________________
આમ, જૈન-અજૈન જગતમાં રામાયણના પ્રથમ પ્રવક્તાપ્રવચનકાર તરીકેનાં માન-સન્માનના એકમાત્ર અધિકારી પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના શ્રીમુખે વિવેચિત જૈન રામાયણની પુસ્તક શ્રેણીને વાંચીશું, તો રામાયણ એટલે રજોહરણની ખાણ અને રામાયણ એટલે સંસ્કૃતિનો આદર્શ-આ જાતનો પરિચય કેટલો બધો યથાર્થ છે, એ સમજાઈ ગયા વિના નહીં જ રહે. આ શ્રેણીનું આકર્ષક સંપાદન-સંકલન કરીને પ્રસિદ્ધ પ્રવચનકાર આચાર્ય શ્રી વિજય શ્રેયાંસપ્રભસૂરિજીએ તથા પ્રકાશન-લાભ લઈને પિંડવાડા નિવાસી લાલચંદજી છગનલાલજી પરિવારે અદ્ભુત ગુરુભક્તિ અદા કર્યાનો અહેસાસ પણ સાથે સાથે થશે જ.
રામાયણ સાથેનો સૂરિરામનો આવો યોગાનુયોગ જાણી લીધા બાદ હવે એ પણ જાણી લઈએ કે, ગમે તેવા ઝંઝાવાતો સામે ઝઝૂમનારી રામવાણીમાં ધનુષ્યના ટંકાર જેવો કેવો રણકાર ગુંજતો હતો ? એનો પણ થોડોક રસાસ્વાદ માણી લઈએ અને પછી જ રામાયણની પાત્રસૃષ્ટિમાં પ્રવેશીએ.
રામાયણ એટલે રજોહરણની ખાણ ! રામાયણમાં ડગલે ને પગલે, પાને-પાને અને પાત્રે પાત્રે દીક્ષાની વાત આવે છે. દીક્ષાની દુભિ સંભળાવનારા રામાયણમાં એવાં એવાં વર્ણન પણ આવે છે કે જે વાંચતાં વાંચતા અને સાંભળતાં સાંભળતાં માતા-પિતા, ભાઈ-બહેન, પુત્રપુત્રવધૂ. શેઠ-નોકર, રાજા-પ્રજા આદિએ સંસારમાં કેવી મર્યાદાઓ પૂર્વક જીવવું જોઈએ, એ માટેની આદર્શભૂત વાતોનો પણ ખ્યાલ આવી જવા પામે. મહાપુરુષો કેવું સુંદર જીવન જીવી ગયા, મહાપુરુષ બનવા માટે આપણે બધાએ કેવું જીવન જીવવું જોઈએ ? એવું જીવન ન જીવાય તો ય કમસે કમ મહાપુરુષોના આદર્શ નજર સામે રાખીને જીવાતાં આપણાં જીવનમાં કઈ જાતની મર્યાદાઓનો તો ભંગ ન જ થવો જોઈએ. આ બધું જાણવા રામાયણ ખૂબ જ ઉપકારક થઈ પડે, એવો ચરિત્રગ્રંથ છે.