________________
એકદા આ પ્રસેનજિત રાજાને વિચાર થયો કે “મારે ઘણા પુત્રો છે પરંતુ એમાંના કયા કુમારમાં શેષનાગની પેઠે પૃથ્વીને ધારણ કરી રાખવાનું ખરું સામર્થ્ય છે એ નક્કી કરવાને મારે એમની પરીક્ષા લેવી જોઈએ; અને તે પણ પ્રથમથી જ લઈ મૂકવી જોઈએ; કારણ કે યુદ્ધ સમય આવે ત્યારે જ અશ્વોને ખેલાવીને આધીન કરાતા નથી. પરંતુ એમને પહેલાંથી જ તૈયાર રાખવા જોઈએ. આવો વિચાર કરીને એણે બ્રાહ્મણોના શ્રાદ્ધમાં અપાય છે તેવી રીતે ઘી, ખાંડ અને ખીર પીરસેલી થાળીઓ કુમારોને બોલાવીને જમવા આપી. કુમારો સ્વાદથી જમવા લાગ્યા એટલે રાજાએ તેમના તરફ ભંડોના ટોળાની માફક, અનેક પહોળા મુખવાળા કૂતરા છોડી મૂક્યા. એ જોઈને બધા ભયભીત થઈને અર્ધા જમેલા ઉચ્છિષ્ટ મુખે અને ઉચ્છિષ્ટ હાથે ઊઠીને નાસી ગયા. ફક્ત શ્રેણિક કુમાર એકલો જ, ભૂતને જેમ બળિના શરાવ આપે તેમ, તેમને ખીરની થાળીઓ આપતો ગયો, અને એ થાળીઓમાંથી કૂતરાઓ ચાટવા મંડ્યા એટલામાં પોતે પણ જમી લીધું.
આ જોઈને તો રાજા પોતાને જાણે એક નિધાન હાથ લાગ્યું હોય તેમ હર્ષઘેલો થઈ ગયો અને વિચારવા લાગ્યો “જેમ ગારૂડી લોકો સર્પને થંભાવે છે તેમ નિશ્ચયે આ કુમાર શત્રુઓને સ્તબ્ધ કરશે, અને પોતાની વહાલી પ્રાણવલ્લભાની પેઠે પૃથ્વીનો ઉપયોગ કરશે. પણ આ એક પરીક્ષામાં પસાર થયો તોયે એની પુનઃ પણ પરીક્ષા કરવાની આવશ્યકતા છે. કારણ કે આ થયું છે એ કદાચ કાકતાલીય ન્યાયથી થયું હોય. એમ ધારીને એણે વળી સર્વ કુમારોને મુખ બંધ કરેલા મીઠાઈના કરંડીયા અને સાક્ષાત કામદેવના કુંભજ હોય નહીં એવા જળના કુંભ (ઘડા) આપ્યા. સાથે સર્વને જણાવ્યું કે વિદ્યાસિદ્ધ પુરુષોની પેઠે, કરંડીયા કે જળકુંભની મુદ્રા ઉખેડ્યા વિના એ મોદક જમો અને એ જળનું પાન કરો. પણ શ્રેણિક સિવાય બીજા સર્વ મંદબુદ્ધિવાળા હોવાથી નહીં જમી શક્યા ને નહીં પાણી પી શક્યા; કારણ કે ઉપાયને નહીં જાણનારા એવા પુરુષોની કાર્યસિદ્ધિ કેવી રીતે થાય ? શ્રેણિકે તો પોતાના કરંડીયાને હલાવી હલાવીને તેમાંથી નીકળેલો મોદકનો ભૂકો ખાવા માંડ્યો કારણ કે નિર્મળ બુદ્ધિ કામધેનુ સમાન સર્વ મનવાંછિત પૂર્ણ કરનારી અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ પહેલો)
૧૧