________________
જાડા પાનાવાળી પ્રત હોય તો તેનાં પાનાં આઘાપાછા ન થાય. આ જ દોરી વડે પ્રતને બન્ને બાજુ પાટલીઓ મૂકીને કલાત્મક રીતે બાંધવામાં આવતી. તાડપત્રો પરનું લખાણ સહીથી તથા કોતરીને એમ બે પ્રકારે લખવામાં આવતું. કોતરીને લખવાની પ્રણાલી ખાસ કરીને ઓરિસ્સા, આંધ્ર પ્રદેશ, તામિલનાડુ, કેરળ તથા કર્ણાટકના પ્રદેશમાં રહેવા પામી અને સહીથી લખવાની પ્રક્રિયા શેષ ભારતમાં રહેવા પામી. કાગળના ઉપયોગની શરૂઆત બાદ આ જ તાડપત્રીને આદર્શ માનીને કાગળની પ્રતો પણ શરૂઆતમાં મોટા-મોટા અને લાંબા પત્રો પર લખવામાં આવતી, પણ પાછળથી આ કદ સુવિધા અનુસારે સંકોચાઈ ગયું.
જૈન ભાષ્યકારો, ચૂર્ણિકારો અને ટીકાકારોના મતે આવા તાડપત્રોની લંબાઈ અને પહોળાઈના આધારે હસ્તપ્રતના પાંચ પ્રકારો કહેવાય છે.
૧) ગંડી : પ્રતની લંબાઈ અને પહોળાઈ એક સમાન હોય તેને ગંડી પ્રકાર કહેવાય છે.
૨) કચ્છપી : પ્રતની બન્ને કિનારી સંકુચિત તથા વચ્ચે ફેલાયેલ કાચબા જેવા આકારની પ્રતને કચ્છપી પ્રત કહેવામાં આવે છે.
૩) મુષ્ટિ : જે પ્રતો મુઠ્ઠીમાં સમાઈ જાય એટલી નાની હોય તેવી પ્રતોને મુષ્ટિ પ્રકારની પ્રતો કહેવામાં આવે છે.
૪) સંપુટ લૂક : લાકડાની પટ્ટીઓ પર લખાયેલ પ્રતોને સંપુટ ફલક પ્રકાર કહેવામાં આવે છે.
૫) છેદપાટી (છિવાડી) : ‘છેદપાટી’ એ પ્રાકૃત શબ્દ “છિવાડી'નું સંસ્કૃત રૂપ છે. આ પ્રકારની પ્રતોમાં પાનાંની સંખ્યા ઓછી હોવાને કારણે પ્રતની જાડાઈ ઓછી હોય છે પરંતુ લંબાઈ અને પહોળાઈ યોગ્ય પ્રમાણમાં હોય છે.
ઉપરોક્ત પાંચ પ્રકારો સિવાય વર્તમાનમાં અન્ય પ્રકારો પણ મળે છે.
૧) ગોલ : ‘ફરમાન'ની જેમ ગોળ કુંડળી પ્રકારથી કાગળ અને કાપડ પર લખાયેલ ગ્રંથો પણ મળે છે. ૨૦ મીટર જેટલી લંબાઈ હોવા છતાં તેની પહોળાઈ સામાન્ય-સરેરાશ જ હોય છે. શ્રીમદ્ ભાગવત્, જન્મપત્રિકા વગેરે કુંડળી આકારમાં મળે છે.
૨) ગડી : અનેક પ્રકારે ગડી કરાયેલા લાંબા-પહોળાં વસ્ત્ર કે કાગળનો પટ્ટો પણ મળે છે. સામાન્ય રીતે આમાં યંત્ર, કોષ્ટક, આરાધના પટ્ટ, અઢીદ્વીપ વગેરે આલેખાયેલાં મળે છે.
૩) ગુટકા : સામાન્ય રીતે હસ્તપ્રતોનાં પાનાં ખુલ્લાં જ હોય છે પરંતુ કેટલીક વાર પાનાંની મધ્યમાં સિલાઈ કરીને અથવા બાંધીને પુસ્તકાકારે બે ભાગોમાં વિભાજિત કરી દેવામાં આવે છે. આવા પાનાવાળી પ્રતોને ગુટકા તરીકે ઓળખવામાં આવે છે. જાડા પૂઠાંના આવરણમાં બાંધેલા આવા ગુટકા નાનાથી માંડીને બૃહત્કાય સુધીનાં હોય છે. મોટા ભાગે આવા ગુટકાને લપેટીને બાંધવા માટે સાથે દોરી પણ લાગેલ હોય છે.
આ સિવાય તામ્રપત્ર અને શિલા પટ્ટ વગેરે ઉપર લખાયેલ ગ્રંથો પણ મળે છે. હસ્તપ્રતનું આલેખન
હસ્તપ્રતનાં આલેખનમાં પાઠ, પત્રાંક, સચિત્ર પ્રત, લેખન સામગ્રી અને ગ્રંથનું સંરક્ષણ, લેખન કાર્ય વગેરેનું મહત્વ રહેતું. તે ક્રમમાં નીચે આપેલ છે :