________________
બીજા માણસે આ દશ્ય જોયું ત્યારે તેણે જોરથી કહ્યું-અરે! તું મારી કાંબળી લઇને કેમ ભાગે છે. તેણે બહુ શોર મચાવ્યો. પણ પેલાએ કાંઇ જવાબ ન આપ્યો.
કાંબળીનો માલિક સરોવરની બહાર નીકળીને જલ્દી તેની પાછળ દોડ્યો અને કહ્યું-ભાઇ! મારી કાંબળી તું મને આપી દે. પણ પેલાએ કાંબળી આપી નહિ- તેથી પરસ્પર ઝઘડો વધી ગયો. અંતે તે ઝગડો ન્યાયાલયમાં ગયો. બન્નેએ પોતપોતાની કાંબળી માટેની વાત કરી. કાંબળી પર કોઇનું નામ ન હતું તેમજ કોઇ સાક્ષી ન હોવાથી ન્યાયાધીશની સમજમાં આવ્યું નહિ કે આ કાંબળી કોની છે. થોડીવાર વિચારીને ઔત્પાતિકી બુધ્ધિના ધારક એવા ન્યાયાધીશે બે કાંગસી (કાંસકી) મંગાવી. પછી બન્નેના માથાના વાળ માણસો દ્વારા ઓળાવ્યા. એકના માથામાંથી ઉનના રૂંછડા નીકળ્યા. બીજાના મસ્તકમાંથી સૂતરના તંતુ નીકળ્યા. ન્યાયાધીશે જેના મસ્તકમાંથી ઉનના રૂંછડા નીકળ્યા હતા તેને ઉનની કાંબળી આપી દીધી અને જે માણસ ઉનની કાંબળી લઇ ગયો હતો તેને દંડ આપ્યો.
આ જ પ્રમાણે બાકીના પાંચથી છવ્વીસ દૃષ્ટાંતો ઔત્પાતિકી બુધ્ધિના છે. વૈનચિકી બુધ્ધિનું લક્ષણ અને તેના ધ્રુષ્ટાંતો:
(૧) નિમિત્તઃ- કોઇ એક નગરમાં એક સિદ્ધ પુરુષ રહેતા હતા. તેને બે શિષ્યો હતા. સિદ્ધ પુરુષે તે બન્નેને એક સરખો નિમિત્ત શાસ્ત્રનો અભ્યાસ કરાવ્યો. બે શિષ્યમાંથી એક શિષ્ય બહુ વિનયવાન હતો. ગુરુ જે આજ્ઞા કરે તેનું તે યથાવત્ પાલન કરતો હતો. તેમજ ગુરુ જે કાંઇ શીખવાડે તેના પર તે નિરંતર ચિંતન મનન કરતો હતો. ચિંતન કરતાં કરતાં તેને જે વિષયમાં શંકા ઉત્પન્ન થતી તેને સમજવા માટે પોતાના ગુરુની સમક્ષ ઉપસ્થિત થતો અને વિનયપૂર્વક વંદન નમસ્કાર કરીને શંકાનું સમાધાન કરતો હતો. પરંતુ બીજો શિષ્ય અવિનીત હતો. તે વારંવાર ગુરુને પૂછવામાં પણ પોતાનું અપમાન સમજતો હતો. પ્રમાદના કારણે તે ભણેલ વિષયનું ચિંતન પણ કરતો નહિ. તેથી તેનો અભ્યાસ અપૂર્ણ અને દોષપૂર્ણ રહી ગયો. જ્યારે વિનીત શિષ્ય સર્વગુણ સંપન્ન તેમજ નિમિત્ત શાસ્ત્રમાં પારંગત થઇ ગયો. એક વાર ગુરુની આજ્ઞાથી બન્ને શિષ્યો કોઇ એક ગામમાં જઇ રહ્યા હતા. માર્ગમાં તેઓએ મોટા મોટા પગના ચિહ્નો જોયા. અવિનીત શિષ્યે પોતાના ગુરુભાઇને કહ્યું-લાગે છે કે આ પગના ચિહ્ન કોઇ હાથીનાં હોય. ઉત્તર દેતા બીજો શિષ્ય બોલ્યો-ના, એ પગના ચિહ્ન હાથણીના છે. એ હાથણી ડાબી આંખે કાણી હશે એટલું જ નહિ એ હાથણી પર કોઇ રાણી સવારી કરતી હશે. એ રાણી સૌભાગ્યવતી હશે તેમજ ગર્ભવતી હશે. એ રાણી એક બે દિવસમાં પુત્રને જન્મ આપશે.
124