________________
ગુજરાતી સાહિત્યનો ઉદ્ભવ અને વિકાસ
| ગુજરાતી સાહિત્યનો પ્રારંભ ગુજરાતી ભાષાના પ્રારંભ સાથે થયો છે. ગુજરાતી ભાષાના આરંભની ક્રિયા આજથી નવ સૈકા પૂર્વે શરૂ થઈ હતી. બંગાળી, હિંદી, પંજાબી, સિંધી, મરાઠી, ગુજરાતી આદિ ભાષાઓની જનની સંસ્કૃત કહી શકાય. સંસ્કૃત તો ભારતમાં ચાર-પાંચ હજાર વર્ષથી ચાલી આવતી પ્રાચીન ભાષા છે. ભાષા અને બોલી વચ્ચે નિકટનો સંબંધ હોવાથી એમાં સમયે સમયે ફેરફાર થતાં રહે છે.'
ચૌદમા સૈકા પછી ગુજરાતી ભાષાનો સ્વતંત્ર વિકાસ જોવા મળે છે. કેશવલાલ ધ્રુવ પ્રમાણે ગુજરાતી ભાષાના વિકાસની ત્રણ ભૂમિકાઓ આ પ્રમાણે છે.
૧) ઈ.સ.ના ૧૧મા સૈકાથી ૧૪મા સૈકા સુધી અપભ્રંશ પછીની પ્રાચીન ગુજરાતી. - ૨) ૧૫માં સૈકાથી ૧૭મા સૈકા સુધી. - મધ્યકાલીન ગુજરાતી.
૩) ૧૭મા સૈકા પછીની – અર્વાચીન ગુજરાતી.
આ ત્રીજી ભૂમિકામાંથી જ આપણી ભાષા ગુજરાતી એ નામથી ઓળખાવા લાગી. તે પહેલાં એ અપભ્રંશ, પ્રાકૃત તથા ગુર્જર ભાષા એવા નામથી ઓળખાતી.
શ્રી કે. કા. શાસ્ત્રી લખે છે કે, હેમચંદ્રાચાર્યએ (ઈ.સ. ૧૦૮૮-૧૧૭૨) સૌથી પ્રથમ પોતાના દેશની બોલીને સાચવી લઈ “સિદ્ધ હેમ' નામક પોતાના સંસ્કૃત-પ્રાકૃત ભાષાઓના વ્યાકરણમાં છેલ્લે વિસ્તારથી અપભ્રંશ ભાષાનું વ્યાકરણ બાંધ્યું, એટલું જ નહિ ઉદાહરણ તરીકે લોકસાહિત્યની સંખ્યાબંધ વાનગી પણ આપી. ‘પ્રાકૃત-દ્વયાશ્રય કાવ્યમાં એ ઉપરાંત સ્વતંત્ર રીતે વ્યાકરણમાનાં અપભ્રંશ ઉદાહરણ કવિતામાં બાંધી આપ્યાં. તેમ જ “છંદોનુંશાસન'માં પણ અપભ્રંશ ઉદાહરણ આપ્યાં.
માત્ર ગુજરાતીનો જ નહિ, પણ ભારતની આર્યકુળની અર્વાચીન ભાષાઓનાં મૂળનો પાયો આ પ્રમાણે હેમચંદ્રાચાર્યના હાથે રોપાયો. આમ ગુજરાતી ભાષાનો આદિ યુગ હેમચંદ્રાચાર્યથી શરૂ થયો.
ત્યાર પછી અપભ્રંશોત્તર ભૂમિકાનાં લક્ષણોવાળી પ્રાચીન ગુર્જર ભાષામાં બારમી, તેરમી સદીમાં રચાયેલ સાહિત્યકૃતિઓ જોવા મળે છે. ત્યાર બાદ સાહિત્યના એક વિસ્તૃત સમય પટનો આવિર્ભાવ થયો. ઈ.સ. ચૌદમા સૈકાથી લઈ અઢારમા સૈકા સુધીના કાલખંડને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો યુગ કહેવાય છે.
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં પણ પ્રથમ કવિતાનો જન્મ થયો અને પછી ગદ્યનો. આ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કાવ્યના અનેક પ્રકારો રચાયા જેમ કે, રાસા, પ્રબંધ, ફાગુ, મહિના, પદ, આખ્યાન, ગરબો, ગરબી, આરતી, ભજન વગેરે.
આ કાવ્યોમાં ધર્મ, ભક્તિ, નીતિ-ઉપદેશ અને વૈરાગ્ય વગેરેના વિષયો રહેતા. તેમ જ કાવ્યમાં ઘણે ભાગે પ્રભુ પૂજા સ્થાને હતા અને પ્રભુ સિવાય બીજા કોઈ માનવીની કવિતા ન લખવાનો કવિઓનો સંકલ્પ વર્તાતો.
આ સમય દરમ્યાન અનેક સાહિત્ય સ્વરૂપો ઉદ્ભવ્યાં અને વિકાસ પામ્યાં.