________________
સાજા કરું કે જો એઓ પ્રવ્રજ્યા અંગીકાર કરે. અથવા તો ગુણકર ઔષધ બળાત્કારે પણ પાવું પડે છે. રાજાએ ઉત્તર આપ્યો-હે ગુરુ ! વ્રતના સંબંધમાં હું શું કહી શકું ? એમનું જ વચન લ્યો; કારણ કે ઢાંકણું દઢ દીધું હશે તો પછી કુડલીમાંથી ઘી કયાંથી નીકળી જશે ? પછી રાજર્ષિએ જઈને બંને કુમારોના અવયવો સીધાં કર્યા એટલે રાજાએ કહ્યુંહે કુમારો ! જો તમારે જીવવાની ઈચ્છા હોય તો તમે ચારિત્ર અંગીકાર કરો. એટલે કુમારોએ મન વિના પણ એમનું વચન સ્વીકાર્યું; અથવા તો જીવવાને માટે મનુષ્ય સુબંધુ મંત્રીની પેઠે શું નથી આદરતો ?
રાજર્ષિએ પછી કુમારોને લોચ કરાવીને દીક્ષા આપી અને અનુક્રમે એમને અભ્યાસ પણ કરાવ્યો. વિના પ્રયોજને પાપ બાંધતા પ્રાણીઓને બળાત્કારે પણ ધર્મ કરાવવો એ યે સુંદર છે. રાજપુત્ર પણ આ મારા કાકા છે એમ માનતો શુદ્ધ મને ક્રિયા બધી કરતો. કહેવત છે કે ધર્મવિષયે કે કર્મવિષયે પ્રાણીને મમતા થાય એ પણ નિશ્ચયે બહુ સારી વાત છે. વળી પુરોહિતનો પુત્ર પણ વિચારવા લાગ્યો-આવું ચારિત્ર મને પ્રાપ્ત થયું તે ખરેખર શુભકારી થયું છે; પણ આટલું ઠીક ન થયું કે મને બળાત્કારે પ્રવજ્યા અંગીકાર કરાવી. ઉપરાંત એને જાતિમદ થયોકે હું ઉત્તમ જ્ઞાતિનો છું; કારણકે પક્ષીવર્ગમાં જેમ ગરૂડ, તેમ સર્વ જ્ઞાતિઓમાં બ્રાહ્મણજ્ઞાતિ ઉત્તમ છે. અનુક્રમે બંને જણ ઉત્તમ વ્રતનું અનુપાલન કરતા કાળધર્મ પામી સ્વર્ગે ગયા. પણ મોક્ષરૂપી ઉત્તમ ફળ આપનારું મુનિપણું એમને ફક્ત સ્વર્ગ આપનારું થયું એટલે એ કંઈ આશ્ચર્યકારક ન થયું. ત્યાં સ્વર્ગને વિષે બંને એ પરસ્પર નક્કી કર્યું કે આપણામાંથી જે પ્રથમ ચ્યવે તેને બીજાએ પ્રતિબોધ દેવો. કહેવત છે કે સજ્જનોની મૈત્રી ભવિષ્ય ફળની જ જોવાવાળી છે.
રાજગૃહી નગરીને વિષે કોઈ મેદિની નામની પ્રવીણ સ્ત્રી હતી તે માંસ વેચીને આજીવિકા ચલાવતી હતી. કહેવત છે કે પાપી જનોની જીવિકા પણ મલિન હોય છે. એ મેદિનીને કોઈ શેઠની સ્ત્રી સાથે દઢ મૈત્રી થઈ અને તેને જ તે નિરંતર માંસ આપવા લાગી. પેલી પણ મેદિનીને કહેવા લાગી-હે સખિ ! તારે હવેથી મારા વિના અન્ય કોઈને માંસ આપવું નહીં.
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ છઠ્ઠ)