________________
પ્રકરણ ૨
વિરલ કવિ ઋષભદાસ
(ક) કવિ ઋષભદાસનું જીવન
ભગવાન મહાવીર સ્વામીના સમયથી વર્તમાન સમય સુધીમાં આરંભમાં કંઠસ્થરૂપે અને પછીથી ગ્રંથરૂપે જૈન આગમ સાહિત્ય સચવાયેલું છે. પાછલાં આ દોઢેક હજાર વર્ષથી વધુ સમયના ગાળામાં બીજું પણ જૈનસાહિત્ય વિપુલ પ્રમાણમાં લખાયેલું છે. તેમાં પણ વિક્રમની પંદરમી/ સોળમી સદી અર્થાત્ મધ્યકાલીન યુગમાં મહાન અને સમૃદ્ધ સાહિત્યની રચના થઈ છે. ‘જૈન ગુર્જર કવિઓ’ની પ્રથમ આવૃત્તિ તથા બીજી સંશોધિત - સંવર્ધિત આવૃત્તિ ઉપર માત્ર નજર નાખતાં જ જણાય છે કે જૈન સાધુ કવિઓએ અને કેટલાક જૈન ગૃહસ્થ કવિઓએ વિભિન્ન પ્રકારનું કેટલું બધું સાહિત્ય ખેડ્યું છે.
સાક્ષર બળવંતરાય કલ્યાણરાય ઠાકોરે લખ્યું છે કે, આપણા જૂના વાડ્મય પ્રવાહમાંના પૌરાણિક ફાંટામાં જેમ ઘણાખરા કર્તા બ્રાહ્મણો છે. કાયસ્થ, સોની, વાણિયા, કણબી, ‘ભગત’ અને બીજા વિરલ છે, તેમ તેના જૈન ફાંટામાં ઘણાખરા કર્તાઓ સાધુ છે. ગૃહસ્થાશ્રમમાં રહીને પણ કવિ તરીકે કીર્તિ જીતનારા વિરલ છે.
સામાન્યતઃ ધર્મોપદેશની ધારા, ધર્મ સાહિત્યની ગંગા જૈનાચાર્યો, જૈન સંતો દ્વારા વહેતી રહી છે. સાથો સાથ કેટલાક સાધુચરિત જૈન ગૃહસ્થ પણ એવા વીરલા છે કે જેમણે ધર્મોપદેશનો સ્રોત વહેતો રાખ્યો છે.
ગૃહસ્થાશ્રમમાં રહીને પણ કવિ તરીકે બારમા શતકના જૈન ગુજરાતી કવિ નેમિચંદ્ર ભંડારી, તેરમાના આસગુ અને વાંછો, ચૌદમાના વસ્તુપાલ, વિષ્ણુ અને વસ્તો (વસ્તિગ), પંદરમાના ભોજક, દેપાલ અને વચ્છ ઉર્ફે વાછો, સોળમી સદીના શ્રાવક કવિઓ ખીમો અને લીંબો તથા સત્તરમી સદીના ‘જયાનંદ કેવલીરાસ’ના કર્તા કવિ વાનો આદિ વિરલ વ્યક્તિઓમાંના કવિ ઋષભદાસ પણ એક છે.
એમાંય જ્યારે ૧૬/૧૭મી સદીમાં રાસ સાહિત્ય સોળે કલાએ ખીલ્યું હતું ત્યારે એમાં હેમવિજયગણિ, જિનરાજસૂરિ, ગુણવિજય જેવા સમકાલીન, નયસુંદર, સમયસુંદર જેવા સમર્થ શ્રેષ્ઠ કવિઓની, સંતોની હરોળમાં બેસી શકે એવા એક શ્રાવ કવિ ઋષભદાસ સાંગણ સંઘવી થઈ ગયા. જેમણે સાહિત્ય જગતને વિપુલ કૃતિઓની રચના કરી સમૃદ્ધ બનાવી પોતાનો અમૂલ્ય ફાળો
નોંધાવ્યો છે.
પ્રાયઃ કરીને મહાપુરુષોના લૌકિક જીવનનો ઉલ્લેખ તેઓ પોતે જ અપ્રગટ રાખવા માંગે છે. તેઓ પોતે જ તેમને સિદ્ધાંતની વિરુદ્ધ સમજે છે અને તેથી જ કોઈ પણ સર્જકના જીવન વૃત્તાંત વિષે બહુ થોડી માહિતી મળી શકે છે. તેમ છતાં જે માહિતી મળે છે તે એમની કૃતિઓ દ્વારા અથવા એમના સમકાલીન કે અનુગામી ગ્રંથકારોની કૃતિઓમાંથી.
તેમનો સ્વપરિચય, વ્યક્તિત્વ, વંશ, જ્ઞાતિ, પિતામહ, માતા-પિતા, પત્ની, બાળકો,
= ૩૧
>