________________
આમ કહી શેઠ શ્રેણિકકુમારને પોતાની સાથે ઘેર તેડી ગયો. શેઠના ઘરને નાના પ્રકારની શાળા-ઓરડા-પ્રશાળ વગેરે હતાં; સેંકડો સાદા સ્તંભ હતા; ચુનાએ ધોળેલી ભીંતો હતી; અને નગરને જોવાના એના ચક્ષુઓ હોય નહીં એવા, ચારે દિશામાં ગવાક્ષો હતા. ત્યાં કોઈ સ્થાને ખાંડ તો કોઈ સ્થાને સોપારીના ઢગલા પડેલા હતા. કોઈ જગ્યાએ ઉત્તમ મજીઠ તો અન્યત્ર નાળિયેરના સમૂહ દેખાતા હતા. એક સ્થળે એલચી, લવીંગ, કક્કોલ અને જાયફળ હતાં તો બીજે સ્થળે ચંદન, કપુર, કેસર, કસ્તુરી વગેરે હતાં. કોઈ સ્થળે સુંદર વર્ણવાળું સુવર્ણ, તો કોઈ સ્થળે કંઈક રક્ત એવું તામ્ર પડ્યું હતું. એક ઓરડામાં મુક્તાફળ-પ્રવાળા ઈત્યાદિ હતાં તો બીજામાં રૂપાના પાટ દૃષ્ટિએ પડતા હતા. ક્યાંક રેશમી વસ્ત્રોના ગંજને ગંજ તો ક્યાંક કલમ-શાલ આદિ ધાન્યોના ઢગલા પડ્યા હતા.
ઘેર લઈ જઈને શેઠે કુમારને રોમ-ત્વચા-માંસ-અસ્થિ આદિને સુખ ઉપજાવવામાં કુશળ એવા પોતાના મર્દન કરનારા સેવકો પાસે શતપાક તેલનું મર્દન કરાવ્યું. પછી એક જણે એને ઉષ્ણજળથી સ્નાન કરાવી વસ્ત્ર પહેરાવ્યાં; કારણ કે કયો વિચક્ષણ પુરુષ ચિન્તારત્નને પ્રાપ્ત કરીને એનો આદર ન કરે ? ત્યાર પછી એને સન્માન સહિત સર્વકામગુણવાળું ભોજન કરાવ્યું અને સ્નેહથી જ હોય નહીં એમ ચંદન તથા કપુરનું વિલેપન કરાવી શેઠે પોતાને હાથે પાંચ સુગંધિયુક્ત એવું તાંબુલ આપ્યું. ખરેખર ભોગી પુરુષોને સર્વ અવસ્થાને વિષે ભોગ પાસે જ હોય છે. આ પ્રમાણે શેઠના ઘરમાં શ્રેણિકે પોતાના જ ઘરની જેમ રહેતાં ઘણા દિવસ સુખમાં નિર્ગમન કર્યા.
એક દિવસે શેઠે ભાગ્યના ભાજન એવા શ્રેણિકને કહ્યું-જેમ નળરાજા દમયન્તીને વર્યા હતા તેમ તમે પણ મારી પુત્રીનું પાણિગ્રહણ કરો. એ સાંભળી નિસ્પૃહશિરોમણિ એવા શ્રેણિકે ઉત્તર આપ્યો-હે તાત ! તમે મારું કુળ જાણ્યા સિવાય મને કેવી રીતે કન્યા આપશો ? એક નિર્ધન માણસ પણ વરનું કુળ જાણ્યા પછી જ એને કન્યા આપે છે, તો તમારા જેવા યુક્તાયુક્તનો વિચાર કરવાવાળા સમૃદ્ધિવંતની તો વાત જ શી ? તમે એક વત્સલ પિતા થઈને તમારી સગી પુત્રીને આ પ્રમાણે અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ પહેલો)
૧૯