________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ / સંકલના છે અને તે સિદ્ધિઓના બળથી યોગી અનેક ભવમાં ભોગવવા યોગ્ય કર્મોને કઈ રીતે એક ભવમાં ભોગવીને સર્વ કર્મોનો નાશ કરે છે તે પતંજલિઋષિએ ચોથા કૈવલ્યપાદમાં બતાવેલ છે.
વળી પતંજલિઋષિ આત્માને કૂટસ્થ નિત્ય સ્વીકારે છે, તેથી આત્માને પરિણામી માનતા નથી છતાં સંસાર અને મોક્ષની કઈ રીતે તેઓ સંગતિ કરે છે તેની વિસ્તારથી ચર્ચા ચોથા કૈવલ્યપાદમાં કરેલ છે, પરંતુ આત્માને કૂટસ્થ નિત્ય સ્વીકારીને યોગમાર્ગની સંગતિ પતંજલિઋષિએ જે રીતે કરેલ છે તે કઈ રીતે યુક્ત નથી તેની કાંઈક વિશાળ ચર્ચા પૂજય ઉપાધ્યાય યશોવિજય મહારાજ સાહેબે ટિપ્પણી દ્વારા કરેલ છે તેના દ્વારા સ્વસ્વદર્શન પ્રત્યેના આગ્રહનો ત્યાગ કરીને મધ્યસ્થતાપૂર્વક યોગમાર્ગના પરમાર્થને જાણવા યત્ન કરવાથી યોગ્ય જીવોને પ્રસ્તુત ગ્રંથમાં બતાવેલ યોગમાર્ગથી અવશ્ય યોગમાર્ગની પ્રાપ્તિ થઈ શકે તે માટે પૂજય ઉપાધ્યાય યશોવિજય મહારાજે ઉચિત યત્ન કરેલ છે.
જૈનદર્શનના પક્ષપાત વગર પદાર્થના વાસ્તવિક સ્વરૂપને જોનારી દૃષ્ટિથી જે રીતે પૂજ્ય ઉપાધ્યાય યશોવિજય મહારાજે યત્ન કરેલ છે તે રીતે યોગના અર્થી જીવો મધ્યસ્થતાપૂર્વક પ્રસ્તુત ગ્રંથના અધ્યયન માટે યત્ન કરશે અને વિશેષ જિજ્ઞાસુ જીવ આ વિષયમાં પતંજલિઋષિએ કહેલા યોગમાર્ગને કહેનારી બત્રીશીઓ પાતંજલયોગલક્ષણદ્ધાત્રિશિકા, ઈશાનુગ્રહવિચારદ્વત્રિશિકા, યોગાવતારદ્વત્રિશિકા, ક્લેશતાનોપાયદ્વાર્નાિશિકા, યોગમાયાભ્યદ્વાર્નાિશિકા ઇત્યાદિને સામે રાખીને અધ્યયન કરશે તો વિશેષ લાભ થશે.
[આ પાતંજલયોગસૂત્રવાળી દરેક બત્રીશીઓનું શબ્દશઃ વિવેચન આની પૂર્વે ગીતાર્થગંગા સંસ્થા તરફથી પ્રકાશિત થયેલ છે. ]
પાતંજલયોગસૂત્રના શબ્દશ: આ વિવેચનમાં ગ્રંથકારશ્રીના આશય વિરુદ્ધ કે પૂજય ઉપાધ્યાય મહારાજના આશય વિરુદ્ધ કાંઈ પણ ક્ષતિ થઈ હોય તે બદલ મિચ્છા મિ દુક્કડું માંગું છું.
– પ્રવીણચંદ્ર ખીમજી મોતા,
આસો સુદ-૧૦, વિ. સં. ૨૦૬૬, તા. ૧૭-૧૦-૨૦૧૦, રવિવાર ૩૦૨, વિમલવિહાર, સરસ્વતી સોસાયટી, પાલડી, અમદાવાદ-૭. ફોન : ૦૭૯-૩૨૪૪૭૦૧૪