________________
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર
ચૈત્યવંદનામાં ચાર થઈ કહેવાનો પંથ ચલાવવાને તથા દઢ કરવા ‘‘આંખનું કાજળ ગાલે ઘસવું” એ ન્યાયે ચતુર્થસ્તુતિનિર્ણય ગ્રંથ બનાવ્યો છે, પણ તે ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણય જ સાર્થક થાય છે. કારણ કે જૈનશાસ્ત્રને અનુસાર આ નિર્ણય નથી, પરંતુ શંકામોહનીય તથા મિથ્યા અવબોધરૂપ વૃક્ષનું બીજ છે. કેમ કે દેવસિ પ્રતિક્રમણના પ્રારંભે અને રાઇ પ્રતિક્રમણના અંતે પૂર્વાચાર્યોએ સામાન્ય અર્થાત્ જઘન્ય પ્રકારે, તથા ચૈત્યગૃહમાં નવે પ્રકારની ચૈત્યવંદના યથાશક્તિએ કરવી કહી છે. પણ પ્રતિક્રમણમાં ચાર થઈએ ચૈત્યવંદના કરવી તેવું જૈનમતના કોઈ શાસ્ત્રમાં કહ્યું નથી, છતાં પણ આત્મારામજી ઉર્ફે આનંદવિજયજી પોતાની ઉન્મત્તતાથી પાના નં. ૩૩ પર પ્રવચનસારોદ્વારની ‘‘પડિમે વેજ્ઞે’’ ગાથા (જેમાં પ્રતિક્રમણના આરંભ અને અંતમાં સામાન્ય જઘન્ય પ્રકારે ચૈત્યવંદના કહી છે,) તેનો આધાર આપવાપૂર્વક ચાર થુઈએ ચૈત્યવંદના કરવી તેમ સ્થાપન કરે છે, પણ શાસ્ત્રાનુસાર તે સિદ્ધ થતું નથી. તેનો ભવ્યજીવોને ખ્યાલ આપવા તથા આત્મારામજીને પ્રતિક્રમણ સંબંધી ચતુર્થસ્તુતિશંકાંભોનિધિના આવર્તથી ઉત્તરવારૂપ ઉપકાર કરવા પૂર્વાચાર્યોના રચેલ શાસ્ત્રના અનુસારે શંકાઓનો ઉદ્ધાર કરીશું.
૨
પ્રશ્ન : આત્મારામજી તો પ્રતિક્રમણના આદિ-અંતમાં ચાર થુઈની ચૈત્યવંદના કહી છે તેવું લખે છે. તો તમો પ્રતિક્રમણમાં ચાર થુઈઓ સિદ્ધ થતી નથી તેવું કેમ લખો છો ?
ઉત્તર : અમે અને અમારા આચાર્ય રાજેન્દ્રસૂરિજી પ્રતિક્રમણના આદિઅંતમાં જધન્ય પ્રકારે ચૈત્યવંદના કરીએ છીએ. તોપણ આત્મારામજી પાના નંબર-૨માં ‘રાજેન્દ્રસુરિજી અને ધનવિજયજીએ પ્રતિક્રમણની શરૂઆતના ચૈત્યવંદનમાં ત્રણ થોય કહેવાનો પંથ ચલાવ્યો છે તેવું જણાવે છે' તે તદન ખોટું છે; કારણ કે અમો તો પૂર્વોક્ત પ્રકારે ચૈત્યવંદન કરીએ છીએ. જેમ આત્મારામજી એકાંતે ચાર થોયને સ્થાપે છે, તેમ અમે ત્રણ થોયને એકાંતે સ્થાપતા નથી. પૂર્વાચાર્યોએ જ્યાં ત્રણ કરવાની કહી છે ત્યાં ત્રણ અને ચાર કહેવાની કહી છે ત્યાં ચાર થોય કરીએ છીએ. આત્મારામજી તો સૌરાષ્ટ્રને અનાર્યદેશ કહે છે, તથા ‘મુહપત્તિ વ્યાખ્યાનવેળા બાંધવી સારી છે, પણ