________________
મહીપતિએ વિચાર કર્યો કે-આ કુમારિકાનું સુંદર શરીર સહકારતરૂના પલ્લવ અને શિરીષના પુષ્પ કરતાં પણ અધિક કોમળ છે. તેથી એને શોધી કાઢીને પણ જો હું એને પરણીશ તો સર્વ લોક એમ જાણશે કે લોલુપ ઈન્દ્રિયોવાળો રાજા જે જે રૂપવતી સ્ત્રીને જુએ છે તે સર્વની વાંછા કરે છે. માટે કોઈ બીજે પ્રકારે એને ગ્રહણ કરું” એમ વિચારીને ભૂપતિએ પોતાની મુદ્રિકાને, જાણે પોતાનું સાક્ષાત્ ઉત્સુક હૃદય હોય નહીં એમ, તેને વચ્ચે બાંધી દીધી.
પછી મહીપાળે અભયકુમારને કહ્યું-હે વત્સ ! આપણે બેઠા એવા જ ઠગાયા છીએ-કોઈ મારી મુદ્રિકા ચોરી ગયું છે અને કૌતુક તો બીજે દ્વારે થઈ જતું રહ્યું છે. આ અંગુઠી ગઈ તેથી મારા આત્માને કંઈ દુ:ખ થતું નથી. પણ સુવર્ણની હાનિ થઈ એજ દુઃખકર છે કારણ કે સોનું જાય એ સારું નથી. માટે વિના વિલંબે એકેક માણસને તપાસ કારણ કે અગાધ એવા જળને વિષે પડતાની સાથે જ જો રત્નને ગ્રહણ ન કરી લઈએ તો તે સદાને માટે ગયું જ સમજવું. એ પરથી રાજપુત્રે, શેત્રંજને વિષે એક હુંશિયાર રમનાર પોતાની સોગઠીઓથી સામાવાળાની સોગઠીઓની ચાલ બંધ કરી દે છે તેમ, પોતાના માણસોથી લોકોના જવા આવવાના દ્વાર બંધ કરાવ્યા; અને પૂર્વે દ્વારિકાનગરીની પેઠે ટોળામાંથી ઉત્કૃષ્ટ, સામાન્ય કે જઘન્ય લક્ષણના અકેક માનવીને બહાર કાઢવા લાગ્યો. અને એ લોકોનાં અનુક્રમે મસ્તક પ્રમુખ સર્વ સ્થાનોને એ વિચક્ષણ મંત્રીશ્વર, હસ્તલિખિત લેખને શોધનાર એવો પુરુષ અક્ષરોના સ્થાનોને તપાસે તેમ, બરાબર તપાસવા લાગ્યો. એ પ્રમાણે દરેક માણસને બારીક રીતે તપાસતાં ભરવાડની પુત્રીના વસ્ત્રમાં રાજાની અંગુઠી જોવામાં આવી; કારણ કે મન દઈને કામ કરનારની નિશ્ચયે સિદ્ધિ થાય છે.
પછી રાજકુમારે એ કુમારિકાને કહ્યું-અરે ! તેં રાજાની મુદ્રિકા કેવી રીતે ચોરી લીધી ? તું દેખાય છે તો નાની, પણ તારા પરાક્રમ મોટા છે એ એક આશ્ચર્ય છે ? એ બાળ કન્યા એ તો કાન પર હાથ મૂકીને કહ્યું-હે સ્વામી ! હું એમાંનું કશું જાણતી નથી. મેં એ ચોરી હોય, કે ચોરાવી હોય અથવા એ કાર્યમાં મારી દૃષ્ટિની સંજ્ઞા
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
૧૭૮