________________
ભાવવા લાગ્યો- “પ્રાણી ભવાંતરથી નિશ્ચયે એકલો જ આવે છે, એકલો જ નરકતુલ્ય ગર્ભવાસને વિષે દુઃખમાં રહે છે અને એકલો જ યોનિરૂપ યંત્રથકી બહુ વેદના સહન કરતો બહાર નીકળે છે. વળી એકલો જ અન્ય કોઈના શરણ વિના અનેક પ્રકારની વ્યાધિઓથી પીડાય છે. અને એકલો જ પોતાના કર્મ પ્રમાણે મળેલી ગતિમાં પરવશપણે જાય છે. સકળ અપરિગ્રહથી પ્રાણી ન્યારો છે, પિતા-પુત્ર-માતાથી પણ પ્રાણી ન્યારો. છે, આ દેહથી પણ તે ન્યારો છે, તો હવે મમતા ક્યાં કરવી ? હે જીવ ! તેં ક્યાં ક્યાં અત્યંત વેદના નથી સહન કરી ? માટે હવે અહીં જો તું ભાવ રહિત હશે તો તને બહુ અલ્પ નિર્જરા (કર્મનો ક્ષય) થશે. જિનેશ્વરના વચનોના જ્ઞાતા સાધુજનો પણ એ વેદના શ્રદ્ધા સહિત સહન કરે છે તો મહાફળવતી થાય છે. માટે હે જીવ ! તું પણ આ માથે પડેલી વિપત્તિ સહન કરી લે, જેથી ઈચ્છિત વસ્તુની સત્વર સિદ્ધિ થશે. વળી તારાં પાપકર્મોનું તેં જે નરકભવને વિષે દુઃખ અનુભવ્યું છે તેની પાસે તો. આ દુ:ખ નિશ્ચયે અનંત મે ભાગે છે. અસ્થિર, મલિન અને પરતંત્ર એવા જે શરીરની પાસે કોઈ વખત વિપરીત કાર્ય પણ કરાવવામાં આવે છે, તે શરીરની પાસે તેનો જે ખરો ઉત્તમ ધર્મ છે તે (ધર્મ) શા માટે ના કરાવવો ?”
આમ ભાવના ભાવતા, પુષ્પથી પણ સુકુમાર એવા એ રાજાએ ધ્યાનથી લેશ પણ ડગ્યા વિના શેષ રાત્રિ અત્યંત વેદના સહન કરીને પ્રાણ ત્યજ્યા. આવું ઉત્તમ મૃત્યુ પામવાથી એનો જીવ તત્ક્ષણ સ્વર્ગને વિષે એક સમૃદ્ધિવાન દેવરૂપે ઉત્પન્ન થયો. (કોઈક કારણને લીધે એને મુક્તિ તો ન મળી, પણ તેટલા માટે એને દેવત્વ પણ શું ન મળે ?) આવા સત્યના ભંડારરૂપ રાજાની તોલે બીજો કોઈ મનુષ્ય નહીં આવે, કારણકે એણે પોતે ફક્ત ચિત્તને વિષે ધારેલું હતું તે પણ લીલામાત્રમાં બહુ ઉત્તમ રીતે નિર્વહન કર્યું છે. કેટલાક તો પોતે બોલીને અંગીકાર કરેલું પણ કલીબની જેમ ધીરજ ન રહેવાથી યથેષ્ટ ભાષણ કરનારા બાળકોની પેઠે બીજી જ ક્ષણે ત્યજી દે છે એ કેવું ખેદજનક છે ?
૧. માલમિલકત
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨)