________________
છે! તમે પુન્યશાળી છો. અતિ ભાગ્ય સિવાય તમારા દર્શન થવા સુલભ નથી.” તે સમયે સોળ હજાર રાજાઓ મુનિનાં પગમાં પડ્યા. તે વખતે બારીમાં બેઠેલા એક વણિકે તે જોઈને વિચાર્યું કે-અહો! આ મુનિ મહાનુભાવ દેખાય છે. જેથી મહાસમૃધ્ધિવાળા કૃષ્ણ વગેરે રાજાઓ પણ તેમના ચરણકમલમાં પડે છે. માટે તેમને શુધ્ધ મોદક વહોરાવી લાભ લેવો. તેમને વહોરાવવાથી મને મોટું પુન્ય થશે. આ પ્રમાણે વિચારી તે ઢંઢણ મુનિને પોતાના ઘરે તેડી લાવી તેણે બહુ ભાવથી લાડવા વહોરાવ્યા.
ઢંઢણ મુનિએ ભગવાનની પાસે આવીને પૂછ્યું કે- હે ભગવાન! મારું અંતરાય કર્મ આજે નાશ પામ્યુ?” ભગવાને કહ્યું કે-હે મુનિ! હજી તે નાશ પામ્યું નથી. ઢંઢણ મુનિએ પૂછ્યું કે- હે સ્વામિ! ત્યારે આજે મને ભિક્ષાનો લાભ કેમ થયો? સ્વામીએ કહ્યું કે-કૃષ્ણ વાસુદેવની લબ્ધિથી તને આ આહાર મળેલો છે. પણ અંતરાય કર્મના ક્ષયથી ઉત્પન્ન થયેલી તમારી લબ્ધિથી મળેલો નથી. આ પ્રમાણે ભગવાનનાં વચન સાંભળીને ઢંઢણમુનિ તે આહારને શુધ્ધ ભૂમિમાં પરઠવવા ગયા. ત્યાં પોતાના પૂર્વકૃત કર્મના સમૂહ જેવા લાડવાનું ચૂર્ણ કરતી વખતે અતિ શુધ્ધ અધ્યવસાયથી પ્રબલ શુક્લ ધ્યાનરૂપી અગ્નિ વડે કર્મનો ક્ષય કરી કેવળજ્ઞાન પામ્યા.
તે વખતે દેવોએ દુંદુભિ વગાડી ચારે બાજુ જય-જય શબ્દ કર્યો અને કૃષ્ણ આદિ સર્વ ભવ્યજનો ખુશ થયા. ઘણા કાળ સુધી કેવળપણે વિહાર કરીને અંતે ઢંઢણ મુનિએ મુક્તિ પ્રાપ્ત કરી. આ પ્રમાણે બીજા મહાત્માઓએ પણ વર્તવું.
મરૂદેવી માતાનું ચરિત્ર જ્યારે રૂષભદેવ ભગવાને ચારિત્ર ગ્રહણ કર્યું ત્યારે ભરત રાજા રાજ્યના અધિકારી થયા. ભરતને દરરોજ મરૂદેવી માતા ઉપાલંભ આપતાં કે-“હે વત્સ! તું રાજ્ય સુખમાં મોહ પામ્યો છે. તેથી મારા પુત્ર રૂષભની તું કાંઈ સાર-સંભાળ લેતો નથી. હું લોકોના મુખથી એવું સાંભળું છું કે તે મારો પુત્ર વર્ષ થયા-એક વર્ષથી અન્ન જળ વિના ભૂખ્યો-તરસ્યો અને વસ્ત્ર વિના એકાકી-એકલો અરણ્યમાં-જંગલમાં વિચરે છે. તાપાદિક સહન કરે છે અને બહુ દુઃખને અનુભવે છે. માટે તું એકવાર મારા પુત્રને અહીં લાવ... તેને હું ભોજન આપું અને... એકવાર પુત્રનું મુખ જોઉં.'
તે સાંભળીને ભરતે કહ્યું કે હે માજી! તમે શોક ન કરો. અમે સોએ પુત્રો તમારા જ છીએ.” માતા બોલ્યા- “હે વત્સ! તું કહે છે તે ખરું! પણ આમ્રફળની ઈચ્છાવાળા માણસને આંબલીના ફળથી શી પ્રાપ્તિ થાય? માટે તે રૂષભ પુત્ર વિના આ સર્વ સંસાર મારે મન તો શૂન્ય જ છે.”
387