________________
પ્રકરણ ૩ વ્રતવિચાર રાસ-હસ્તપ્રતનું સંશોધન કવિ 2ષભદાસ એ મધ્યકાલીન જૈન કવિઓમાં પ્રતિષ્ઠિત શ્રેષ્ઠ ગૃહસ્થ કવિનું નામ છે. તેમણે પોતે જ નિર્દેશ્ય છે તે પ્રમાણે ૩૪ રાસ, અને ૫૮ સ્તવન વગેરેની વિપુલ રચના કરી છે. (હીરવિજયસૂરિ રાસ, અંતિમ ઢાલ કડી નંબર ૩૨.) સોળમી/સત્તરમી સદીમાં થઈ ગયેલા આ કવિની કેટલીક કૃતિઓ પ્રગટ છે. મોટા ભાગની અદ્યાવધિ અપ્રગટ જ રહી છે. તો કેટલીક રચનાઓની હસ્તપ્રતો પણ અપ્રાપ્ય છે. અત્રે કવિની પ્રાપ્ય એક દીર્ઘ રાસ કૃતિ વ્રતવિચાર રાસ નું લોકભોગ્ય બને તેવી રીતે પ્રગટ કરવાનો પ્રયત્ન કર્યો છે.
વિ.સં. ૧૬૬૬ના કારતક વદ અમાસના દિવસે કવિ ઋષભદાસે આ કૃતિની રચના ખંભાતમાં કરી હતી. પૂજ્ય વિજયશીલચન્દ્ર સૂરિ મહારાજ પાસેથી આ રાસની મૂળ કૃતિ પ્રાપ્ત થઈ છે. આ હસ્તપ્રત કવિના સ્વહસ્તે લખાયેલી છે. આ હસ્તપ્રત(કૃતિ)ના પાનાં ક્યાંક ક્યાંક ફાટી ગયા હોવાથી, ચોંટી ગયા હોવાથી, ત્યા શબ્દો સ્પષ્ટ વંચાતા ન હોવાને કારણે તેની પૂરવણી બીજી પ્રત(કૃતિ) કે જે લહિયાએ લખેલી છે તેના આધારે ગુજરાતી લિપિયાંતર કર્યું છે.
૮૬૨ કડીઓમાં આલેખાયેલ આ રાસનો બાહ્ય પરિચય નીચે પ્રમાણે છે. ઢાલ-૮૧, દુહા-૬૯, ચોપાઈ-૨૪, કવિત-૪, સમસ્યા-૨, ગાહા-૧.
વ્રતવિચાર રાસ’ નો પ્રારંભ શ્રી પાર્શ્વનાથના સ્મરણથી અને સરસ્વતીદેવીની સ્તુતિથી કરવામાં આવે છે. કવિએ જિનેશ્વરે પ્રરૂપેલા બે ધર્મ ૧) શ્રાવકધર્મ અને ૨) યતિધર્મનું આલેખન કરી યતિધર્મ દશ પ્રકારે બતાવ્યો છે.
ત્યાર બાદ શ્રાવક કુળનો આચાર કહેવામાં આવે છે કે જે શ્રાવકધર્મરૂપી બાર વ્રત છે. તેના અનુસંગે સુશ્રાવકના એકવીસ ગુણોનું આલેખન કરી, જૈન દર્શનના મુખ્ય ત્રણ તત્ત્વ સુદેવ, સુગુરુ અને સુધર્મની આરાધના કરવી તેવો ઉપદેશ આપ્યો છે. સુદેવનું અર્થાત્ અરિહંતદેવનું કે જેઓ ચોત્રીસ અતિશયથી યુક્ત, અઢાર દોષરહિત, આઠ મદ અને આઠ કર્મરહિત હોય તેમ જ તેમની વાણી પાંત્રીસ ગુણયુક્ત હોય તેનું વિસ્તારથી આલેખન કર્યું છે. સાથે સાથે તીર્થંકર પદવીના વીસ બોલ બતાવ્યા છે. સુગુરુનું સ્વરૂપ દર્શાવતા આચાર્યના છત્રીસ ગુણોનું તેમ જ બાર ભાવનાનું આલેખન કરી, મુનિના સત્તાવીસ ગુણોનું તેમ જ બાવીસ પરીષહનું સદષ્ટાંત વર્ણન કર્યું છે. સુધર્મનું સ્વરૂપ ખૂબ જ ટૂંકમાં દયા એ જ સાચો ધર્મ છે, એ દર્શાવી પછી કુદેવ, કુગુરુ અને કુધર્મ એ ત્રણે મિથ્યાત્વ છે, અસાર છે એ વાતનું વિસ્તારથી વર્ણન કરી અંતે જૈનધર્મ સિવાય કોઈ તારશે નહિ, એ વાતનો મર્મ સમજાવ્યો છે.
- પછી અન્યમતી જિન પ્રતિમાને નહિ માનનાર આદિ અને સુવિહિત વચ્ચે સંવાદ પ્રયોજી શ્રી દશવૈકાલિક સૂત્ર', “શ્રી ભગવતી સૂત્ર', “શ્રી સ્થાનાંગ સૂત્ર' વગેરે સૂત્રોના આધારે અન્યમતીના મતનું ખંડન કરી મૂર્તિ અને મૂર્તિ પૂજા સાચી એવું જિનવચનના કથનનું પ્રતિપાદન કર્યું છે. તેમ જ સમકિતનું સ્વરૂપ બતાવી, તેના પાંચ અતિચાર આલેખ્યા છે.