________________
સંપાદકીય શ્રમણ ભગવાન શ્રી મહાવીરસ્વામિના શાસનમાં પાંચમા આરામાં દુર્લભ એવો મનુષ્ય જન્મ પ્રાપ્ત કર્યા પછી સંયમ ધર્મની આરાધના પ્રાપ્ત કર્યા પછી જો કોઈ આરાધના કરવાની હોય તો તે તપ ધર્મની આરાધના છે. તેના દ્વારા જ કર્મનિર્જરા થાય છે અને કર્મનિર્જરાથી મોક્ષ પ્રાપ્ત થાય છે. તપ ધર્મના બે પ્રકાર છે. ૧. બાહ્ય તપ અને ર. અત્યંતર તપ.
ઉપવાસ, આયંબિલ, લોચ, વિહાર વગેરે કાયક્લેશ આદિ બાહ્ય તપ જેમ આવશ્યક છે તેમ પ્રાયશ્ચિત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, ધ્યાન, કાર્યોત્સર્ગ વગેરે અત્યંતર તપ પણ જરૂરી છે. અધ્યયન અને અધ્યાપન એ સ્વાધ્યાય છે. સ્વાધ્યાય માટે શાસ્ત્રકાર ભગવંતોએ હ્યું છે કે –
સગ્યાએ પસન્ચ ઝા, જાણઈ સવ્ય પરમ0 1 સગ્યાએ વહેંતો, ખૂણે ખૂણે કોઈ વેર11
સ્વાધ્યાય દ્વારા પ્રશસ્તિ ધ્યાન થાય છે, સ્વાધ્યાયથી પરમાર્થનો બોધ થાય છે અને સ્વાધ્યાય કરતા સાધુ સાધ્વીને વૈરાગ્ય પેદા થાય છે. માટે સાધુજીવનમાં સ્વાધ્યાય જ સર્વસ્વ છે. સ્વાધ્યાયના પાંચ પ્રકાર બતાવ્યા છે. ૧.વાચના, ૨. પૃચ્છના, ૩.પરાવર્તના, ૪.અનુપ્રેક્ષા અને ૫.ધર્મકથા.
સંસારનું સાચું સ્વરૂપ જણાવવા અને તેનું ભાન થાય તે માટે દષ્ટાંત - કથા મહત્ત્વનું માધ્યમ છે. ધર્મના રહસ્યો અને કઠિનતમ પદાર્થનો બોધ ધર્મકથા દ્વારા સરળતાથી થઈ શકે છે માટે મહત્ત્વ છે. જિનશાસનમાં થયેલ સમર્થ મહાપુરુષો પણ કથાના માધ્યમથી બોધ-ઉપદેશ આપતા હતા. અરે! જંબુસ્વામિએ પણ દીક્ષા લેતા પૂર્વે, લગ્નની પ્રથમ રાત્રિએ પોતાની આઠે ય પત્નીને ધર્મકથા દ્વારા જ પ્રતિબોધ કર્યો હતો તો યાકિનીમહત્તરાસુનૂ ભગવાન શ્રી હરિભદ્રસૂરિજીને પણ તેમના ગુરુએ સમરાદિત્યની કથાના મૂળ સ્વરૂપ ત્રણ ગાથાથી વૈરભાવની શુદ્ધિ કરાવી હતી. અને શ્રી હરિભદ્રસૂરિએ પણ લોકોને વૈરાગ્ય પમાડવા માટે ગુણસેન અને અગ્નિશર્માના નવ ભવની વેરની પરંપરાની વિસ્તૃત કથા લખી.
સંસકૃત, પ્રાકૃત, અર્ધમાગધી, અપભ્રંશ, ગુજરાતી, હિન્દી વગેરે ભાષામાં નિર્માણ પામેલ જૈન સાહિત્યમાં સેંકડો ધર્મકથાઓ ઉપલબ્ધ છે. તેમાં ધર્મના વિવિધ તત્વનું નિરૂપણ, દર્શન, જ્ઞાન, ચારિત્રનું સ્વરૂપ, સંસારનું સ્વરૂપ, ક્રોધાદિ આંતરશત્રુઓનું સ્વરૂપ તથા મહાપુરુષોના ચરિત્ર પણ આવે છે. તેમાંથી કેટલીક ધર્મકથાનો આધાર લઈ પૂ.સા. શ્રીવૃષ્ટિયશાશ્રીજીએ તુલનાત્મક અને સમીક્ષાત્મક અધ્યયન કર્યું અને પ્રસ્તુત મહાનિબંધ તૈયાર કર્યો.
વિ.સં. ૨૦૭૧ના માગશર વદ ૧૦ પોષદશમી આરાધના કરાવવા શ્રી શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ, જુના નાગરદાસ રોડ, અંધેરી (પૂર્વ)માં આવ્યા. ત્યારે તે મહાનિબંધ મને નિરીક્ષણ કરવા માટે આપ્યો. ત્યારે અંધેરી સંઘના પ્રમુખ શ્રી બાબુભાઈ હિંગડ તથા અન્ય સર્વે ટ્રસ્ટીઓને તે જોઈ આનંદ થયો અને સામેથી જ તેઓએ જણાવ્યું કે આ મહાનિબંધ પ્રકાશિત કરાવો અને તેનો લાભ અમને અર્થાતુ અમારા સંઘને આપો.
તેઓની વિનંતિનો સ્વીકાર કરી આ મહાનિબંધ પ્રકાશિત કરવાનું નક્કી કર્યું. પરંતુ એ પહેલાં સમગ્ર મહાનિબંધ વાંચી તેમાં પ્રકાશનાઈ સુધારા કરવા આવશ્યક લાગતાં પૂ. સાધ્વીજી તથા અંધેરી સંઘના આગેવાનોએ તે કાર્ય મને સોંપ્યું અને તે દ્વારા તેઓએ મને આ મહાનિબંધનો સ્વાધ્યાય કરવાનો અપૂર્વ અવસર આપ્યો અને મારી સૂરિમંત્રની પંચપ્રસ્થાનની આઠમી વારની આરાધનામાં પ્રથમ પ્રસ્થાન શ્રી સરસ્વતી દેવીની આરાધનાની સાથે તેનું સંપાદન કાર્ય કર્યું. જેનાથી મારા જ્ઞાનમાં પણ ઘણી વૃદ્ધિ થઈ છે.
આ માટે હું પૂ.સા.શ્રી ચૈત્યયશાશ્રીજી તથા પૂ.સા.શ્રી વૃષ્ટિયશાશ્રીજીનો તથા શ્રી શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ, અંધેરી (પૂર્વ), મુંબઈના પ્રમુખશ્રી તથા ટ્રસ્ટીશ્રીઓનો ઋણી છું.
વિજયનંદિઘોષસૂરિ
વિ.સં. ૨૦૭૧, ફાગણ વદ ૫, બુધવાર, શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જિનાલય ઉપાશ્રય, જુના નાગરદાસ રોડ, અંધેરી (પૂર્વ), મુંબઈ-૬૯.