________________
હસ્તિની સૂંઢ જેવી હતી; અને ચરણયુગ પુષ્ટ અને કુર્મોન્નત હતા. વધારે શું કહીએ ? એનાં સર્વ અંગ સુંદર હતાં.
આ જ નગરને વિષે એની જ વયનો સેનક નામનો મંત્રીપુત્ર હતો. તે દૌભાગ્યેના પાત્ર અગ્નિશર્માની પેઠે, અશુભ લક્ષણોનો ભંડાર હતો. એનું મસ્તક ત્રિકોણાકાર હતું; એના કેશ અગ્નિસમાન પીળાવર્ણના હતા; નેત્ર માર્જરનાં જેવાં અને કર્ણ મૂષકના જેવા હતા. એના ઓષ્ઠ અને કંઠ લાંબા હતા; નાસિકા બેઠેલી હતી અને દાંત મુંડની પેઠે મુખ થકી બહાર નીકળતા હતા. એના ખભા બેસી ગયેલા હતા; બાહુ બહુ ટૂંકા હતા; વક્ષ:સ્થળ સાંકડું હતું, ઉદર ગણેશના જેવું (મોટું) હતું; ઉરૂ બહુ હૃસ્વ હતા; જાનુ ફુટપણે દેખાતા હતા; જંઘા વક્ર હતી અને ચરણ સૂપડા જેવા હતા. ત્રિક-ચતુષ્ક-રાજમાર્ગ-શૃંગાટક-દેવમંદિર વનમાં જ્યાં જ્યાં તે જોવામાં આવતો ત્યાં ત્યાં, પોતાના રૂપનો અભિમાની સુમંગળ રાજપુત્ર એની હાંસી કરતો; એના મસ્તક ઉપર ત્રણ ટકોરા કરી એનો હાથ મરડીને અને ધબ્બા મારતો, કારણ કે તરૂણજનોને વિવેક ક્યાંથી હોય ? આવી કદર્થના પામવાથી સેનકને અત્યંત દુ:ખ લાગતું; કારણ કે ઝેરી શસ્ત્ર સહન થાય, પણ નિષ્કારણ વિડંબના સહન ન થાય. આમ અનેક વાર પરાભવ પામવાથી તેને વૈરાગ્ય ઉત્પન્ન થયો ! પણ એ આશ્ચર્યજનક હતું; કારણ કે વૈરાગ્યનું કારણ પ્રાપ્ત થયા છતાં પણ વૈરાગ્ય પામવો એ સુલભ નથી.
તે વિચારવા લાગ્યો-નિશ્ચયે મેં પૂર્વભવને વિષે મુનિઓનો અથવા સતી સ્ત્રીઓનો ઉપહાસ કર્યો હશે; અન્યથા પક્ષીઓને વિષે જેમ વાયસ તેમ હું જનસમુદાયને વિષે વિરૂપ અને દુર્ભગ ક્યાંથી થયો ? માટે મેં કોઈ એવા પ્રકારનો કર્મબંધ કર્યો હશે કે એથી ઉપાર્જન કરેલાં દીર્ભાગ્ય આદિથી, રજસમૂહથી ચંદ્રબિંબની પેઠે, મારું ક્ષીર-અને-હિમ સમાન ઉજ્વળ કુળ. ઢંકાઈ ગયું. માટે હવે હું કોઈ એવા પ્રકારના ઉગ્ર સુકૃત્ય આચરું કે જેથી મારાં પૂર્વભવનાં પાપકર્મોનો નાશ થાય. એમ વિચારીને તે, શરીરથ આત્માની પેઠે, સ્વજન અને સ્વનગરનો ત્યાગ કરીને ચાલી નીકળ્યો.
૧. કાચબા જેવા-વચ્ચેથી ઊંચા.
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ બીજો)