________________
: સંદર્ભસૂચિ : શ્રી ત્રિષષ્ટિશલાકા પુરુષચરિત્ર ભાગ-૪ - અનુવાદક – કુંવરજીભાઈ આંણદજીભાઈ............. પૃ. ૭૨-૭૩
સુબૂમ ચક્રવર્તી ઢાલ-૨૦ ચક્રી સ્ભમ તે સંચર્યું, સતમ નરકમાં જાયો રે /
બ્રહ્મદત નયણ તે નીગમ્યા, કરમિં અંધ સુ થાયો રે // ૯૯ // - ઉપરોક્ત કડીમાં ચક્રવર્તીપણું પ્રાપ્ત કર્યા છતાં કરેલ અઘોર પાપ થકી સુભૂમ ચક્રવર્તી મરણ પામીને સાતમી નરકે જાય છે. કર્મ કોઈને મૂકતાં નથી તે વાત કવિએ “શ્રી ત્રિષષ્ટિશલાકાપુરુષ ચરિત્ર'માં આપેલ સુભૂમ ચક્રવર્તી દષ્ટાંતના આધારે કહી છે. જે નીચેની કથા દ્વારા સમજાય છે.
હસ્તિનાપુરમાં અનંતવીર્ય નામે મહાપરાક્રમી રાજા હતો. તેવી જ રીતે ભરતક્ષેત્રમાં આવેલા વસંતપુર નગરમાં અગ્નિક નામે એક છોકરો હતો. તે એક વખતે પોતાના સ્થાનથી દેશાંતરે ચાલ્યો ગયો. ભમતો ભમતો તાપસીના આશ્રમે આવી ચડ્યો. ત્યાંના કુલપતિએ તેને પુત્ર કરીને રાખ્યો. તે લોકમાં જમદગ્નિના નામથી પ્રખ્યાત થયો.
એકવાર દેવોના વચનથી જમદગ્નિએ પરણવાનો નિર્ણય કર્યો, અને જિતશત્રુ રાજાની રેણુકા નામની પુત્રી સાથે વિવાહ કર્યા. રેણુકા યૌવન વયમાં આવતાં જમદગ્નિએ પોતાની પત્ની માટે તેમ જ સાળી માટે બે ચરુ સાધ્યા. રેણુકાને રામ અને તેની બેનને કૃતવીર્ય નામે પુત્ર થયો. રામે એક વિદ્યાધરની સેવા કરી પરશુવિદ્યા પ્રાપ્ત કરી પરશુરામ નામ મેળવ્યું.
એકવાર રેણુકા પોતાની બેનને મળવા હસ્તિનાપુર ગઈ. ત્યાં અનંતવીર્ય રાજા સાથે લુબ્ધ થતાં રેણુકાને પુત્ર ઉત્પન્ન થયો. સમય જતાં રેણુકા અને તેના પુત્રને તેડીને જમદગ્નિ પોતાના ઘેર આવ્યા, ત્યારે પરશુરામને ક્રોધ ચડ્યો અને રેણુકા અને તેના પુત્રનો વિનાશ કર્યો. આ વાત સાંભળીને અનંતવીર્ય ત્યાં આવ્યા અને આશ્રમને ખેદાન મેદાન કરી નાખ્યો. પરશુરામને ખબર પડતાં ત્યાં આવીને તેણે અનંતવીર્યનો વિનાશ કર્યો. અનંતવીર્યનું મરણ થતાં કૃતવીર્ય ગાદીએ આવ્યો. જ્યારે માતાના મુખથી પિતાના મૃત્યુની વાત સાંભળી ત્યારે તેણે જમદગ્નિઋષિને મારી નાખ્યો. પિતાના વધથી ક્રોધે ભરાયેલા પરશુરામે કૃતવીર્યને માર્યો અને પોતે ગાદી ઉપર બેઠો. ત્યારે કૃતવીર્યની પત્ની તારા ગર્ભિણી હતી, તે નાસીને તાપસીના આશ્રમમાં આવી. ત્યાં રાણીએ પુત્રને જન્મ આપ્યો. તેણે ભૂમિગ્રહમાં જન્મ લીધો, તેથી તેનું નામ સુબૂમ પાડ્યું.
સુભૂમે મોટા થઈને પરશુરામને મારીને પોતાનું રાજ્ય પાછું લીધું. પછી સુભૂમ ચક્રીએ પૃથ્વીને એકવીસ વાર નિબ્રહ્મણી કરી. આમ અનેક હિંસા કરી હોવાથી સુભૂમ ચક્રવર્તીને અંતે સાતમી નરકે જવું પડ્યું.
: સંદર્ભસૂચિ : શ્રી ત્રિષષ્ટિશલાકા પુરુષચરિત્ર-૨ - અનુવાદક - કુંવરજીભાઈ આંણદજીભાઈ ..
•. પૃ. ૨૮૮