________________
વર્તમાને આપણી સમક્ષ જે ઉપલબ્ધ છે તે અંતિમ તીર્થંકર પ્રભુ મહાવીરના પ્રરૂપિત આગમ ગ્રંથો છે. તીર્થકરોને પૂર્ણતા પ્રગટ થયા પછી તેમની સહુ પ્રથમ દેશનામાં અર્થરૂપે ‘ત્રિપદી'નો ઉપદેશ આપે છે. ત્યારે દીક્ષિત થનાર શિષ્યોમાંથી કેટલાક વિશિષ્ટ બુદ્ધિના ધારક સુયોગ્ય જીવોને દ્વાદશાંગીના બાર અંગ સૂત્રોનું જ્ઞાન થઈ જાય છે. તેને ગણધર પદે સ્થાપિત કરાય છે.
તે ગણધરો બાર અંગ સૂત્રોની રચના કરે છે. તે દ્વાદશાંગી ગણિપટિક કહેવાય છે. તેના નામ આ પ્રમાણે છે : ૧) શ્રી આચારાંગ સૂત્ર, ૨) શ્રી સૂત્રકૃતાંગ સૂત્ર, ૩) શ્રી સ્થાનાંગ સૂત્ર, ૪) શ્રી સમવાયાંગ સૂત્ર,૫) શ્રી વ્યાખ્યાપ્રજ્ઞમિ સૂત્ર, ૬) શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર, ૭) શ્રી ઉપાસકદશાંગ સૂત્ર, ૮) શ્રી અંતગડ સૂત્ર, ૯) શ્રી અનુત્તરોપપાતિક સૂત્ર, ૧૦) શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર, ૧૧) શ્રી વિપાક સૂત્ર અને ૧૨) શ્રી દષ્ટિવાદ સૂત્ર. આ બાર અંગ સૂત્ર મૂળભૂત છે. તેના આધારે પશ્ચાદ્વર્તી બહુશ્રુતજ્ઞ આચાર્યો ધર્મગ્રંથોની રચના કરે છે.
તેમાં અગિયાર અંગ, બાર ઉપાંગ સૂત્ર, ચાર છેદ સૂત્ર, ચાર મૂળ સૂત્ર અને આવશ્યક સૂત્ર છે. જે બત્રીસ આગમ ગ્રંથોને શ્વેતાંબર સ્થાનકવાસી સંપ્રદાય સ્વીકારે છે.
અગિયાર અંગ, બાર ઉપાંગ સૂત્ર, છ છેદ, ચાર મૂળ સૂત્રો, દશ પ્રક્રીર્ણકો, બે ચૂલિકા સૂત્રો એ પિસ્તાલીસ આગમ ગ્રંથોને શ્વેતાંબર મૂર્તિપૂજક સંપ્રદાય માને છે.
દિગંબર સંપ્રદાય પણ દ્વાદશાંગીને તો સ્વીકારે જ છે. સાથે સાથે પખંડાગમ, કસાયપાહુડ, નિયમસાર, ગોમ્મદસાર, અષ્ટપાહુડ, રત્નકરંડશ્રાવકાચાર, તત્ત્વાર્થસૂત્ર, જયધવલા વગેરે ગ્રંથોને માન્ય ગણે છે.
આમ આગમ સંખ્યા વિષયક ભિન્ન ભિન્ન માન્યતાઓ પ્રચલિત છે. વ્યાખ્યા સાહિત્ય
મૂળગ્રંથોના રહસ્યોને ઉદ્ઘાટિત કરવા પ્રાચીન સમયથી જ વ્યાખ્યાત્મક સાહિત્ય રચવામાં આવ્યું છે. વ્યાખ્યાત્મક સાહિત્ય લેખક મૂળ ગ્રંથના અભીષ્ટ અર્થનું વિશ્લેષણ તો કરે, સાથે તે સંબંધમાં પોતાનું સ્વતંત્ર ચિંતન પણ પ્રસ્તુત કરે છે. પ્રાચીન જૈન વ્યાખ્યાત્મક સાહિત્યમાં આગમિક વ્યાખ્યાનું ગૌરવપૂર્ણ સ્થાન છે. તે વ્યાખ્યાત્મક સાહિત્ય પાંચ વિભાગમાં વિભક્ત કરી શકાય છે. ૧) નિયુક્તિ, ૨) ભાષ્ય, ૩) ચૂર્ણિ, ૪) ટીકા અને ૫) લોકભાષામાં રચિત વ્યાખ્યા. તે ઉપરાંત ટમ્બ, વૃત્તિ, વિવરણ, અવચૂરી દીપિકા, પંજિકા વગેરે વ્યાખ્યા સાહિત્ય લખાયું છે.
પ્રાકૃત અને સંસ્કૃત ભાષામાં રચાયેલું આ વ્યાખ્યાત્મક સાહિત્ય અનેક રીતે સમૃદ્ધ છે. તેમ જ ઐતિહાસિક દૃષ્ટિએ પણ અત્યંત મહત્ત્વપૂર્ણ છે. બૃહકલ્પ ભાષ્ય, આવશ્યક નિર્યુક્તિ, વ્યવહારભાષ્ય, આવશ્યક ચૂર્ણિ, આવશ્યક ટીકા, ઉત્તરાધ્યયન ટીકા આદિ ગ્રંથોમાં દાર્શનિક તત્ત્વોની ચર્ચા, આગમિક પદાર્થોનું તર્કસંગત વિવેચન, સાધુ-સંપ્રદાયના આચાર-વિહાર આદિના નિયમો, ભારતની લોકસંસ્કૃતિનું, વ્યાપાર વિનિમય વ્યવસ્થાપનનું જ્ઞાન તેમ જ જૈન પરંપરાના ઈતિહાસની જ નહીં પરન્તુ ભારતીય ઈતિહાસની ઘણી ઘણી વિખરાયેલી કડીઓની માહિતી ઉપલબ્ધ થાય છે.