________________
૩૬૬
શ્રાવક કવિ ઋષભદાસ કૃત
વિભાગ (૨)
સાહિત્યિક પક્ષ શ્રાવક કવિ ઋષભદાસની કૃતિ “જીવવિચાર રાસ’નો ભાવ પક્ષ-તાત્વિક પક્ષ જેટલો સશક્ત છે, એટલો સાહિત્યિક-કલા-પક્ષ પણ સબળ છે. સાહિત્ય પક્ષ અંતર્ગત વિષયવસ્તુ, કાવ્યશક્તિ, ભાષાશૈલી, અલંકાર, ગેયતા, વર્ણનાત્મક શૈલી, ઉપદેશાત્મક શૈલી, સુભાષિતો, દષ્ટાંતો, શીર્ષકની યથાર્થતા વગેરેના સમાવેશ કરવામાં આવ્યો છે.
કાવ્ય શક્તિ-અભીષ્ટ અર્થને સંક્ષેપમાં પ્રગટ કરવાની શક્તિ તે કાવ્યશક્તિ છે. એટલે કે વક્તવ્ય વિષયને સુંદર શક્તિથી પ્રતિપાદિત કરવાવાળો, માપી-તોલીને મૂકેલો, સાર્થક અન્વિત પદ સમૂહાત્મક વાક્ય કાવ્ય કહેવાય. એ કાવ્યને રજૂ કરવાની. શક્તિ તે કાવ્યશક્તિ. રસયુક્ત વાક્યને કાવ્ય કહેવાય છે.
જે રીતે આત્માની મુક્તાવસ્થા જ જ્ઞાન દશા કહેવાય છે એ જ રીતે હૃદયની મુક્તાવસ્થા રસ દશા કહેવાય છે. હૃદયની આ મુક્તિની સાધના માટે મનુષ્યની વાણી જે શબ્દવિધાન કરે છે એને કાવ્ય કહે છે.
કાવ્ય રસમય હોય છે. કાવ્યમાં રસ ભવ્ય શરીરમાં સુયશ સમાન છે શબ્દ એના પ્રાણ છે, અર્થ મન છે, છન્દ એના ચરણ છે અને અલંકારથી તે ઉત્કૃષ્ટ બની. જાય છે.
જીવવિચાર રાસનું બંધારણ પ્રસ્તુત રાસ ૧૬ દૂહા ૧૧ ઢાલ અને ૧૫ ચોપાઈ વડે રચાયેલ છે. સળંગા ૫૦૨ ગાથા છે.
પ્રથમ દૂહામાં સાત ગાથા રજૂ થઈ છે. આ સાત ગાથા મંગલાચરણરૂપે છે. ભારતીય સંસ્કૃતિમાં કોઈ પણ કૃતિની રચના કરતી વખતે આરંભકાળે કરાતી સ્તુતિ એટલે મંગલાચરણ. આમાં કવિ પોતાના પુરોગામીને અનુસર્યા છે. પૂર્વેના લગભગ મોટા ભાગના કવિઓ પ્રથમ મંગલાચરણ કરીને પછી જ વિષયનો પ્રારંભ કરતા હતા. આજે પણ એ પરંપરા ચાલુ છે.
આ ગાથાઓમાં કવિએ પ્રથમ સરસ્વતી દેવીને વંદન કરીને પછી હરીયાળી દ્વારા જેનદર્શનના ૨૪ તીર્થકરમાંથી પ્રથમ તીર્થંકર એવા ઋષભદેવની સ્તુતિ કરી છે.
કોઈપણ રચનાકાર પોતાની કૃતિની રચના કરે છે ત્યારે પ્રાયઃ કરીને પાંચ બાબતનું સૂચન એની ગાથાઓ દ્વારા કરે છે તે આ પ્રમાણે છે - (૧) મંગલાચરણ, (૨) વિષય-અભિધેય, (૩) સંબંધ, (૪) પ્રયોજન અને (૫) અધિકારી. પ્રાચીન કાળમાં લગભગ બધા જ દર્શનવાળા આ કૃતિનું અનુસરણ કરતા