________________
આ લેખોમાં પરિચયાત્મક લેખોનું પ્રમાણ સવિશેષ છે. જૈન સાહિત્ય સમારોહમાં ભાગ લેનારાઓમાં વિધિવતુ સાહિત્યના અભ્યાસીઓ કે અધ્યાપકો ઓછા હોવાથી આવું સહજ પણ છે. આમ છતાં પણ કેટલાક મૂલ્યવાન નિરીક્ષણો કે તુલનાત્મક સંદર્ભો ઉપલબ્ધ થયા છે, એ પણ મૂલ્યવાન છે. આ નિમિત્તે ડો. શીતલ શાહ જેવા અભ્યાસીઓએ સંપાદનકાર્ય પણ કર્યું, તે પણ નોંધપાત્ર છે.
વળી, આ મધ્યકાલીન રાસસાહિત્યની સંપદા મુખ્યરૂપે કથાશ્રિત છે. પ્રકીર્ણ કે તીર્થવિભાગના કેટલાક લેખો છોડી મોટા ભાગના નિબંધો કથાત્મક રાસાઓ વિશે છે. એ અર્થમાં આ લેખો વિશ્વભરમાં આજે રસનો વિષય બનેલા કથાસાહિત્યના અધ્યયન સાથે સંકળાય છે. આમાંના અમુક લેખો ધન્યકુમાર, મૃગાવતી, સુરસુંદરી, ઋષિદરા જેવા જૈનપરંપરાનાં કથાનકો સાથે સંબંધ ધરાવે છે. તો અંબડ, અજાપુત્ર જેવા કથાનકોમાં લોકકથાનું તત્ત્વ જોઈ શકાય છે. કુમારપાળ, વિજય હીરસૂરિ જેવાં ઐતિહાસિક પુરુષોનાં જીવનચરિત્રો જોવા મળે છે, તો સાથે જ નળ-દમયંતી, સીતા-રામ, જેવા ભારતીય પરંપરામાં સર્વસ્વીકૃત ચરિત્રો પણ જોવા મળે છે.
એમ, આ પુસ્તકના લેખો કથાસાહિત્ય, જૈનસાહિત્ય અને રાસાસાહિત્યના અભ્યાસીઓને અવશ્યમેવ લાભદાયી બને એમ છે.
વલ્લભવિદ્યાનગરના સંસ્કૃતના અધ્યાપક ડો. દીક્ષા સાવલાએ આ સંપાદનમાં ખૂબ પ્રેમપૂર્વક સહાય કરી, તેમ જ મારા પીએચ.ડી.ના વિદ્યાર્થી ડૉ. સીમા રાંભિયાએ પણ આ સંપાદનકાર્યમાં પોતાનો હૃદયપૂર્વકનો સહયોગ આપ્યો. આ બંને સહ સંપાદકોનો હૃદયપૂર્વક આભાર. આ સાથે જ મધ્યકાલીન સાહિત્ય અને જૈનસાહિત્યના અભ્યાસીઓને આ લેખસંગ્રહ ઉપકારક બને એવી હૃદયપૂર્વકની શુભેચ્છા. સમારોહ પ્રસંગે ડો. જિતેન્દ્ર શાહે અધ્યક્ષીય વક્તવ્ય આપ્યું હતું, તેમનો પણ અત્રે આભાર માનું છું.
શ્રી મહાવીર જૈન વિદ્યાલયના ટ્રસ્ટીગણ તેમ જ સમારોહના મુખ્ય સંયોજક શ્રી ધનવંત શાહે આ જવાબદારી માટે મને યોગ્ય ગણ્યો તે માટે તેમનો હૃદયપૂર્વક આભાર માનું છું. ૧-૮-૨૦૧૩, મુંબઈ.
- ડૉ. અભય આઈ. દોશી