________________
પ્રકરણ ૧
મધ્યકાલીન ગુજરાતી કાવ્ય સાહિત્યનું શિખર રાસા સાહિત્ય
(ક) સાહિત્યનું સ્વરૂપ, પરિભાષા અને વિકાસ
સાયણાચાર્ય વેદભાષ્યના મંગલાચરણમાં સાહિત્યનું સ્વરૂપ આલેખતાં કહે છે કે, વેદજ્ઞાન-સાહિત્ય એ પરમાત્માના પ્રાણ જેવું ચૈતન્ય છે અને અખિલ જગત જ્ઞાનમાંથી એટલે કે સાહિત્યમાંથી ઉત્પન્ન થાય છે. આમ સાહિત્ય એક જાતનું ચૈતન્ય છે. સામાજિક તેજ છે. મનુષ્ય સંકલ્પની અમોઘ શક્તિ છે એમ કહી શકાય.
ડૉ. હરિચરણ શર્માના મતે સાહિત્યને મનોવેગની સૃષ્ટિ માની છે. એમાં ‘સહિતત્ત્વ સાહિતસ્ય માવ: સાહિત્યમ્’નો સમાવેશ છે. કારણ કે એમાં વાણી અને અર્થનું સાથે હોવાપણું-સહિતત્ત્વ હોય છે તેથી જ તેને સાહિત્ય કહે છે.
સાહિત્ય વાણીની કળા છે. મનુષ્યને વાણીની ઈશ્વરી બક્ષિસ મળેલી છે, તે તેની અન્ય પ્રાણીઓ કરતાં એક વિશિષ્ટતા છે. તેને પ્રતાપે તે પોતાના ભાવ અન્ય સમક્ષ પ્રગટ કરીને વ્યવહાર ચલાવી શકે છે તેમ જ સુંદર કળા સર્જન કરી શકે છે.
સ્થાપત્ય, શિલ્પ, ચિત્ર, સંગીત અને કાવ્ય એ પાંચ શુદ્ધ લલિતકળાઓ કહેવાય છે. તેમાં અભિવ્યક્તિ પરત્વે સૌથી વિશેષ સમર્થ કળા ‘કાવ્ય’ એટલે કે સાહિત્ય મનાય છે.
ભગવત્ ગોમંડલમાં સાહિત્યની પરિભાષા દર્શાવતાં આલેખ્યું છે કે, કાવ્ય, નાટક અને લલિત રસિકભાવવાળું કલ્પના પ્રધાન વાડ્મય એટલે સાહિત્ય. ભાવના, આનંદ, ઉત્સાહ, ઉપદેશ અને રસ ઉપજાવે તેવું મનોરંજક લખાણ કે દૃષ્ટાંતિક કાવ્ય અથવા પ્રજાના વિચાર, ભાવના જ્ઞાન વગેરેની ભાષામાં સંગ્રહાયેલી મૂડી એટલે સાહિત્ય.
સાહિત્યકાર ધૂમકેતુ સાહિત્યની વિસ્તૃત પરિભાષા આપતાં કહે છે, આનંદ આપે તે સાહિત્ય, જીવનના સંગ્રામમાં મનુષ્યને ચડેલો થાક ખંખેરી નાખે તે સાહિત્ય. જીવનના સંગ્રામની સુગંધ જેમાંથી સ્ક્રૂ તે સાહિત્ય, જે જીવનભરની મૈત્રી રાખે, જે મનુષ્યને જીવન જીવતાં શીખવે તે સાહિત્ય છે.
નિષ્કર્ષની ભાષામાં સાહિત્ય એ ચૈતન્ય, તેજ, શક્તિ, કળા અને મિત્ર છે. સાહિત્ય મનોદશાનો મુક્ત ઉદ્ગાર છે. જેમ પરિસ્થિતિઓમાં પરિવર્તન થવાને કારણે માનવની મનોદશા સ્વતઃ પરિવર્તિત થતી રહે છે તેમ સાહિત્ય પણ તે પરિવર્તિત મનોદશાને અનુરૂપ પોતાનું રૂપ-સ્વરૂપ બનાવી લે છે. આમ સાહિત્ય એ જનતાની સંચિત ચિત્તવૃત્તિનું પ્રતિબિંબ પણ છે.
અંતમાં પ્રાણીમાત્રને હિતકારી હોય અને પ્રિયકારી હોય તેને સાહિત્ય કહેવાય. સાહિત્યના પ્રકાર :
સાહિત્ય.
સાહિત્યના મુખ્ય બે પ્રકાર બતાવ્યા છે. ૧) લોકભોગ્ય સાહિત્ય અને ૨) વિદ્ભોગ્ય