________________
જીવવિચાર રાસ એક અધ્યયન
८७
શકાય એવી વ્યવસ્થા હતી જે આજે પણ છે. દરવાજા પરના લાકડાના કળવાળા તાળા આજની ‘લૉક સિસ્ટમ'ને ટક્કર મારે એવા હતા. સલામતીની જડબેસલાક વ્યવસ્થા જોઇને મન આફ્રીન પોકારી ઊઠ્યું. ત્યારના કુશળ કારીગરોને દાદ આપવાનું મન થઈ ઉઠે એવી રચના હતી.
આજે સામાન્ય દેખાતું ઘર ત્યારે સમૃદ્ધિની ચાડી ખાતું હશે. આશરે ચારસો વર્ષ જૂના ઘરની જાહોજલાલી, શાંત, રમ્ય, મનભાવન વાતાવરણ કવિની કલ્પના શક્તિને ન ખીલવે તો જ નવાઈ !
કવિના મહોલ્લામાં બહાર નીકળ્યા ત્યાં માણેક ચોકમાં આચાર્ય શ્રી શીલચંદ્રસૂરિ વિજયજીના પ્રયત્નથી બહાર એક શીલાલેખ રોપવામાં આવ્યો છે. જેમાં ‘કવિ ઋષભદાસ’નો સંક્ષિપ્ત પરિચય છે.
આમ કવિના વ્યક્તિત્વને નિખારનાર ભૌગોલિક વાતાવરણ અને ઘરના વાતાવરણની કલ્પના કરતા અમે ત્યાંથી વિદાય લીધી.
૫) ધાર્મિક પરિબળ - કવિના ઘરમાં પરંપરાગત ધાર્મિક વાતાવરણ હતું. જેને કારણે પ્રકાંડ - પ્રતિભાશાળી, ગૌરવશાળી, વિદ્વાન, પંડિત, શિક્ષિત ધર્મગુરૂઓનો સહયોગ એમને મળ્યો હતો. એમના પ્રતાપે તેમને સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ આદિ ભાષાઓનું તથા શાસ્ત્રોનું - સાહિત્યનું જ્ઞાન પ્રાપ્ત થયું હતું. પોતાને પ્રાપ્ત થયેલા જ્ઞાનને પોતા પૂરતું સીમિત ન રાખતા અન્યજનોને શીખવાડવાના હેતુથી કાવ્યના માધ્યમથી વહેવડાવ્યું હતું. એમના કાવ્યસર્જન પર ધાર્મિક વાતાવરણની ઊંડી અસર હતી જે એમના કાવ્યો સાહિત્ય સર્જન પરથી જણાય છે.
-
સમગ્રતયા જોતા કવિના વ્યક્તિત્વને નિખારવામાં આર્થિક, પારિવારિક, રાજકીય, ભૌગોલિક અને ધાર્મિક પરિબળોએ ખૂબ જ મહત્વનો ભાગ ભજવ્યો છે. શ્રાવક કવિ ઋષભદાસનું કવિત્વ
સાહિત્ય જગતમાં મધ્યકાલીન યુગ સુવર્ણકાળ ગણાય છે. આ યુગમાં’ વિપુલ ગુજરાતી સાહિત્યનું સર્જન થયું છે. જેને સાહિત્ય જગતની વિરલ ઘટના ગણી શકાય. ભાષાવિકાસ અને ભાષા અભિવ્યક્તિ કલાનું એક સમૃદ્ધ ચિત્ર એમાંથી મળે છે. એનાં શબ્દરાશિ, રૂઢિપ્રયોગો, વાક્છટાઓ, વાગભંગિઓ આપણને રસતરબોળ બનાવે છે.
મધ્યકાલીન સાહિત્ય બહુધા હેતુલક્ષી છે. પછી એ હેતુ વૈચારિક મતની સ્થાપનાના હોય, ધર્મબોધનો હોય, સાંપ્રદાયિક મહિમા ગાનનો હોય કે પછી લોક શિક્ષણનો હોય. મધ્યકાળના રચયિતાઓ પોતાને કવિ તરીકે અલ્પ, ભક્ત તરીકે વિશેષ ઓળખાવે છે. તેઓ જ્ઞાની, સંતો, ભટ્ટો તો કોઈ વળી શ્રાવકો છે.
ત્યારનું જે સાહિત્ય પ્રાપ્ત થાય છે એમાં જૈન સંપ્રદાયનો હિસ્સો ઘણો મોટો છે. એના રચયિતાઓ પ્રાયઃ કરીને જૈન સાધુ ભગવંતો છે. શ્રાવકો તો આંગળીને