________________
વિરોધ કરવો પડે છે. નામ મહાવીરનું રાખીને કામ તમે મોહરાજાનું કરી રહ્યા છો. પછી સાચો સાધુ આનો વિરોધ કર્યા વિના કેમ રહી શકે ? ધાર્મિક હેતુથી, ધર્મના નામે, ધર્મી લોકો પાસેથી પૈસા ભેગા કરવા અને હિંસાથી ભરપૂર શિક્ષણને વિકસાવવામાં જ એનો ઉપયોગ કરવો, આ દાનદાતાઓનો ખુલ્લો દ્રોહ નથી શું?
વિદ્યાલયની સંચાલક ત્રિપુટી પાસે આ પ્રશ્નનો કોઈ જ જવાબ ન હતો. નિરુત્તર બનીને એ ત્રિપુટી ઊઠીને ચાલતી થઈ ગઈ.
મુંબઈના માથે ૧૯૮૫-૮૬ની સાલ કઈ રીતે ઝંઝાવાત બની ને ત્રાટકી હતી અને એથી કેવા કેવા ઉત્પાત મચ્યા હતા, એની આછેરી ઝાંખી કરાવતા આ પ્રસંગો તો માત્ર નમૂના સમાં જ છે. એ ઝંઝાવાતની ઝલકનું તાદશ શબ્દચિત્ર રજૂ કરવું, એ તો શબ્દશક્તિ માટે ગજાબહારનું કામ ગણાય. જ્યારે એ ઝંઝાવાતને ખાળવા રામબાણ રુપે પૂજ્યશ્રીએ જે પ્રચંડ પ્રતિકાર કર્યો, એનું આંશિક પણ શબ્દચિત્ર ઉપસાવવું, એ તો એકદમ અશક્ય પ્રાયઃ ગણાય. આટલી આછી પાતળી ઝલકનું દર્શન કર્યા પછી એ જાણવું પણ અતિ અગત્યનું ગણાય કે, જમાનાના નામે એ ઝંઝાવાત કયા કયા સત્યોને આકાશમાં ઉડાડવા માટે વિરોધી વર્ગ તરફથી જગવવામાં આવ્યો હતો.
જે સત્યોને ઝડપી લેવા એ ઝંઝાવાત ઝઝૂમતો હતો, એ સત્યોનો નામપૂર્વક પરિચય કંઈક આવો છે : પ્રભુસેવા, સંઘસેવા, ધાર્મિક શિક્ષણ, દીક્ષા ધર્મ, વિશેષ રીતે બાલદીક્ષા, સાધુસંસ્થા, દાનધર્મ અને આગમશાસ્ત્રો ! આ બધા સનાતન સત્યોનું સ્વરુપ વિકૃત બનાવવા જનસેવા, સમાજસેવા, આધુનિક કેળવણી, થોડાક શિથિલાચારને આગળ કરીને સાધુ અને સાધુતાની વગોવણી, સ્કૂલ, કોલેજ, દવાખાનો તરફ દાનનો પ્રવાહ વાળવાની વાતો અને સર્વજ્ઞતાની ઠેકડી ઉડાડવાપૂર્વક આગમોના અવમૂલ્યન કરાવતી લખવા-બોલવાની બેફામ પ્રવૃત્તિ : આ બધું વંટોળિયા અને આંધી રુપે એ કાળે ફેલાવા પામ્યું હોવાથી મુખ્યત્વે આવી વિચારધારાને જડબાતોડ જવાબ આપવાનું ઉત્તરદાયિત્વ જે શક્તિ-વ્યક્તિએ શ્રી રામવિજયજી મહારાજ તરીકે ઉદિત બનતાની સાથે