________________
અર્ધમાગધી અને બ્રાહ્મી લિપિનો પ્રયોગ કરનાર લેખકને ‘ભાષાર્ય’ કહ્યા છે. ‘શ્રી ઠાણાંગસૂત્ર’માં ગંડી, કચ્છપી, મુષ્ટિ, સંપુટ લક, છેદપાટી આ પાંચ પ્રકારના પુસ્તકોનો ઉલ્લેખ છે.
પ્રાચીન લેખન શૈલીના બે પ્રકાર છે : એક શિલાલેખન અને બીજો હસ્તપ્રત લેખન. પ્રાચીન ભારતીય સાહિત્યને આજે આપણે જે રૂપમાં પ્રાપ્ત કરીએ છીએ, તેનો આધાર હસ્તપ્રત છે.
હસ્તપ્રત
શાસ્ત્રોની હાથેથી લખેલ નકલ હોવાને કારણે તેને હસ્તપ્રત કહેવામાં આવે છે, કે જેને પાણ્ડ લિપિ પણ કહેવાય છે. કાળાંતરે મૂળ નકલ નષ્ટ થતી જતી હતી, તો સામા પક્ષે તેની ઘણી નકલો તૈયાર થતી રહેતી હતી. આમ પ્રતિલિપિ પરથી ‘પ્રત’ શબ્દ આવ્યો એમ જણાય છે. હસ્તપ્રતનું મહત્ત્વ
પ્રાચીન ધર્મ, દર્શન, સાહિત્ય અને સંસ્કૃતિની જાણકારી માટે હસ્તપ્રતોનું વિશેષ મહત્ત્વ છે. કારણ કે માત્ર પુરાતત્ત્વીય સમર્થનથી ઈતિહાસનું નિર્માણ સર્વાંગપૂર્ણ થતું નથી, ઇતિહાસની સત્યતા માટે સાહિત્યની આવશ્યક્તા અનિવાર્ય છે. પ્રાચીન સમયમાં જ્ઞાનભંડારોમાં માત્ર હસ્તલિખિત સાહિત્ય જ ઉપલબ્ધ હતું. ભારત દેશમાં હસ્તપ્રત લખવાનાં ઘણાં સ્થાનો હતાં. આવાં લેખન સ્થળોના આધાર પરથી વિભિન્ન કુળોની પ્રતો અને તેના કુળ વિષેની વિશિષ્ટ માહિતી પ્રાપ્ત થાય છે. જે અભ્યાસુઓને કૃતિઓની સંશોધિત આવૃત્તિના પ્રકાશન કાર્યમાં વિભિન્ન કુળોની પ્રતો ખૂબ જ ઉપયોગી થાય છે.
હસ્તપ્રતના પ્રકારો
હસ્તપ્રતના મુખ્ય બે પ્રકાર ગણાય. ૧) આંતરિક પ્રકાર અને ૨) બાહ્ય પ્રકાર. (૧) આંતરિક પ્રકાર
હસ્તલિખિત પ્રતોનો આ રૂપવિધાન પ્રકાર છે. જેમાં પ્રતની અંદર રહેલી લેખન પદ્ધતિની માહિતી મળે છે. આ લેખનપદ્ધતિને એક પાઠી, દ્વિપાઠી (સામાન્ય પણે બન્ને બાજુ મૂળ અને ટીકાના પાઠ લખવામાં આવ્યા હોય છે.) ત્રિપાઠી (વચ્ચે મૂળ અને ઉપર નીચે ટીકા.) પંચ પાઠી (વચ્ચે મૂળ અને ઉપર ડાબે, જમણે અને નીચે ટીકા.) શુડ (શૂઢ) ઊભી લખાયેલ, ચિત્ર પુસ્તક, સ્વર્ણાક્ષરી, સૂક્ષ્માક્ષરી અને સ્થૂલાક્ષરી વગેરેથી ઓળખવામાં આવે છે.
ગ્રંથોમાં રહેલા આવા તફાવતો હસ્તપ્રતો કાગળ પર લખવાની પ્રક્રિયા શરૂ થયા બાદ વિશેષ પ્રકારે વિકસ્યા હોય તેમ લાગે છે. આવી પ્રતોનું બાહ્ય સ્વરૂપ સાદું દેખાવા છતાં અંદરનાં પૃષ્ઠો જોવાથી જ તેની વિશેષતાની જાણીકારી મળે છે.
(૨) બાહ્ય પ્રકાર
વિક્રમના ચૌદમા સૈકા સુધીની હસ્તલિખિત પ્રતો ઘણું કરીને લાંબી-પાતળી પટ્ટી જેવી તાડપત્ર પર લખાયેલી મળે છે. તેના મધ્યભાગમાં એક છિદ્ર તથા કેટલીક વાર યોગ્ય અંતરે બે છિદ્રો પણ જોવા મળે છે. આ છિદ્રોમાંથી એકમાં દોરી પરોવવામાં આવતી જેથી વાંચતી વખતે પાનાં અસ્તવ્યસ્ત ન થાય. તથા બીજા છિદ્રમાં બંધન અવસ્થામાં વાંસની સળી રાખવામાં આવતી, જેથી