________________
આ પ્રકારે ઉત્તરાધ્યયન, દશવૈકાલિક વગેરેમાં ઉપદેશપ્રદ કેટલાક કથાનક છે. નંદીસૂત્રમાં ઔત્પાતિકી બુધ્ધિની ૧૪ અને અન્ય ર૬ એટલે કુલ ૪૦ કથાઓ, વૈયિકી બુધ્ધિની ૧૫ કર્મજબુધ્ધિની ૧ર અને પરિણામિકી બુદ્ધિની ર૧ કથાઓ. આમ કુલ ૮૮ કથાઓના નામ સંકેત છે.
આમ, આગમોમાં જે જીવનગાથાનું વર્ણન છે તેમાં સાધનાના વિભાગને વધારે સારી રીતે વર્ણવ્યું છે જેથી તેમાંથી પ્રેરણા લઈ શકાય.
આગમ પછીનો બીજો યુગ આગમિક વ્યાખ્યાઓનો યુગ છે. આ યુગને “ઉત્તર પ્રાચીનકાળ” પણ કહી શકાય. આ કાળમાં વિમલસૂરિનું “પઉમચરિયું', સંઘદાસગણિની “વસુદેવ હિડી” અને અનુપલબ્ધ ‘તરંગવાઈ પ્રમુખ છે. આ ઉપરાંત વરાંગચરિત્ર પણ ઉલ્લેખનીય છે. આ કાળમાં પ્રાકૃત આગમિક વ્યાખ્યાઓના રૂપમાં નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણ સાહિત્ય લખાયું છે જેમાં અનેક કથાઓ છે. આ કાળના કથા સાહિત્યની વિશેષતા એ છે કે અન્ય પરંપરાઓની કથા વસ્તુને લઈને એનું વર્ણન કર્યું
જૈન કથા સાહિત્યના કાળખંડોમાં ત્રીજો કાળ આગમોની સંસ્કૃત ટીકાઓ તથા જૈન પુરાણોનો રચનાકાળ છે. જૈન કથા સાહિત્યની રચનાની અપેક્ષાએ આ કાળ સૌથી વધારે સમૃધ્ધ કાળ છે. આ કાળમાં શ્વેતામ્બર, દિગમ્બર અને યાપનીય ત્રણેય પરંપરાના આચાર્યો અને મુનિઓએ વિપુલ માત્રામાં કથા સાહિત્યની વિવિધ રચના કરી છે. દિગબંર પરંપરાના આદિ પુરાણ, ઉત્તરપુરાણ, રવિણનું પદ્મચરિત્ર, હરિવંશપુરાણ વગેરે આ કાળખંડની રચના છે. શ્વેતામ્બર પરંપરામાં હરિભદ્રની સમરાઈચ કહા, કૌતૂહલ કવિની લીલાવતી કથા, ઉદ્યોતન સૂરિની કુવલયમાલા, શીલાંકનું ઉપન્ન મહાપુરુષચરિયું, ધનેશ્વરસૂરિનું સુરસુંદરી ચરિત્ર, હેમચંદ્રનું ત્રિષષ્ઠિ શલાકાપુરુષ ચરિત્ર, જિનચંદ્રની સંવેગરંગશાળા, ગુણચંદ્રનું મહાવીર ચરિયું તથા પાસનાહચરિયું, દેવભદ્રનું પાંડવપુરાણ આદિ અનેક રચનાઓ છે. આ કાળખંડમાં તીર્થકરોના ચરિત્ર કથાનકો લઈને પ્રાકૃત અને સંસ્કૃતમાં અનેક ગ્રંથ લખાયા છે. લગભગ આવી રચનાઓ શતાધિક હશે. આ કાળમાં એક કથામાં અનેક અવાન્તર કથાઓનો સમાવેશ થયો છે. આ કાળની સંસ્કૃત ટીકાઓમાં પણ અનેક કથાઓ સમાયેલી છે. આવશ્યક નિર્યુક્તિમાં લગભગ ૨૦૦થી વધારે કથાઓ નિર્દેશ માત્ર છે. જેનું એની ટીકામાં વિસ્તારથી વર્ણન છે. હરિભદ્રની દશવૈકાલિક ટીકામાં ૩૦ અને ઉપદેશ પદમાં ૭૦ કથાઓ છે. સંવેગરંગશાળામાં ૧૦૦થી વધારે કથાઓ છે. પિંડનિર્યુક્તિ અને એની મલયગિરિ ટીકામાં લગભગ ૧૦૦ કથાઓ છે. આમ, આ કાળખંડમાં મૂળ ગ્રંથો અને એની ટીકાઓમાં અવાન્તર કથાઓ સંકલિત છે.