________________
શ્રુતજ્ઞાનના સાગરની એક લહેરી
૧૧
પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ
દેવી સરસ્વતીના આશિર્વાદ હોય, તો જ વ્યક્તિમાં સતત વિદ્યાતેજની વૃદ્ધિ કરવાની અભિપ્સા પ્રગટે છે. સામાન્ય રીતે સંસાર, વ્યવહાર કે વ્યવસાયમાં જોડાયા પછી પોતાની વિદ્યાની વૃદ્ધિ કરવાની ભાવના કેટલાકમાં મંદ પડે છે તો કેટલાકમાં નષ્ટ થઈ જાય છે. આવી પરિસ્થિતિમાં પાર્વતીબહેન ખીરાણીનો આ ગ્રંથ એ સુખદ આશ્ચર્ય સર્જનારો એ માટે છે કે આમાં મેટ્રિક સુધીનું શિક્ષણ પામવાની સ્થિતિ ધરાવતા પાર્વતીબહેને પોતાની વિદ્યાયાત્રા સતત ચાલુ રાખી અને પત્રાચાર દ્વારા બી.એ., એમ.એ. થઈને પી.એચ.ડી.ની પદવી પણ પ્રાપ્ત કરી. ગૃહસંસારની સાથોસાથ વિદ્યાભ્યાસ એ કપરી અગ્નિપરીક્ષા સમાન હોય છે. આજે જીવનની એ કપરી અગ્નિપરીક્ષામાં પાર્વતીબહેન સફળ થયા છે, એનું સૌથી મોટું દૃષ્ટાંત એમનો આ સંશોધનગ્રંથ છે.
વળી એમણે કોઈ સરળ વિષય લેવાને બદલે ડૉ. કલાબહેન શાહ જેવા વિદુષી માર્ગદર્શકની દોરવણી હેઠળ શ્રાવક કવિ ઋષભદાસના જીવવિચાર રાસની પસંદગી કરી. મધ્યકાલિન ગુજરાતી સાહિત્યમાં જૈન સાધુઓની પુષ્કળ રચનાઓ માત્ર જ્ઞાનભંડારોમાં પડી રહી છે. જ્યારે આ તો સમર્થ સર્જકતા ધરાવતા શ્રાવકની કૃતિ છે. આ સમૃદ્ધ જ્ઞાન વારસાને બહાર લાવવાનો આજે માત્ર અલ્પ પ્રયાસ થાય છે. આની પાછળ ઘણાં પરિબળો કારણભૂત છે. હસ્તપ્રત મેળવવાની મુશ્કેલીઓ, મળેલી હસ્તપ્રતની લિપિ ઉકેલવામાં સહાયભૂત થનારા વિદ્વાનોનો અભાવ અને પ્રારંભે શુષ્ક લાગતા આવા કાર્યમાં ઝંપલાવવાની વિદ્યાર્થીઓની અનિચ્છા પણ જવાબદાર હોય છે.
આ બધા અવરોધોને ઓળંગીને અહીં જીવવિચાર રાસની હસ્તપ્રતોનો પાર્વતીબહેને અભ્યાસ કર્યો, એટલું જ નહીં પણ આ અભ્યાસ પૂર્વે એમણે