________________
(૭) સ્તવન ઃ જિનેશ્વરોની સ્તુતિ અર્થે રચાયેલા રસ, અલંકાર, આદિ સાહિત્યિક ગુણોથી વિભૂષિત લઘુકાવ્યને સ્તવન કહેવાય.
(૮) ચૈત્યવંદન : ભાવપૂજાના પ્રારંભમાં જિનેશ્વરના અસાધારણ ગુણોનું ઉત્કીર્તન કરે એવાં કોઈ પણ કાવ્ય માટે ચૈત્યવંદન શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે.
(૯) પદ : એટલે મધ્યકાલીન ઊર્મિગીત, ભક્તિ વૈરાગ્ય પ્રેરિત ટૂંકાં ગીતો.
(૧૦) આરતી : ઇષ્ટદેવની સન્મુખ ઘીનો દીવો કરી થાળીમાં મૂકી, તેના ગુણગાનની સ્તવનાપૂર્વક થાળીમાં રહેલા દીપકને ગોળ ગોળ ફેરવવાની જે ચેષ્ટા કરવામાં આવે તેને આરતી કહે છે. (૧૧) સજ્ઝાય : એટલે મોક્ષ માર્ગનું પ્રતિપાદન કરનાર તેમ જ આત્મવિકાસ તરફ દોરી જતું શિષ્ટ સાહિત્ય.
(૧૨) બારમાસી : એ ઋતુ કાવ્યનો બીજો પ્રકાર છે. એમાં બાર માસનું એટલે બધી ઋતુઓનાં વર્ણન આવે.
શ્રી ચંદ્રકાંત મહેતા મધ્યકાળના વિવિધ કાવ્ય પ્રકારો દર્શાવતાં લખે છે કે, મુક્તક, પદ, પદમાળા, ગરબો-ગરબી, રાસા, આખ્યાન, કથાવાર્તા, જ્ઞાનમૂલક ખંડકાવ્યો, વીરકાવ્યો, ફાગુ, સલાકો, વિવાહલુ, બારમાસી, રૂપક, છંદ, ચર્ચરી, ભડલી કાવ્યો વગેરે છે.પ
આમ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં વિવિધ વિષયો પર વિવિધ સ્વરૂપોવાળાં કાવ્યોની રચના થઈ છે પરંતુ આ સાહિત્યમાં જૈન કવિઓએ ‘રાસ’ રચના એટલી બધી કરી છે કે આખા યુગને ‘રાસયુગ’ તરીકે ઓળખવામાં આવે છે. આ રાસયુગને ‘જૈનયુગ’ અથવા ‘હેમયુગ’ એ રીતે પણ ઓળખવામાં આવે છે. ઈ.સ. ૧૨૫૧થી ૧૪૫૧ સુધીનો સમય ‘જૈનયુગ’ કહેવાય છે.
‘નાકર’ અને ‘વિષ્ણુદાસ’ જેવા પ્રસિદ્ધ જૈનેતર આખ્યાનકારોએ અનુક્રમે પોતાનાં ‘નળાખ્યાન’ અને ‘રુકમાંગદેપુરી’ એ આખ્યાનો માટે ‘રાસ’ શબ્દ પ્રયોજ્યો છે. અને ભાલણે પણ ‘દશમસ્કન્ધ'માં એ અર્થમાં ‘રાસ’નો પ્રયોગ કર્યો છે.
આમ બારમી સદીથી અઢારમી સદી સુધી ખેડાયેલ સાહિત્યનાં સ્વરૂપ તરીકે ‘રાસ’ સ્વરૂપનું સાંસ્કૃતિક અને સામાજિક દૃષ્ટિએ અનોખું મૂલ્ય છે. જૈનસાહિત્યની વિશેષતા
૧) જૈન મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જે જૈનસાહિત્ય ઉપલબ્ધ છે, તે મુખ્યત્વે ધર્મપ્રચારક સાહિત્ય હોવાને કારણે રાસા વગેરેમાં પણ જૈનધર્મના ચાર આધાર સ્તંભો દાન, તપ, શીલ અને ભાવ આ પૈકી કોઈ એકનું મહત્ત્વ સમજાવવા માટે જ પ્રયાસ થયેલો જોવામાં આવે છે. ૨) જૈન ગુજરાતી સાહિત્યમાં મુખ્યત્વે શસા સાહિત્ય જૈન-સાધુઓના હાથે જં લખાયેલું છે. શ્રી જયંત કોઠારી લખે છે કે, એ ગાળામાં લગભગ ૧૬૦૦ જૈન કવિઓમાંથી શ્રાવક કવિઓ ૫૦થી વધારે નથી.
૩) આ સમયમાં જૈનેતર સાહિત્ય ભાગ્યે જ મળે છે. ‘રાસ' નામ હોય એવો એકમાત્ર જૈનેતર રાસ એક મુસલમાન કવિ અબ્દુલ રહેમાને ‘સંદેશક રાસ’ નામથી આપ્યો છે.