________________
પક્ષીઓ અને ભિન્ન ભિન્ન ઋતુઓનું અલંકાર યુક્ત વર્ણન કરીને કવિએ તેમાં ઘણું મનોહર વૈવિધ્ય આપ્યું છે.
કવિએ આ ગ્રંથમાં બધી જ ઋતુઓનું વર્ણન કર્યું છે. તેમાં શરદ, વર્ષા, વસંત, ગ્રીષ્મ એ ચાર ઋતુનું વધારે વિગતે આલેખન કર્યું છે.
પ્રકૃતિ વર્ણનમાં કવિએ દિવસ અને રાત્રિના જુદા જુદા પહોરનું પણ મનોહર વર્ણન કર્યું છે. સંધ્યા સમયે કેવા કેવા શબ્દો કઈ કઈ જગ્યાએ સંભળાવા લાગ્યા તેનું પણ વર્ણન કર્યું છે.
જેમ કે, નગરગ્રહોમાં મોટા ઘંટનાદોનો અવાજ, મંત્રજાપ કરવાના મંડપોની અંદર હવનમાં ઘી, તલ અને સમિધની આહુતીના તડતડ શબ્દો આદિ.
આ આખા ગ્રંથમાં શૃંગાર, વીર, કરૂણ, હાસ્ય, બીભત્સ, શાંત વગેરે રસોનું આલેખન કર્યું છે. - ઉદ્યોતનસૂરિએ આ કથાની રચના એવી રીતે કરી છે અને એમાં અવાંતર કથાઓ એવી રીતે ગૂંથી લીધી છે કે જેથી તેમાં ધર્મ તત્ત્વની વિચારણા પોતાના દ્વારા કે કોઈ પાત્ર દ્વારા કરવામાં આવી છે. જૈનધર્મની બધી જ મહત્ત્વની વિચારણા એમણે આમાં પ્રસંગોપાત ગૂંથી લીધી છે. એટલું જ નહિ સ્થળ ધાર્મિક ક્રિયાઓનાં વર્ણનો પણ તેમણે વચ્ચે વચ્ચે મૂક્યાં છે. સમ્યકત્વનાં લક્ષણો, બાર ભાવના, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, દેશવિરતિ, સર્વવિરતિ, કર્મ મીમાંસા, નારકી અને તિર્યંચ ગતિનાં દુઃખો, કષાયનું સ્વરૂપ, લેશ્યા, બાલમરણ, પંડિતમરણ વગેરે વિશે આમાં વિસ્તારથી સમજાવવામાં આવ્યું છે. કવિનું તત્ત્વચિંતન અત્યંત વિશુધ્ધ છે. વળી ભાષા ઉપર પ્રભુત્વ અસાધારણ છે.
સંવાદ એ પણ આ કથાગ્રંથનું આગવું લક્ષણ છે. સંવાદો દ્વારા કથાને રસિક અને વાસ્તવિક બનાવી છે. લેખકનાં સંવાદ સચોટ, માર્મિક, ધારદાર અને કયારેક હાસ્યરસિક બન્યા છે. આ ગ્રંથમાં લેખકની અસાધારણ સંવાદકલા નિહાળી શકાય
આ ઉપરાંત ગદ્યની જેમ પદ્ય ઉપર પણ શ્રી ઉદ્યોતનસૂરિનું પ્રભુત્વ જોવા મળે છે. તેમની પદ્ય પંકિતઓ પાણીના રેલાની જેમ વહેતી હોય છે. ગાથા ઉપર આ કવિનું જેવું પ્રભુત્વ છે તેવું પ્રાકૃતમાં બહુ ઓછા કવિઓનું જોવા મળશે.
આમ, “કુવલયમાલા " એ માત્ર પ્રાકૃત ભાષાનું જ અનેરું આભૂષણ નથી, જગતના તમામ સાહિત્યમાં ગૌરવભર્યું સ્થાન પામી શકે એવું અણમોલ રત્ન છે.
177