________________
સ્ત્રીનું હરણ કર્યું તે મરીને સુરવર તરીકે ઉત્પન્ન થયો, તેણે મારું હરણ કર્યું મણિકુંડલ આપીને મને મૂક્યો.
આ વૃત્તાંત શ્રવણથી ચંદ્રગતિ આદિ સઘળાયે પરમસંવેગને પામ્યા. શ્રી ભામંડલ પણ કામનો સંતાપ ટળી જવાથી શાંત થયો અને શ્રીમતી સીતા એ મારી ભગિની છે. એમ જાણવાથી બુદ્ધિશાળી એવા તેણે શ્રીમતી સીતાને નમસ્કાર કર્યા. ઉત્પન્ન થવા માત્રથી જ જેનું હરણ કરવામાં આવ્યું હતું તે જ આ મારો સહોદર છે. એ પ્રમાણે જાણવાથી હર્ષને પામેલી મહાસતી સીતાએ પણ તેને આશિષ આપી એ પછી ઉત્પન્ન થયો છે સુંદર પ્રેમ જેને એવા અને વિનયવાન્ એવા શ્રી ભામંડલે લલાટથી ભૂમિને સ્પર્શ કરીને શ્રી રામચંદ્રજીને નમસ્કાર કર્યા.
ચંદ્રગતિ રાજાએ તે જ સમયે ઉત્તમ વિદ્યાધરોને મોકલીને શ્રી વિદેહાદેવીની સાથે શ્રી જનક મહારાજાને ત્યાં બોલાવ્યા અને ઉત્પન્ન થવા માત્રથી અપહાર થવા વગેરેનું વૃત્તાંત કહીને શ્રી જનકમહારાજાને કહ્યું કે, આ શ્રી ભામંડલ આપનો પુત્ર છે. ચંદ્રગતિના તે વચનથી મેઘના ગર્જારવથી જેમ મયૂરો હર્ષ પામે છે તેમ શ્રી જનકમહારાજા અને શ્રીમતી વિદેહાદેવી હર્ષને પામ્યા, એટલું જ નહિ પણ શ્રીમતી વિદેહાદેવીએ તો પોતાના સ્તનના દૂધને ઝરાવ્યું. અર્થાત્ શ્રી ભામંડલના દર્શનથી શ્રી વિદેહાદેવીના સ્તનમાંથી દૂધ ઝર્યું. આનંદમગ્ન બની ગયેલા શ્રી જનક મહારાજાએ અને શ્રી વિદેહારાણીએ અશ્રુનાં પાણીથી શ્રી ભામંડલને સ્નાન કરાવી દીધું અને મસ્તક ઉપર ચુંબન કર્યું. એ રીતે હર્ષાશ્રુથી સ્નાપિત કરાયેલા અને મસ્તક ઉપર ચુંબન કરાયેલા શ્રી ભામંડલે આ મારા માતાપિતા છે. એમ ઓળખીને શ્રી જનક મહારાજા અને શ્રીમતી વિદેહારાણીને નમસ્કાર કર્યા.
સુખ દુઃખની ઘટમાળ છે અને વિરક્ત શ્રી દશરથ....૧૦