________________
૧o
જીવવિચાર રાસ સંશોધનાત્મક અભ્યાસ પ્રાચીન અને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જેન હસ્તપ્રતોનો વિપુલ ભંડાર છે. એ ભંડારમાંથી શ્રી પાર્વતીબહેન એન. ખીરાણીએ ખંભાતના શ્રાવકકવિ ઋષભદાસની રચના જીવવિચાર રાસ પર ડૉ. કલાબહેન શાહના માર્ગદર્શન હેઠળ સંશોધનાત્મક અત્યંત રસપ્રદ મહાનિબંધ તૈયાર કરી પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી તે બદલ ખૂબ ખૂબ અભિનંદન. આ મહાનિબંધનું મૂલ્યાંકન કરવાની મને તક મળી તેથી અપાર આનંદ થયો છે.
ભણવું અને ભણાવવું પાર્વતીબહેનની પ્રિય પ્રવૃત્તિ છે તેથી તેઓએ અભ્યાસની નવી કેડી પર ચાલવાનું પસંદ કર્યું અને ૬ પ્રકરણ તથા ૬ પરિશિષ્ટમાં આ સંશોધનાત્મક વિવેચન કરી નવી દિશામાં પ્રયાણ કર્યું છે. હસ્તપ્રતની શોધ, વાંચનની તાલિમ અને તેના સંપાદનની સૂઝ માટેનો પરિશ્રમ ખૂબ આનંદદાય બની રહ્યો છે.
આ રાસકૃતિની સમીક્ષા છે તેથી આરંભે રાસના સ્વરૂપની - ગુજરાતી ભાષામાં રાસના વિકાસની ચર્ચા કરી છે. કવિનું જીવન અને કવન શ્રદ્ધેય વિગતો સાથે વર્ણવ્યું છે. જીવ શબ્દની વ્યુત્પત્તિ તથા સ્વરૂપ વર્ણવીને અન્ય ભારતીય દર્શનો સાથે તેમ જ પાશ્ચાત્ય દાર્શનિકોના વિચારો તુલનાત્મક રીતે વર્ણવ્યા છે. જીવ સંબંધી મનનીય ચર્ચા મળે છે.
હસ્તપ્રતની રચનાનું અર્વાચીન ગુજરાતીમાં સરળ, મધુર, પ્રાસાદિક વાણીમાં ભાષાંતર કરી કૃતિને સરસ ન્યાય આપ્યો છે. જીવ’ વિશેની કવિની માન્યતાને સરસ, સરળ રીતે દર્શાવી આગમની વિચારણાને કવિ ઋષભદાસે યથાર્થ રજુ કરી છે. કવિએ નવીનતા કે મૌલિકતા બતાવવાનો પ્રયત્ન કર્યો નથી.
રાસકૃતિનું તાત્વિક દૃષ્ટિએ વર્ણન કરી ષજીવનિકાયનું નિરૂપણ કર્યું છે. એકેન્દ્રિયથી પંચેન્દ્રિય તેમ જ ચારે ગતિના જીવોની અવગાહના, આયુષ્ય તથા કાયસ્થિતિ આદિ અને જીવના ભેદોનું આલેખન કર્યું છે.
ભાવપક્ષની જેમ કલાપક્ષ પણ સરસ રીતે પ્રગટ કરી આપ્યો છે. કાવ્યની વર્ણનલા, અલંકાર સમુદ્ધિ, સુભાષિતો, દષ્ટાંતો વગેરેની ઉદાહરણ સાથે કવિકર્મને યોગ્ય ચર્ચા કરી છે. સંશોધનાત્મક અને સાહિત્યિક એમ ઊભયદષ્ટિએ હસ્તપ્રતના મૂલ્યાંકનની અધ્યયનની વિશેષ સૂઝ દર્શાવી છે.
તુલનાત્મક અધ્યયન માટે પૂરોગામી કવિ શ્રી શાંતિસૂરીના જીવ વિચાર પ્રકરણ તથા સિદ્ધપંચાશિકાનો સિદ્ધ વિચાર અને અન્ય આગમ ગ્રંથોના જીવ વિચાર સાથે તુલના કરી છે. તે મહાનિબંધને અનુરૂપ ચર્ચા ખૂબ આવકાર્ય બની રહે છે.
અનેક હસ્તપ્રતોનું સંશોધન કરીને ગુજરાતી ભાષા સાહિત્યને શ્રી પાર્વતીબહેન સમુદ્ધ કરતા રહે એવી હાર્દિક શુભેચ્છા વ્યક્ત કરું છું.
રસિક મહેતા ૨૬/૬/૧૨)