________________
આયુષ
જેના સ્મરણ માત્રથી આત્માને શાંતિનો અનુભવ થાય, જેના કીર્તન - ગુણગાન કરવાથી જીવ શિવ બની શકે તેવી યોગ્યતા પ્રાપ્ત કરે. તીર્થંકર નામ ગોત્ર ઉપાર્જન કરે, એવા તારક અરિહંત પ્રભુ અને સિદ્ધ ભગવંતને હું કોટિ કોટિ વંદના કરું છું. પરમ ઉપકારક શ્રી આચાર્ય, ઉપાધ્યાય, સર્વ સાધુસંતોને કોટિ કોટિ વંદન! પરમોપકારી, પરમ કૃપાળુ પૂજ્યપાદ શાસનોદ્વારક આચાર્ય શ્રી અજરામર સ્વામીને નત મસ્તકે વંદન!
‘બીજમાંથી પૂનમ થવી, તે ચંદ્રની વિકાસ યાત્રા, ધરતી છોડી ગગનમાં ઊડવું, તે વિજ્ઞાનની વિકાસ યાત્રા, આધ્યાત્મિક જગતમાં વિહરવું, તે આત્માની મોક્ષ યાત્રા.’
કોઈક એવી પળ આવે છે કે બીજને નિમિત્ત મળતાં અંકુર બની વટવૃક્ષ બને છે. આ ન્યાયે મારા અંતરમાં રહેલા જ્ઞાનબીજને નિમિત્ત મળતાં ‘જૈન વિશ્વ ભારતી વિદ્યાપીઠ'માંથી હું B.A., M.A. થઈ. પછી તો આગળ ભણવાની જિજિવિષા તીવ્ર બની અને જૈન તત્ત્વદર્શનમાં Ph.D. કરવાનો સંકલ્પ કર્યો. સદ્ભાગ્યે વિદુષી એવા ડૉ. કલાબહેનનો ગાઈડ તરીકે સાથ મળ્યો.
આત્મશક્તિને ઉજાગર કરવા તેમ જ આત્મશાંતિ માટે જરૂરી છે તત્ત્વજ્ઞાનનો આલોક. આ વિચાર કેન્દ્રમાં રાખી મેં કવિ ઋષભદાસ કૃત ‘વ્રતવિચાર રાસ’ની હસ્તપ્રત પસંદ કરી, કે જેથી તત્ત્વજ્ઞાન સાથે સાહિત્યનો અભ્યાસ પણ થાય. સાથે સાથે પ્રાચીન લિપિમાં હસ્તપ્રતો દ્વારા આપણા તેજસ્વી પૂર્વજોએ આપેલાં વારસાનું અવલોકન થાય. આ વિચાર સાથે શરૂ કરેલો શોધનિબંધ બે વર્ષમાં પૂર્ણ કર્યો. જે મુંબઈ યુનિવર્સિટીમાં સ્વીકારાયો અને આજે આ શોધનિબંધ ગ્રંથરૂપે પ્રકાશિત થઈ રહ્યો છે ત્યારે હું હર્ષની લાગણી અનુભવી રહી છું.
મધ્યકાલીન યુગના શિરમોર કવિ ઋષભદાસે આ કૃતિમાં શ્રાવક ધર્મરૂપી બાર વ્રતનું સ્વરૂપ દર્શાવ્યું છે. જેનું આ ગ્રંથમાં વિસ્તારપૂર્વક વિવેચન કર્યું છે. તેમ જ આ રાસામાં પીરસાયેલું તત્ત્વજ્ઞાન દષ્ટાંત કથાઓ દ્વારા સરળ બનાવી વાચકવર્ગ સામે મૂક્યું છે. સાથે મેં વ્રત વિષયની વિસ્તૃત છણાવટ કરવાનો પ્રયાસ કર્યો છે.
‘વ્રત’ શું છે? વ્રત હૃદયની પૂર્ણ સ્વતંત્રતા અને પવિત્રતાનું પ્રતીક છે. વ્રત આત્માનો ધર્મ છે. શારીરિક, માનસિક અને આધ્યાત્મિક ત્રણેયનો અનુસંધાન રચી જીવન જીવવાની સાચી કળા બતાવી જીવનપથિકને મોક્ષ માર્ગનો રાહ બતાવે તે જ વ્રત છે. જીવનમાં વ્રતોનું શ્વાસોશ્વાસ જેટલું જ મહત્ત્વ છે. જેવી રીતે શ્વાસોશ્વાસને કારણે જીવંત પ્રાણી ઓળખી શકાય છે, તેવી જ રીતે વ્રતને કારણે સમ્યક્ત્ત્વની ઓળખ થાય છે.
આજનો માનવી માઝા મૂકતી મોંઘવારીથી, પર્યાવરણના પ્રદુષણથી, આતંકવાદના ભયથી, ભૌતિક સુખ સામગ્રીની ભરમારથી ગૂંગળાઈ ગયો છે. આધિ – વ્યાધિ અને ઉપાધિથી ઘેરાયેલો