________________
તેથી પોતાના સર્વ આભૂષણો ઉતારીને એણે દાસીના હાથમાં મૂક્યા. અશોક વૃક્ષની નીચે બેઠેલી દાસીએ પણ એ બધાનું એક ગુંછળું કરીને પોતાને માથે મૂક્યું.- જાણે કે પોતાને પૂજનીય એવી જે રાણી-તેની વસ્તુઓ પણ પોતાને પૂજ્ય છે; માટે તે તેમને માથે ચઢાવતી હોય નહીં ! પછી ચેલ્લણારાણી વાવમાં નહાવા ઉતરીતે જાણે જળને વિષે પડેલું પોતાનું પ્રતિબિંબ લેવાને જ હોય નહીં ! વળી રાણીએ એકદમ નીચે ઉપર ડુબકી મારવાથી તે બહુ જ ઉછળવા લાગ્યું-તે જાણે ચેલણાના દેહનો ક્યાંયથી માંડમાંડ સ્પર્શ થયો તેથી પોતાનો હર્ષ બતાવતું હોય નહીં ! રાણી પોતે પણ ન્હાતાં ન્હાતાં સીધી કે તીરછી ડુબકી મારતી તે વખતે તે જાણે સાક્ષાત જળદેવતા હોય એવી શોભતી હતી. વળી રાણીની ક્રીડાથી વાવ પણ ડોળાઈ ગઈ. અથવા તો મોટાનો ભાર મોટા જ સહન કરી શકે છે. વાવના પાણીમાં વળી રાણીના શરીર પર ચાળેલો અંગરાગ ઉતરી આવ્યો-તે જાણે, જેના ઘરમાં આપણે ઉતરીએ છીએ તેને ભાડું દેવું પડે છે, તેમ, વાવે રાણી પાસેથી ન્હાવાનું ભાડું લીધું હોય નહીં !
આ અવસરે ક્યાંકથી ફરતો ફરતો પેલો વાનર અહીં આવી પહોંચ્યો. અથવા તો જેમના ચિત્ત અવ્યગ્ર ન રહેતા શાંતિવાળા હોય છે તેને અવસર મળી જ રહે છે. જે અશોક વૃક્ષની નીચે પેલી દાસી બેઠી હતી તેજ વૃક્ષની ટોચ ઉપર તે વાનર આવીને બેઠો. કારણકે કાર્યની સિદ્ધિ સમીપમાં આવવાથી જ થાય છે. આજે બહુ વખતે મારો મનોરથ સિદ્ધ થયો એમ કહેતો તે જળના બિંદુની જેમ ટોચ પરથી એક શાખા ઉપર ઉતરી આવ્યો. ત્યાં બેઠાબેઠા તેણે પેલી દાસીના મસ્તકપરથી બીજા આભૂષણો ન લેતાં ફક્ત હાર જ લઈ લીધો; જેવી રીતે સિંહ બીજાને પડતા મૂકીને હાક મારનારને પકડી લે છે તેમ. એ હાર એણે એવી રીતે લઈ લીધો કે દાસીને લેશ પણ ખબર પડી નહીં; કારણકે હસ્તલાઘવવાળાઓમાં એવી જાતની કળા હોય છે.
પછી વાનર ચિંતવવા લાગ્યો કે-હવે આ હાર એક પણ મોતી હાથ ન આવે તેમ તોડી નાંખીને ફેંકી દઉં ? કે કોઈ ગુપ્ત સ્થળે કૃપણ પુરુષો ધન સંતાડે છે તેમ સંતાડી દઉં ? અથવા મારા જાતિભાઈ વાનરોને
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ સાતમો)
૪૫