________________
લેવાતું નથી-પાળવું જ પડે છે.
પછી વાહનાદિ વિવિધ સામગ્રી તૈયાર કરીને નવપરિણીત કુળવધુની જેમ તે મારી સાથે ચાલી. રસ્તે નાનાં ગામડાં-શહેર-નગર આદિ જોતાં ખુશી થતાં અમે ઉજ્જયિની પહોંચ્યા. ત્યાં મેં એને નવી પરણી લાવેલી સ્ત્રીની જેમ મુહૂર્તના કારણે સપરિવાર નગર બહાર રાખી. મારી સ્ત્રીને મળવા માટે અત્યંત ઉત્સુકતા હતી છતાં મગધસેનાના કહેવાથી શંકા ઉત્પન્ન થઈ એટલે હું પછી હાથમાં ખડગ લઈને એકલો જ મારે ઘેર ગયો. તો ત્યાં રાત્રે મેં મારી પત્નીને કોઈ પુરુષની સાથે એક જ શય્યામાં સૂતેલી દીઠી. એ જોઈ મને ક્રોધ ચઢ્યો; અથવા તો જે માણસ પોતાની પત્નીને અન્ય પુરુષની સાથે વાત કરતી જોઈ સહન કરી શકતો નથી તે આવો બનાવ બનતો જોઈ ક્યાંથી સહન કરી શકે ? તેથી મેં તો તત્ક્ષણા મ્યાનમાંથી ખડગ બહાર કાઢીને દયા લાવ્યા વિના પેલા પુરુષનું મસ્તક છેદી નાંખ્યું. ખરેખર પ્રાણીને ક્રોધ ચઢે છે ત્યારે એનામાં અને યમરાજામાં કંઈ ફેર રહેતો નથી.
પછી “હવે એ પાપિષ્ઠ સ્ત્રી શું કરે છે.” તે જોવાના ઈરાદાથી હું, દિવસના ભાગમાં ઘુવડપક્ષી સંતાઈ રહે છે એમ એટલામાં અંધારામાં સંતાઈ ગયો. એટલામાં પેલા પુરુષના શરીરમાંથી પુષ્કળ લોહી વહેવા લાગ્યું હતું તેના સ્પર્શથી તત્ક્ષણ દુષ્ટતાની વેલી જેવી મારી સ્ત્રી જાગી ઊઠી. તો પોતાના પ્રિયજનનો શિરચ્છેદ થયેલો જોઈ એને બહુ ખેદ થયો દેખાયો; સોનું ખોવાઈ જવાથી એક ઉંદરડીને થાય તેમ. પણ એ વાતની કોઈને ખબર ન પડે માટે એણે એક સીત્કાર સુદ્ધાં ન કર્યો. અથવા તો જ્યારે કોઈ ધુતારો પોતે જ છેતરાય છે ત્યારે તે હંમેશા નાસી જ જાય છે. એણે ચૌદિશ જોયું કે આસપાસ કોઈ નથી એટલે પેલા મૃતકને એક ખાડો. ખોદીને તેમાં દાટી દીધું, ઉપર ધુળ નાખી ખાડો પૂરી દીધો અને લોહીથી ખરડાયલી ભૂમિ છાણથી લીંપી કાઢી. પછી એ દુષ્ટા પાછી સૂઈ ગઈ; પણ ઘડીક પેલાં ખરી નિદ્રા લઈને ઊઠેલી એ સ્ત્રીને ફરી નિદ્રા આવશ્યકતા વિનાની હતી.
હું તો મારી સ્ત્રીનું આવા પ્રકારનું ચેષ્ટિત જોઈ બહુ વિસ્મય પામ્યો. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ સાતમો)