________________
નિર્ભાગ્યશિરોમણિ એવો એ બોલ્યો-“હે રાજન્ ! હું મારી સ્ત્રીને પૂછીને માગીશ;” કેમકે મૂર્ખજનો હંમેશાં બીજાનાં મુખ સામું જુએ છે. પછી શ્રાદ્ધમાં જમી આવ્યો હોય એમ અત્યંત હર્ષ પામતો ઘેર જઈને એ બ્રાહ્મણ પોતાની સ્ત્રીને પૂછવા લાગ્યો-હે ભટ્ટિની ! રાજા (આપણા પર) તુષ્ટમાન થયા છે માટે કહે એની પાસે હું શું માગું ? બુદ્ધિની નિધાન એવી એ બ્રાહ્મણીએ વિચાર્યું-જો હું એને ગામ આદિ માગવાનું કહીશ તો એ ઉત્તમ લાવણ્યવાળી અન્ય સ્ત્રી પરણી લાવશે અને મને વાત પણ પૂછશે નહીં. કારણ કે ધનવાનૢ લોકોની આવી જ સ્થિતિ હોય છે. માટે એને કંઈ એવું અલ્પ માગવાનું કહું કે જેથી એ મને ત્યજી દે નહીં; કારણ કે કયો સમજુ માણસ પોતાના જ અશ્વોથી પોતાની ઉપર ધાડ લાવશે. પછી એણે ભટ્ટને કહ્યું-તમારે રાજા પાસે જઈને આટલું માગવું-પ્રતિદિન એમની સાથે સભા વચ્ચે ગુપ્ત વાત કરવા દે, વળી સૌથી પહેલું આસન આપે, ભોજન આપે અને દક્ષિણામાં એક સુવર્ણ મહોર આપે. આટલાં વાનાં તમારે એની પાસે માગવાં.
એટલે બ્રાહ્મણે જઈ રાજા પાસે એ પ્રમાણેની યાચના કરી. રાજાએ કહ્યું-અરે ! તેં આમાં મારી પાસે શું માગ્યું ? કલ્પદ્રુમ પાસે એક પાંદડાની યાચના શું કરી ? બ્રાહ્મણે ઉત્તર આપ્યો-હે રાજન્ ! બ્રાહ્મણીએ કહ્યા ઉપરાંત એક હલકામાં હલકી દીવેટ પણ હું વધારે માગતો નથી. હે મહીપતિ ! પાણી પણ મારી બુદ્ધિમતી બ્રાહ્મણી કહે છે તેટલું જ હું પીઉં છું. એજ મારો પરમ મિત્ર છે, એજ પરમ દેવતા છે, એજ મારું સર્વસ્વ છે, અને એજ મારું જીવિત છે. રાજાએ પણ વિચાર્યું-એ મૂર્ખ આટલી જ કૃપાને લાયક છે. પાણીની ડોલ છે તે સમુદ્ર પાસેથી પણ પોતામાં સમાઈ શકે એટલું જ ગ્રહણ કરે છે. એવો વિચાર કરીને તથા એનો ઋજુ સ્વભાવ જોઈને, એણે જે યાચના કરી હતી તે સર્વે એને આપી. એ (બ્રાહ્મણ) પણ રાજા સાથે વાતચીત કરવાનું મળવાથી તથા અગ્રાસને બેસીને ભોજન કરતો હોવાથી અને ઉપરાંત એક સુવર્ણ મોહોરની દક્ષિણા મેળવતો હોવાથી એની કીર્તિ થવા લાગી. રાજાનો માનીતો હોવાથી લોકો પણ નિત્ય એને બોલાવવા લાગ્યા. જેના પર રાજા સંતુષ્ટ થાય છે એને કલ્પવૃક્ષ પણ ફળે છે. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ પાંચમો)
૨૩૭