________________
૧૦
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર - પ્રસ્તાવના માટે પરસ્પર લખીને ચર્ચા કરવી તે ઠીક છે. ત્યારે શ્રી તેરવાડાના સંઘે રાધનપુર સંઘ પર નીચે મુજબ પત્ર લખ્યો.
“શ્રી તેરવાડાથી લખી સંઘસમસ્તના પ્રણામ વાંચશો.
અહીં દેવ-ગુરુ-ધર્મ પસાથે ક્ષેમકુશળ છે. આપની ક્ષેમકુશળતા હંમેશાં ચાહીએ છીએ. વિશેષ વિનંતી કે આપનો પત્ર ફાગણ વદી ૧રનો લખેલો કાસદ સાથે મળ્યો. તે વાંચી અને રાજેન્દ્રસૂરિજીને વિનંતી કરી. તેમનું કહેવું છે કે લખાણ થશે તો ક્ષેત્રસ્પર્શનાના જોગે આપના તરફ પધારવું થશે. લખાણ નીચે મુજબ કરવું.
શ્રી જિનાય નમ: કરાર ૧. “પિસ્તાલીશ આગમની જે પૂર્વાચાર્યોની કરેલી પંચાંગીમાં સાધુ-શ્રાવકની નિત્ય કરણી ઉત્સર્ગમાર્ગમાં કહેલી છે તે મુજબ કરવી. એમાં કોઈ ગચ્છનું મમત્વ રાખવું નહીં. પંચાંગીમાં જે સામાચારી કહી તે પ્રમાણે રાજેન્દ્રસૂરિજી તથા આત્મારામજી તથા સમસ્ત રાધનપુરના સંઘે ચાલવું. તેમાં રાધનપુરનો સંઘ, રાજેન્દ્રસૂરિજી કે આત્મારામજી ભાંગે કે બદલે તેને તીર્થકરની આજ્ઞા ભાંગવાનો દોષ લાગે. આ લખાણ સર્વ રાજીખુશીથી લખેલ છે.”
આવું લખાણ કરી સકલ સંઘની સહી કરાવી, આત્મારામજીની સહી કરાવી અહીં મોકલવો એટલે રાજેન્દ્રસૂરિ પણ સહી કરશે. તે પ્રમાણે પંચાંગીમાં ત્રણ થાય કે ચાર થોય જે નીકળશે તે સર્વેએ કબૂલ રાખવું. આવી રીતે લખાણ કરી મોકલશો તો રાજેન્દ્રસૂરિ જરૂર રાધનપુર પધારશે.”
આ પત્ર રાધનપુર પહોંચ્યો. ત્યાંના સંઘે જવાબ આપ્યો કે “એમાં કાંઈ લખવા-લખાવવાની જરૂર નથી. જો રાજેન્દ્રસૂરિજીને ચર્ચા કરવાની મરજી હોય તો આ બાજુ વિહાર કરાવજો. તેમના લખાવ્યાથી હવે પત્ર લખશો તો તેનો જવાબ અમે આપવાના નથી.”
આવા સ્પષ્ટ પત્રોની નકલ તથા રાધનપુરના સંઘનો મૂળ જવાબ રાજેન્દ્રસૂરિ પાસે હોવા છતાં આત્મારામજી તેમના પુસ્તકમાં લખે છે કે રાધનપુરમાં ચર્ચા માટે આવવાની રાજેન્દ્રસૂરિએ ના પાડી દીધી.”