________________
ચંદનબાલા ઢાલ-૨૦ મૃગાવતી ગુર્ડ પંખીઓ, હરી ગયો આકાણ્યું રે /
ચંદનબાલ સાંથિ ધરી, કરમિં પરારિ દાસ્ય રે // ૯૮ // પૂર્વે કરેલાં કર્મો ભોગવવાં જ પડે છે. કર્મની તાકાત અગમ્ય છે. “શ્રી ત્રિષષ્ટિશલાકા પુરુષચરિત્ર'માં વર્ણવેલ ચંદનબાલાના દષ્ટાંત કથાનકને આધારે ઉપરોક્ત કડીમાં કવિએ આ ભાવનું નિરૂપણ કર્યું છે જે નીચેની કથા દ્વારા જાણી શકાય છે.
ચંપાપુરીમાં દધિવાહન નામનો રાજા હતો. તેની રાણીનું નામ ધારિણી હતું. તેને વસુમતી નામની પુત્રી હતી. એક દિવસ કૌશામ્બીના રાજા શતાનિકે તેના ઉપર ચઢાઈ કરી. તેથી દધિવાહન રાજા ભય પામી નાસી ગયા. સૈનિકોએ તેના નગરને લૂંટ્યું તેમાં એક સુભટ દધિવાહન રાજાની રાણી ધારિણીને તથા પુત્રી વસુમતીને ઉપાડીને ચાલતો થયો.
સુભટે ધારિણીને પોતાની સ્ત્રી થવા કહ્યું પણ ધારિણીએ સુભટને ધૂતકારીને કહ્યું, “અરે અધમ અને પાપીન્ટ! તું આ શું બોલે છે? હું પરસ્ત્રી છું, અને પરસ્ત્રી લંપટ તો મરીને નર્ક જાય છે.” પણ સુભટ ધર્મવચનોને ન ગણકારતાં ધારિણીનું શિયળ ખંડન કરવા તૈયાર થયો એટલે શીલના રક્ષણાર્થે ધારિણીએ રસ્તામાં પ્રાણ ત્યાગ કર્યો.
માતાનો વિયોગ થવાથી વસુમતી કરુણ રુદન તેમ જ વિલાપ કરવા લાગી. વસુમતીનાં રુદન વચન સાંભળી સુભટે કહ્યું, “હે મૃગાક્ષી, મેં તને કોઈ કુવચન કહ્યાં નથી, હું તને પરણવાનો છું એમ પણ તું લેશ માત્ર ધારીશ નહીં.” એમ વસુમતીને સમજાવી પોતાના ઘરે લઈ આવ્યો. પણ ઘરે તેની સ્ત્રીએ તેને સખ્ત શબ્દોમાં સંભળાવી દીધું કે, આ પારકી સ્ત્રીને તમે ઘરે લાવ્યા છો તે હું સહન નહીં કરું. તેને ઘર બહાર કાઢી મૂકો. ઘરેથી આવાં વચનો સાંભળી સુભટ વસુમતીને લઈ બજારમાં વેચવા નીકળ્યો.
બજારમાં વસુમતીનું રૂપ જોઈને તેને ખરીદવા ઘણા તૈયાર થયા પરન્તુ ધનાવહ શ્રેષ્ઠીએ મોં માગ્યું ધન આપી વેચાતી લીધી અને તેનું નામ ચંદનબાલા પાડ્યું અને પોતાને ઘેર લઈ ગયા. પરંતુ મૂળા શેઠાણી વસુમતીને શંકાની નજરે જોવા લાગ્યા.
ધનાવહ શેઠ એક વાર બહારગામ ગયા હતા. તે વખતે મૂળાશેઠાણીએ એક નાવિને બોલાવી ચંદનાનું મસ્તક મુંડાવી નાંખ્યું, પછી તેના પગમાં બેડી નાંખી, એક અંધારા ઓરડામાં પૂરી દીધી. આમ ત્રણ દિવસ સુધી ચંદના બંધ ઓરડામાં રહી. જ્યારે શેઠને ખબર પડી ત્યારે તેમણે ચંદનાને મુક્ત કરી. ત્યારે ચંદના વિચારવા લાગી કે, અહો! મારો રાજકુળમાં જન્મ અને ક્યાં આ સ્થિતિ? આ નાટક જેવાં સંસારમાં ક્ષણમાત્રમાં શું નું શું થઈ જાય છે, એ બધું મેં જાતે અનુભવ્યું છે. અહો! હવે હું શું તેનો પ્રતિકાર કરું? આજે અઠ્ઠમને પારણે આ અડદના બાકુળા મળ્યા છે, પણ જો કોઈ અતિથિ આવે તો તેને આપીને હું જમું, અન્યથા જમીશ નહિ. આવો વિચાર કરીને તે દ્વાર ઉપર ઊભી રહે છે ત્યારે વીર પ્રભુ ભિક્ષા માટે ફરતાં ફરતાં ત્યાં આવી ચડ્યા. ચંદનાને જોઈને તેમને પોતાનો અભિગ્રહ પૂર્ણ થયેલો જાણી, પ્રભુએ ભિક્ષા લીધી. સંસારની વિચિત્રતા જોઈ ચંદનાએ પ્રભુ પાસે દીક્ષા લીધી. અંતે કેવળજ્ઞાન પ્રાપ્ત કરી મોક્ષગામી બન્યા.