________________
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર - પ્રસ્તાવના
૯
બાબત ચર્ચા કરેલ. અને મને કહેલ કે “આપના શિષ્ય ધનવિજય આવેલા ત્યારે અહીંના રહેવાસી નામે ગોડીદાસ તેમની સાથે ત્રણ થોય ચાર થોયની ચર્ચા કરેલ. ચર્ચામાં તે હારેલ. ત્યારથી આપની ઉ૫૨ અને આપની પાસે બેસનાર ઉપર દ્વેષ-મત્સરભાવ ધરે છે. નિંદા કરી કર્મબંધ કરે છે. તે જો આપની પાસે આવે તો આપ તેનું અજ્ઞાન દૂર કરી, તેની કર્મબંધની પ્રવૃત્તિ ટાળજો.” ત્યારે મેં કહ્યું કે “દરેક જીવ કર્મવશ છે. જેવું કર્મ ઉદયમાં આવે તેવી ક્રિયા એ કરે. તેના તરફ રાગ-દ્વેષ ધરી તેના અવગુણ પ્રકાશવા નહીં, પણ મધ્યસ્થભાવ રાખવો. જો અમારી પાસે આવશે તો તે જીવને કર્મબંધ ન થાય તેવો ઉપદેશ આપશું. ચાર-પાંચ દિવસ પછી સાંભળ્યું કે માંડલ ગામમાં આત્મારામજી આવ્યા છે, ગોડીદાસ ત્યાં ગયો છે, તેમને અને તમને પરસ્પર ચર્ચા કરાવવા બોલાવવા ગયો છે. ત્યારે અમને આ વાત કરવાવાળા શ્રાવકોને અમે કહ્યું કે તે આત્મારામજીને વંદન કરવા ગયો હશે. જો ચર્ચા કરાવવાના આશયથી ગયા હોત તો અમને ચેતવીને જાત; અને કદાચ તે ભાવથી ગયા હશે તો માંડલ તો રાધનપુરથી બહુ દૂર નથી. આત્મારામજી પાંચ-સાત દિવસમાં અહીં આવશે, ત્યારે જે હશે તે ખબર પડી જશે. આવું વિચારી અમે રાધનપુરમાં એક માસ રહ્યા તોય આત્મારામજી કે ગોડીદાસ એકેય આવ્યા નહીં ત્યારે અમે વિચાર્યું કે જો અહીંના સંઘને ગોડીદાસ કે આત્મારામજીને ચર્ચા કરાવવાની હોત તો અમને વિનંતી કરત અથવા સમાચાર આપત; પણ આજસુધી કોઈએ વિનંતી નથી કરી અને આત્મારામજી તરફથી સમાચાર પણ આવ્યા નથી. માટે માસકલ્પ પૂરો થતાં અમે રાધનપુરથી વિહાર કરીને તેરવાડા ગયા. ત્યાં સાંભળ્યું કે આત્મારામજી શંખેશ્વર આવ્યા છે. એવામાં રાધનપુર સંઘનો કાગળ તેરવાડાસંઘ ઉપર આવ્યો. રાધનપુરના સંઘે લખ્યું કે : આત્મારામજી ૧૪-૧૫ દિવસમાં અત્રે આવના૨ છે. તેમની સાથે અમીચંદજી નામના પંડિત છે, તે અત્રે આવેલા છે. તેમની સાથે ચર્ચા કરવી હોય તો આ બાજુ વિહાર કરજો.
ત્યારે અમે (રાજેન્દ્રસૂરિએ) વિચાર્યું કે આત્મારામજી સાચું નામ ધરાવે છે, તેમને બોલીને બદલાવવાનું ઠેકાણું નથી તો શ્રાવકનો શું ભરોસો ?