________________
પ્રથમ પ્રકરણમાં જેમ જૈન રાસાઓ અને હસ્તપ્રતોના ઈતિહાસનું લેખિકા દર્શન કરાવે છે એમ આ પ્રકરણમાં શ્રાવક કવિ ઋષભદાસનું ગૃહસ્થ જીવન, કવિ કર્મ અને ઋષભદાસજીના ગ્રંથ અભ્યાસોની વિસ્તાર સહ માહિતી લેખિકા આપણને આપે છે. કવિ ઋષભદાસજીના કવિતા સર્જનની પિઠિકા જૈન આગમો છે એની પ્રતીતિ શોધ-પ્રબંધકાર આપણને અહીં કરાવી શોધપ્રબંધની યથાર્થતા અને સાર્થકતાની માહિતી આપી છે.
આટલા ગહન અભ્યાસ પછી ત્રીજા પ્રકરણમાં નિબંધકાર ૮૬૨ કડીના આ ‘વ્રતવિચાર રાસ’ની મૂળ હસ્તપ્રત, એનું લિપિયાંતર અને અર્થ ભાવાર્થ પાસે પોતાનું આસન જમાવે છે અને લખે છે. ‘વ્રતવિચાર રાસ’નો પ્રારંભ શ્રી પાર્શ્વનાથના સ્મરણથી અને સરસ્વતીદેવીની સ્તુતિથી કરવામાં આવે છે. કવિએ જિનેશ્વરે પ્રરૂપેલા બે ધર્મ ૧) શ્રાવક ધર્મ અને ૨) યતિ ધર્મનું આલેખન કરી યતિધર્મ દશ પ્રકારે બતાવ્યો છે.
ત્યારબાદ શ્રાવક કુળનો આચાર કહેવામાં આવે છે કે જે શ્રાવક ધર્મરૂપી બાર વ્રત છે. તેના અનુસંગે સુશ્રાવકના એકવીસ ગુણોનું આલેખન કરી જૈન દર્શનના મુખ્ય ત્રણ તત્ત્વ સુદેવ, સુગુરુ અને સુધર્મની આરાધના કરવી તેવો ઉપદેશ આપ્યો છે. સુદેવનું અર્થાત્ અરિહંતદેવનું કે જેઓ ચોત્રીસ અતિશયથી યુક્ત, અઢાર દોષરહિત, આઠ મદ અને આઠ કર્મરહિત હોય તેમ જ તેમની વાણી પાંત્રીશ ગુણયુક્ત હોય તેનું વિસ્તારથી આલેખન કર્યું છે. સાથે સાથે તીર્થંકર પદવીના વીસ બોલ બતાવ્યા છે. સુગુરુનું સ્વરૂપ દર્શાવતા આચાર્યના છત્રીસ ગુણોનું તેમ જ બાર ભાવનાનું આલેખન કરી મુનિના સત્તાવીસ ગુણોનું તેમ જ બાવીસ પરીષહનું સદૃષ્ટાંત વર્ણન કર્યું છે. સુધર્મનું સ્વરૂપ ખૂબ જ ટૂંકમાં દયા એ જ સાચો ધર્મ છે, એ દર્શાવી પછી કુદેવ, કુગુરુ અને કુધર્મ એ ત્રણે મિથ્યાત્વ છે, અસાર છે, એ વાતનું વિસ્તારથી વર્ણન કરી અંતે જૈન ધર્મ સિવાય કોઈ તારશે નહિ એ વાતનો મર્મ સમજાવ્યો છે.
પછી અન્યમતી જિન પ્રતિમાને નહિ માનનાર આદિ અને સુવિહિત વચ્ચે સંવાદ પ્રયોજી ‘શ્રી દશવૈકાલિક સૂત્ર’, ‘શ્રી ભગવતી સૂત્ર’, ‘શ્રી સ્થાનાંગસૂત્ર’ વગેરે સૂત્રોના આધારે અન્યમતીના મતનું ખંડન કરી મૂર્તિ અને મૂર્તિપૂજા સાચી એવું જિનવચનના કથનનું પ્રતિપાદન કર્યું છે તેમ જ સમકિતનું સ્વરૂપ બતાવી તેના પાંચ અતિચાર આલેખ્યાં છે.
ઉપરના આ પરિચ્છેદમાં લેખિકાની કૃતિ સમજવાની સમજ અને જૈન આગમના અભ્યાસની નિષ્ઠા અને એના પરિશીલનના ઊંડાણનું આપણને દર્શન થાય છે.
‘વ્રતવિચાર રાસ’ કૃતિનું સાહિત્યિક મૂલ્યાંકન લેખિકા ચોથા પ્રકરણમાં કરી એ કૃતિમાં યોજાયેલા ઢાળ, રાગ, અલંકાર, વિવિધ રસો, વ્યાકરણ, કૃતિકાર ઋષભદાસની હાસ્યવૃત્તિ, એમનું આયુર્વેદ જ્ઞાન વગેરેની ચર્ચા લેખિકા પોતાની રસભરી કલમે અહીં કરે છે.
આ કૃતિનો અભ્યાસ કરતાં પહેલાં લેખિકાએ એ સમયની લિપિનો ઊંડો અભ્યાસ કરી એ