________________
તેવી જ રીતે આ અવસર્પિણીકાળના ચોવીસમાં તીર્થકર ભગવાન મહાવીરે પણ પોતાની દેશનામાં બે પ્રકારના ધર્મ કહ્યા છે. જેમ કે,
૧) અણગારધર્મ અને ૨) આગારધર્મ. અણગારધર્મ એટલે આ જિનશાસનમાં સર્વ પ્રકારે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવથી સંપૂર્ણ રીતે પાપકારી પ્રવૃત્તિનો ત્યાગ કરી, મુંડિત થઈ, ગૃહવાસનો ત્યાગ કરી અણગાર દશા, મુનિ અવસ્થામાં પ્રવ્રજિત થવું. તેમાં સાધક સંપૂર્ણ પ્રાણાતિપાતથી, સંપૂર્ણ મૃષાવાદથી, સંપૂર્ણ અદત્તાદાનથી, સંપૂર્ણ મૈથુનથી, સંપૂર્ણ પરિગ્રહથી તથા સંપૂર્ણ રાત્રિભોજનથી વિરત બને છે. આ અણગાર સામાયિક ધર્મ એટલે સર્વવિરતિ ધર્મ છે કે જેમાં સાધક પાંચ મહાવ્રતોનું પાલન તથા રાત્રિભોજનનો સર્વથા ત્યાગ કરી સંયમનું પાલન કરી આરાધક બને છે. તેમ જ આગારધર્મના બાર પ્રકાર છે. પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત તથા ચાર શિક્ષાવત.
પાંચ અણુવ્રત આ પ્રમાણે છે. ૧) સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ, ૨) સ્થૂલ મૃષાવાદ વિરમણ,૩) સ્થૂલ અદત્તાદાન વિરમણ, ૪) સ્વદારા સંતોષ અને ૪) ઈચ્છા પરિમાણ.
ત્રણ ગુણવ્રત : ૧) દિવ્રત, ૨) ઉપભોગ પરિભોગ પરિમાણ, ૩) અનર્થદંડ વિરમણ.
ચાર શિક્ષાવ્રત: ૧) સામાયિક ૨) દેશાવનાશિક, ૩) પૌષધોપવાસ અને ૪) અતિથિ સંવિભાગ વ્રત.
તેમ જ અપશ્ચિમ ભારણાંતિક સંલેખના અર્થાત્ મૃત્યુ સમયે વિશિષ્ટ આરાધના સ્વીકારી તેનું સમ્યફ પાલન કરવું.
આમ ગૃહસ્થ-સાધકો દેશવિરતિ ધર્મ અર્થાત્ શ્રાવક ધર્મ રૂપી બાર વ્રતોનું સમ્યફ રીતે પાલન કરી આરાધક બને છે.
આ અવસર્પિણીકાળમાં થયેલા ચોવીસ તીર્થંકરોએ તેમને કેવળજ્ઞાન થયા પછી તેમની દેશનામાં સર્વવિરતિ ધર્મ અને દેશવિરતિ ધર્મરૂપે મહાવ્રતો અને અણુવ્રતોની પ્રરૂપણા કરી છે.