________________
ફક્ત મહેલ કરવાનું કહ્યું હતું ત્યાં તેં તો સાથે બાગ સુદ્ધાં બનાવી દીધો; અથવા તો સુખે કરીને વિવક્ષિત અર્થનો વિન્યાસ કરતા એવા ઉત્તમ કવિજનની કૃતિમાંથી વ્યંગ્યાર્થ સુદ્ધાં નીકળે જ છે.”
પછી સ્થિર લગ્ન અને ઉત્તમ દિવસે ભૂપતિએ પ્રમોદ સહિત મહેલની અધિદેવતા જ હોય નહીં એવી પોતાની હર્ષ પામેલી પ્રિય પટ્ટરાણીને તેને વિષે વાસ કરાવ્યો. ત્યાં તરૂવરોની કુંજને વિષે નિરંતર પોતાના સખીજન સાથે ઉચ્ચ પ્રકારની ક્રીડાને વિષે લીન એવી એ ચેલ્લણા વનદેવતા સંગાથે આનંદ કેલિ કરતી કામ-પ્રિયા-રતિ હોય નહીં એમ વિરાજવા લાગી; અને વળી તેની સાથે ઉપવનના પુષ્પો વડે જિનબિંબની પૂજા કરવાથી તથા પતિના કેશપાશ પૂરવાથી એ ધર્મ અને કામ બંને ઉપાર્જન કરવા લાગી; કારણ કે વિવેકીજનોની લક્ષ્મી બંને લોકને સધાવવાવાળી છે. આ પ્રમાણે એ પ્રાસાદને વિષે, ધર્માર્થને કોઈપણ. પ્રકારે વિપ્ન ન આવે એવી રીતે ભોગ ભોગવતા દંપતી, વિમાનને વિષે સુરપતિ અને સુરાંગના કરે છે તેમ સુખમાં કાળ નિર્ગમન કરવા લાગ્યા.
એવામાં એકદા એજ નગરમાં એક માતંગપતિની પત્નીને આમ્રભક્ષણ કરવાનો તીવ્ર દોહદ ઉત્પન્ન થયો તેથી એણે પોતાના સ્વામી પાસે એ ફળ માગ્યાં; અથવા તો પતિ જ સ્ત્રીઓને યાચના કરવાનું સ્થાન છે. એ પરથી માતંગપતિએ કહ્યું-તું ઘેલી થઈ જણાય છે કે આવી સમય વગરની યાચના કરે છે. સ્ત્રીએ કહ્યું- હે નાથ ! એ ફળ ચલ્લણાના ઉપવનને વિષે છે; બજારમાં કોઈ જગ્યાએ નથી. એ પરથી માતંગપતિ દિવસે જ તે બાગને વિષે ગયો; અને પરિપક્વ એવાં ઉત્તમ આમ્રફળા જોઈ આવ્યો; કારણ કે ચોરલોકોને દિવસે જોયેલી વસ્તુ રાત્રિએ ચોરી જવી સહેલી પડે છે. પછી રાત્રિ સમયે ત્યાં જઈને અવનામિની વિદ્યાએ કરીને, ઊંચી શાખાઓને હર્ષસહિત નીચી નમાવીને પોતે જ એનો વાવનાર હોઈને એ ગ્રહણ કરતો હોય એમ, એણે સ્વેચ્છાપૂર્વક આમ્રફળો ગ્રહણ કર્યા. પછી એણે ઉજ્ઞામિની વિદ્યાનું સ્મરણ કર્યું એટલે શાખાઓ સદ્ભાગ્યે બંદિખાનામાંથી છૂટી અત્યંત હર્ષ થયાથી જ હોય નહીં એમ ક્ષણમાં ઊંચી જતી રહી. હવે પ્રભાતે, કમળો તોડી લીધાથી શોભા રહિતા
૧૬૨
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)