________________
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર - પ્રસ્તાવના તે ચૈત્યોની જમીન વર્તમાનમાં પણ ભોજક ભોગવે છે. આવા મહાપ્રભાવક સંયમી શ્રી વિજયરત્નસૂરિજીને ૩ર શિષ્યો હતા. તેમાં વૃદ્ધ શિષ્ય શ્રી ક્ષમાવિજયજી હતા તે વિનયી અને ગુણવંત હતા. આચાર્યશ્રીને તેમના પર બહુ પ્રેમ હતો. તેમને યોગ્ય જાણી પ્રથમ જ આચાર્યપદની ચિઠ્ઠી કરી અને વિધિપૂર્વક આચાર્યપદવી દીધી. એક સામાન્ય સ્થિતિના શ્રાવકે આચાર્યપદનો ઉત્સવ કર્યો. શ્રાવકની સામાન્ય સ્થિતિ જોઈ તેના પર કરુણાભાવ લાવી તેનું દારિદ્રય કાપવા માટે વૃદ્ધ ક્ષમાસૂરિ ચિત્રાવેલી શોધવા ગયા. આ બાજુ વિજય રત્નસૂરિને શ્વાસનો રોગ ચડ્યો. તમામ શિષ્યો ગુરુસેવા કરવા હાજર થયા. તેમાં એક લઘુ ક્ષમાવિજય હતા. તે
સ્વરૂપવંત તથા ઘણા સાધુ અને શ્રાવકોના પ્રિય હતા. તેઓએ રત્નસૂરિને વિનંતી કરી કે બત્રીસ શિષ્યોમાંથી આચાર્યપદ કોને આપવું? ત્યારે રત્નસૂરિ બોલ્યા કે વૃદ્ધ ક્ષમાવિજયજીને મેં આચાર્યપદવી આપી છે તે તમે સર્વ જાણો છો, પણ આચાર્યપદનો વાસક્ષેપ (ભટ્ટારકપદવી) મારે કરવો છે, માટે તેમને મારી પાસે લાવો. પણ વૃદ્ધ ક્ષમાવિજયજી તો ચિત્રાવેલી લેવા ગયેલા હોવાથી હાજર ન હતા. પૂજ્યશ્રીની અચેત અવસ્થા જોઈને કેટલાક શ્રાવકો તથા ગીતાર્થોએ લઘુ ક્ષમાવિજયજીના મસ્તકે પૂજયશ્રીજીના હાથે વાસક્ષેપ કરાવી ભટ્ટારકપદે સ્થાપ્યા. વિજય રત્નસૂરિજી કાળધર્મ પામ્યા બાદ થોડા સમયે વૃદ્ધ ક્ષમાવિજયજી આવ્યા ત્યારે લઘુ ક્ષમાવિજયજીએ તમામ હકીકત કહી અને કહ્યું કે તમારી ઇચ્છા હોય તો તમે ગચ્છનો નિર્વાહ કરો. હું એકાંતમાં ધ્યાન આદિ તપ કરીશ. ત્યારે વૃદ્ધ ક્ષમાવિજયજીએ કહ્યું કે ભાઈ તમે જ સુખથી ગચ્છનિર્વાહ કરો, હું ગચ્છમાં બીજો પાટ નહીં ચલાવું. આવું કહી ગચ્છનો ભાર લઘુ ક્ષમાવિજયને સોંપી પોતે આયંબિલ વર્ધમાનતપ આદર્યો. એક વખત વિહારમાં બનાસ નદી ઊતરતાં પાણીમાં ચિત્રાવેલીએ પગને આંટો ખાધો. ચિત્રાવેલીને પગથી અલગ કરીને બોલ્યા કે જયારે કાર્ય હતું ત્યારે તો હાથ આવી નહીં, હવે મારે તારાથી કંઈ કામ નથી, હવે તો મારે સર્વ પ્રત્યક્ષ છે. ત્યારે બીજા સાધુ બોલ્યા કે સ્વામી શું છે ? આચાર્યે કહ્યું કે ચિત્રાવેલી છે. સાધુ હાથમાં લેવા માંડ્યા ત્યાં સાપનું રૂપ ધારણ કરી ચિત્રાવેલી પાણીમાં પ્રવેશી ગઈ. આવા