્રનું નામ સાગરદત્ત રાખે છે. પૂર્વ જન્મમાં અહિંસા ધર્મનું પાલન કર્યું. આથી નીરોગી શરીર અને અપૂર્વ સુખ પ્રાપ્ત થયું.
સમય જતાં સાગરદત્ત બધી કલાઓમાં પારંગત થાય છે. યૌવન કાળમાં પ્રવેશતા ઘણી બધી રાજકન્યાઓ સાથે તેના લગ્ન થાય છે. એક વાર પત્નીઓ સાથે સાગરદત્ત મહેલના ઝરૂખામાં બેઠો છે અને વાદળમાં એક વિશિષ્ટ આકૃતિ જોઈ અને થોડીવારમાં વિખરાઈ ગઈ. આ દ્રશ્ય જોઈ સાગરદત્ત વિચારોમાં ડૂબી ગયો. તેને સમજાયું કે આ સંસારના સુખ પણ ક્ષણિક છે. શાશ્વત છે આત્મા. માતા-પિતા પાસે જઈ દીક્ષાની અનુમતિ માંગે છે. આ સાંભળી તેની પત્નીઓ બેહોશ થઈ જાય છે. અમૃતસાગર નામના મુનિરાજ પાસે સાગરદત્ત દીક્ષા લે છે. શ્રમણ બની જાય છે.
499