________________
લિપિ આત્મસાત કરી છે એની પ્રતીતિ વાચકને આ મહાનિબંધના ચોથા પ્રકરણમાં થાય છે. નિબંધકાર આ કૃતિનો એ સમયે અન્ય લહિયાએ લખી છે એનો પણ અભ્યાસ કરી એ કૃતિઓનો પાઠાંતર ભેદ પણ અહીં દર્શાવ્યો છે. જ્ઞાન પરિશ્રમની આ પરિણતી છે.
પાંચમા પ્રકરણમાં અભ્યાસના વિશાળ કક્ષમાં લેખિકા વાચકને લઈ જઈ આ ‘વ્રત’ વિશેના પ્રાચીન, અર્વાચીન અને વર્તમાન ચિંતકોના પ્રદેશનું દર્શન કરાવે છે. અહીં આધ્યાત્મિક ચિંતનની સાથોસાથ આધુનિક વૈજ્ઞાનિકોની વાત કરી ‘વ્રત’માં રહેલા શારીરિક લાભોનું પણ લેખિકા ચર્ચા ચિંતન કરે છે. ઉપરાંત અન્ય ધર્મો-વેદ, બૌદ્ધ, ખ્રિસ્તી અને ઈસ્લામ ધર્મમાં પણ ‘વ્રત’નું શું સ્થાન છે એનું ચિંતન લેખિકા વાચકને પીરસે છે. મહાનિબંધ માટેની બહુશ્રુતતા અહીં પ્રગટ થાય છે. જે લેખિકાને યશ આસને બિરાજવે છે.
કોઈ પણ સર્જન માત્ર ચિંતનથી શુષ્ક બની જાય છે, એને રસભર્યું બનાવવા માટે દૃષ્ટાંત કથાઓ એ કૃતિ માટે અનિવાર્ય હોય છે. જેમ કે કોરો લોટ ગળે ન ઊતરે પણ એ લોટમાં અન્ય પદાર્થો ભેળવી શીરો બનાવાય તો એ લોટ તરત ગળે ઊતરી જાય. ‘દૃષ્ટાંત વિના નહિ સિદ્ધાંત' આ તત્ત્વને લેખિકા ખાસ અલગ પ્રકરણથી ઉજાગર કરે છે. ઋષભદાસજીની આ કૃતિમાં જે જે કથાઓ આવે છે એ સર્વ કથાઓ માટે એક આ છઠ્ઠું અલગ પ્રકરણ યોજી એ કથાઓના મૂળ સુધી જઈને લેખિકા જ્ઞાન સંશોધન રસ અહીં ભોજન ભાવે પીરસે છે.
સમગ્ર રીતે વિશાળ ફલકથી દૃષ્ટિ કરીએ તો આ શોધ પ્રબંધમાં મૂળ કૃતિના ભાવાર્થની શોધ, એના ઉગમ સ્થાનની શોધ, એ તત્ત્વની અન્ય સ્થાનોમાં શોધ અને સહુને સથવારે નિજ પ્રજ્ઞામાંથી પ્રગટતી શોધને વિસ્તારથી એનું દર્શન કરાવી સાચા અર્થમાં એ પ્રબંધ મહાનિબંધ બની એક શ્રાવિકા ગૃહિણીની રતનબેનથી ડૉ. રતનબેન સુધીની જ્ઞાન યાત્રાની ઝાલર આ ગ્રંથ બજાવે છે.
આ સરસ્વતી પૂજનને આપણે સૌ હૃદયથી આવકારી, આ ગૃહિણીના આવા જ્ઞાનયજ્ઞમાં સહભાગી થનાર એમના ગુરુજનો, મિત્રો અને પરિવારનો ખાસ અભિનંદીએ અને મા શારદા આ ગૃહિણીની જ્ઞાન યાત્રા આગળ ગતિ કરાવી આવા અન્ય ગ્રંથો પણ સર્જવાની પ્રેરણા અને શક્તિ આપે એવી મા શારદાને આપણે પ્રાર્થના કરીએ.
૧૦-૯-૨૦૧૨