________________
બિચારાં મૂળ ઘાલી રહેલા, ડાળ-ડાળીઓ અને પાંદડાથી પૂર્ણ આચ્છાદિત, છતાં અશરણ, એવાં વૃક્ષોને પણ એણે, એના શત્રુરૂપ જળથી વૃદ્ધિ પામ્યા માટે જાણે એના ઉપર એક જાતનો દ્વેષ રાખીને જ હોય નહીં એમ બાળી નાખ્યા. તે વખતે પ્રાણની પણ દરકાર ન કરીને સળગતા ઘરમાં જઈ લોકો પોતાની મૂલ્યવાન વસ્તુઓ બહાર કાઢવા લાગ્યા; પણ એમાં આશ્ચર્ય શું ? સળગતું લાકડું અંદર પડ્યું હોય તોયે બહાર કાઢી લેવામાં આવે છે. વળી ચોર લોકો પણ ચોતરફથી આવી પહોંચીને જે હાથમાં આવ્યું તે સત્વર પોતાના ઘરભેગું કરવા લાગ્યા. અથવા તો કહ્યું છે કે મુરબ્બાની બરણી ફૂટી જાય એ કાક પક્ષીઓના લાભ માટે જ. લોકો જે ધન આદિ પોતાના દુર્ભાગ્યને લીધે બહાર ન કાઢી શક્યા તે અગ્નિદેવે સ્વાહા કર્યું; અને જે કાંઈ બહાર કાઢીને મૂકહ્યું હતું તે લુંટારાઓએ સ્વાહા કર્યું. કહ્યું છે કે નુકસાન થવાનું હોય તે, માથું ફોડીએ તો પણ થયા વિના રહેતું નથી.
આ પ્રમાણે અગ્નિનો કોપ થઈ રહ્યો હતો તેની રાજાએ ખબર પડી ત્યારે શા ઉપાયો લેવા એની ચિંતાથી મુંઝાઈને એણે અભયકુમારને બોલાવ્યો કારણકે પાણીનું પૂર વહ્યું આવતું હોય ત્યારે સલામતીને માટે ઉચ્ચ સ્થળ શોધવું કહ્યું છે. પ્રતાપી, બુદ્ધિશાળી અને સમયસૂચક એવા એ મંત્રીશ્વરે ઉપાય બતાવ્યો કે, હે રાજન ! અગ્નિની સામે અગ્નિ ધરો, એટલે એ એકદમ શાંત થઈ જશે. કારણકે કાંટો વાગ્યો હોય તે કાઢવાને માટે કાંટો જોઈએ.
પછી રસ્તાની ધૂળ-પાણી-ગોમય-ગોરસ આદિ નાખવાથી કે બળતાને ભાંગી તોડી નાખવાથી પણ જે અગ્નિ શાંત થયો ન હોતો તે આ અભયકુમારે દર્શાવેલ ઉપાય કરવાથી શમી ગયો. અથવા તો કહ્યું છે કે પ્રાણીનો પરાજ્ય એના જ ગોત્રજથી થાય છે. “આ પૃથ્વી પર રાજગૃહી નગરીના રાજા શ્રેણિકનો પુત્ર અભયકુમાર જે દેશ કે નગરમાં આવી ઊભો રહે છે તે દેશને તે નગર સર્વદા જયવંતા વર્તે છે. કારણકે વિવિધમણિ અને સુવર્ણના આભૂષણો તથા ઉત્તમ વસ્ત્રો પહેર્યા હોય અને કેશ પણ સુંદર હોય એવા જ સ્ત્રી પુરુષ શોભી નીકળે છે.”
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ આઠમો)
૧૪૧