________________
પર્વ-છઠ્ઠ ૧૯.શ્રી મલ્લિનાથ સ્વામી ચરિત્ર સર્ગ-છઠ્ઠો ભવ પહેલો:- જંબુદ્વીપના પશ્ચિમ મહાવિદેહમાં સલિલાવતી વિજયમાં વીતશોકા નગરી છે તેમાં બલરાજા અને ધારિણી રાણી હતી. તેમને મહાબલ નામે પુત્ર થયો. મહાબલ કુમાર કમલશ્રી વગેરે પાંચશો કન્યા સાથે પરણ્યો. તે મહાબલને અચળ, ધરણ, પૂરણ, વસુ, વૈશ્રવણ, અભિચંદ્ર નામે છ(રાજાઓ) મિત્રો હતા. ધર્મ સાંભળી વૈરાગ્ય પ્રાપ્ત થતા મહાબલ રાજા તેના છ મિત્રો સાથે વરધર્મ મુનિની પાસે દીક્ષા લીધી. સૌએ સાથે તપશ્ચર્યા કરવાનો નિર્ણય કર્યો. ત્યારે મહાબલ માયા રાખી અધિક તપ કરતા એટલે કે બીજા બધા ઉપવાસ કરે ત્યારે તે છઠ્ઠનો તપ કરે. ઉપવાસના બીજા દિવસે મને સુધા નથી એમ કહી આહાર ન કરતા અને તપ કરતા. તપના પ્રભાવે તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું પણ માયા કરી એટલે સ્ત્રીવેદ બાંધ્યું. ચોરાશી લાખ પૂર્વનું આયુષ્ય તેઓ પાળે છે. બીજો ભવઃ- વૈજયંત નામના ૩૩ સાગરોપમના આયુષ્યવાળા અનુત્તર વિમાનમાં દેવ થયો. ત્રીજો ભવ - જંબુદ્વીપના દક્ષિણ ભારત ક્ષેત્રમાં મિથિલા નગરી છે. તેમાં કુંભારાજા રાજ્ય કરે છે. તેને પ્રભાવતી રાણી છે. મહાબલ રાજાનો જીવ દેવલોકમાંથી તેમની પુત્રી તરીકે જન્મ લે છે. તે ગર્ભમાં હતી ત્યારે માતાને પુષ્પની શૈયાનો દોહદ થયો હતો તેથી કુંભ રાજાએ તેનું મલ્લિ એવું નામ પાડયું. પૂર્વ ભવના મિત્રોમાંથી અચળ પ્રતિશુધ્ધ રાજા થાય છે. ધરણનો જીવ ચંદ્રચ્છાયા રાજા, પૂરણનો જીવ રૂકિમ નામે રાજા, વસુનો જીવ શંખરાજા, વૈશ્રમણનો જીવ અદિનશત્રુ રાજા, અભિચંદ્રનો જીવ જિતશત્રુ રાજા થાય છે. આ છએ રાજાઓને મલ્લિકુમારી પર રાગ થયો. મલ્લિકુમારી એ આ વાત અવધિજ્ઞાનથી જાણી. પોતાની સુવર્ણ પ્રતિમા બનાવી તેમાં એક ઢાંકણું રખાવી તેમાં રોજ એક કવલ આહાર નાંખતા. જ્યારે છ મિત્રો આવે છે ત્યારે તે પ્રતિમા પાસે લઈ જાય છે અને ઢાંકણું ખોલતા અતિશય દુર્ગધ આવે છે. આ રીતે છએ મિત્રોને પ્રતિબોધ કરી ૩૦૦ રાજાની સાથે દીક્ષા લીધી. અને તે જ દિવસે તેમને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. પ્રભુ મોક્ષ કાલ નજીક જાણી ૫૦૦ સાધુઓની સાથે અને ૫૦૦ સાધ્વીની સાથે અનશન સ્વીકારી મોક્ષ પદ પામ્યા.
અરનાથ પ્રભુના નિર્વાણ પામ્યા પછી કોટિ હજાર વર્ષ ગયા ત્યારે શ્રી મલ્ટિપ્રભુનું નિર્વાણ થયું.
292