________________
ચતુષ્કરૂપ (ક્રોધ, માન, માયા અને લોભ) ચાર પ્રકૃતિ અર્થાત્ સાત પ્રકૃતિ ચોથા ગુણસ્થાને કહી છે તે સહિત કુલ અગિયાર પ્રકૃતિનો ક્ષય, ઉપશમ કે ક્ષયોપશમ થવાથી આ ગુણસ્થાન આવે છે.
આ ગુણસ્થાનવાળામાં ચોથા ગુણસ્થાનવાળા બધાં લક્ષણ હોય છે. વિશેષમાં તેનામાં વ્રત ધારણ અથવા પ્રત્યાખ્યાન રુચિનો વિકાસ હોય છે, શ્રાવકનાં ૧૨ વ્રતોમાંથી અનુકૂળતા અનુસાર એક યા અનેક અથવા બધાં વ્રતોને ધારણ કરે છે. આગળ વધીને તે શ્રાવકની ૧૧ પડિમા ધારણ કરે છે. ત્રણ મનોરથનું ચિંતન કરે છે. રોજના ૧૪ નિયમ ધારણ કરીને સામાયિક, મહિનામાં ઓછામાં ઓછા છ પૌષધ કરે છે.
જીવ, અજીવ આદિ તત્ત્વોને જાણે છે. પોતાના ધર્મમાં દઢ આસ્થા ધરાવે છે. આ પોતાના જીવનમાં દીક્ષા લેવાનો સદા મનોરથ રાખે છે. શ્રમણ ભગવંતોની ભક્તિ, વિનય, વંદના કરે છે. તેમ જ ભક્તિ અને ઉત્સાહથી તેમને સંયમ યોગ્ય કલ્પનીય આહાર, પાણી, વસ્ત્ર આદિનું દાન દઈને પ્રતિલાભિત કરે છે.
આ ગુણસ્થાનમાં મરવાવાળા કે આયુબંધ કરવાવાળા કેવળ વૈમાનિક દેવરૂપ દેવગતિ જ પ્રાપ્ત કરે છે. અન્ય કોઈ પણ ગતિમાં કે દંડકમાં જતા નથી. વૈમાનિક પણ ૧૨ દેવલોક અને ૯ લોકાંતિકમાં જ જાય છે. આ ગુણસ્થાન જીવને એક ભવમાં ઉત્કૃષ્ટ અનેક હજાર વાર અને આઠ ભવમાં પણ ઉત્કૃષ્ટ અનેક હજાર વાર આવી શકે છે. અર્થાત્ તેટલીવાર તે ગુણસ્થાન આવે અને જાય તેવું થાય.
આ ગુણસ્થાનની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ દેશોન નવ કરોડ પૂર્વ વર્ષોની હોય છે. અર્થાત્ આખા ભવ સુધી નિરંતર પણ આ ગુણસ્થાન રહી શકે છે. મનુષ્યની અપેક્ષાએ આ ગુણસ્થાનવાળા લોકમાં સંખ્યાત હોય છે.
આ ગુણસ્થાનમાં આયુષ્ય બાંધવાવાળા કે મરવાવાળા ઓછામાં ઓછા ત્રણ ભવ (વર્તમાન ભવ સહિત) અને ઉત્કૃષ્ટ ૧૫ ભવ કરીને મોક્ષમાં જાય છે. સર્વવિરતિ ધર્મના આધારે મુનિ ભગવંતોનું સ્થાન
સર્વવિરતિ ધર્મના આધારે મુનિ ભગવંતોનું સ્થાન છઠ્ઠા ગુણસ્થાનમાં આવે. છઠ્ઠા ગુણસ્થાનનું નામ પ્રમત સંયત ગુણસ્થાન છે. પ્રમત સંયત ગુણસ્થાન
જે મનુષ્ય ભાવપૂર્વક સંયમ સ્વીકારે છે, જિનશાસનમાં પ્રવ્રજિત થઈ, મુનિ બને છે અને . ઉત્તરોત્તર સંયમ ગુણોનો વિકાસ કરતાં ભગવદજ્ઞાનું પાલન કરે છે, તેને વ્યવહારની અપેક્ષાએ આ છઠ્ઠ ગુણસ્થાન પ્રાપ્ત થાય છે. નિશ્ચયની દૃષ્ટિથી પૂર્વોક્ત ૧૧ પ્રકૃતિ અને પ્રત્યાખ્યાનાવરણ કષાય ચતુષ્ક એમ કુલ ૧૫ પ્રકૃતિનો ક્ષય, ઉપશમ અને ક્ષયોપશમ થવાથી આ ગુણસ્થાન પ્રાપ્ત થાય છે.
આ ગુણસ્થાન માત્ર મનુષ્યગતિમાં જ હોય છે. શેષ ત્રણ ગતિમાં હોતો નથી. એક જીવને આ ગુણસ્થાન અધિકતમ આઠ ભવમાં આવી શકે છે. એક ભવમાં આ ગુણસ્થાન સેંકડો વાર આવી શકે છે અને આઠ ભવોમાં પણ સેંકડો વાર આવી શકે છે. આ ગુણસ્થાનમાં આયુષ્ય બાંધનાર કે મરનાર વૈમાનિક દેવના ૩૫ સ્થાનોમાં ઉત્પન્ન થઈ શકે છે. અન્યત્ર ક્યાંય પણ ઉત્પન્ન થતાં નથી.