________________
ગ્રંથકાર સોમપ્રભાચાર્ય મહાવીરની પટ્ટ પરંપરામાં ૪૩મા નંબરે છે. આ ઉપરાંત તેમના બીજા ત્રણ ગ્રંથો પણ ઉપલબ્ધ છે. જેમાં સુમતિનાથ ચરિત્ર પ્રાકૃત ભાષામાં સાડા નવ હજાર શ્લોક પ્રમાણ છે. જેમાં જૈન ધર્મના સિધ્ધાંતોનો બોધ આપતી પુરાણ કથાઓ છે. બીજો સિંદુર પ્રકરણ જે સોમશતકના નામે પણ ઓળખાય છે અને ત્રીજો ગ્રંથ ‘શતાર્થ કાવ્ય’. આ ત્રીજા ગ્રંથમાં એકજ શ્લોકના ૧૦૦ જુદા જુદા અર્થ કરવામાં આવ્યા છે જેના કારણે વિદ્વાનો તરફથી તેમનેં શતાર્થિકનું ખાસ પાંડિત્યસૂચક ઉપનામ પ્રાપ્ત થયું હતું.
આ ગ્રંથના રચયિતા સોમપ્રભ ગૃહસ્થાવસ્થામાં પોરવાડ જાતિના વૈશ્ય હતા. પિતાનું નામ સર્વદેવ હતું. સોમપ્રભે કુમારવસ્થામાં જ જૈન દીક્ષા લીધી અને તીવ્ર બુધ્ધિના પ્રભાવે સમસ્ત શાસ્ત્રોનો તલસ્પર્શી અભ્યાસ કર્યો.
કુમારપાલ પ્રતિબોધની રચના ગ્રંથકારે મુખ્ય કરીને પ્રાકૃતમાં કરી છે. છેવટે સંસ્કૃતમાં કેટલીક કથાઓ આપેલ છે. થોડોક ભાગ અપભ્રંશ ભાષામાં પણ ગૂંથાયેલો છે.
આ ગ્રંથ લખવામાં લેખકનો ઉદ્દેશ્ય, કુમારપાળ આદિનો ઇતિહાસ લખવાનો નથી પરતું તે વ્યક્તિઓને લક્ષીને ધર્મોપદેશ આપતી એક કથા ગૂંથવાનો છે. આ ગ્રંથમાં સંક્ષેપમાં કુમારપાળના જૈન ધાર્મિક જીવનનો સાર આપવામાં આવ્યો છે. કુમારપાળ અને તત્કાલીન અન્યાન્ય પ્રસિધ્ધ પુરુષો કે જેમનો ઉલ્લેખ પ્રસંગોપાત આ ગ્રંથમાં કરવામાં આવ્યો છે.
તેમના સંબંધમાં વિશેષ હકીકતો પ્રભાવક ચરિત્ર, પ્રબંધ ચિંતામણિ, જયસિંહકૃત-કુમારપાળ ચરિત્ર, ચારિત્ર સુંદર રચિત-કુમારપાળ ચરિત્ર, જિનમંડન કૃતકુમારપાળ પ્રબંધ ઇત્યાદિ ગ્રંથોમાં તેમજ ફાર્બસકૃત રાસમાલા અને બોમ્બે ગેઝેટીઅર આદિ અર્વાચીન ઐતિહાસિક ગ્રંથોમાં યથાજ્ઞાત પ્રગટ થયેલી છે.
કુમારપાળના ધાર્મિક જીવનના સંબંધમાં તેના સમકાલીન એવા ત્રણ લેખકોના લખેલાં વર્ણનો મળી આવે છે. (૧)કુમારપાળ ચરિત્રમાં અને મહાવીર ચરિત્રમાં તેના સંબંધમાં સંક્ષિપ્ત વર્ણન કર્યું છે. તેમના ધર્મગુરુ હેમચંદ્રાચાર્ય, (ર)કવિ ચશપાલ જેમણે મોહરાજ પરાજય નામનું નાટક કુમારપાલના આધ્યાત્મિક જીવનને અનુલક્ષીને રચ્યું છે, (૩)સોમપ્રભાચાર્ય રચેલ કુમારપાળ પ્રતિબોધ.
આ ત્રણેય લેખકોના કથન ઉપરથી જણાય છે કે કુમારપાળ એ પરમ ધાર્મિક જૈન રાજા હતો. તેને જૈન ધર્મ ઉપર પૂર્ણ શ્રધ્ધા હતી. જૈન ધર્મનો પ્રભાવ સ્થાપવા તેણે બનતા પ્રયત્નો કર્યા. તેણે અન્ય ધર્મ ઉપર ક્યારે પણ અભાવ પ્રકટ નહતો કર્યો.
352