________________
ત્યારબાદ ભગવાન શ્રી મહાવીરસ્વામી ઇન્દ્રને કહે છે કે, “હે ઇન્દ્ર ! હવે ચક્રવર્તી ભરત રાજાનું પરાક્રમ અને ઉત્તમ એવા આ તીર્થનો પ્રભાવ તું સાંભળ.”
એક વખત ભરત રાજા સિંહાસન પર બેઠા હતા. ત્યારે સુષેણ સેનાપતિએ આવીને વિનંતી કરી કે, “હે સ્વામી ! સર્વે રાજાઓ આપની આજ્ઞા મસ્તક પર ધારણ કરે છે. છતાં ચક્રરત્ન શસ્ત્રાગારમાં પ્રવેશ કરતું નથી.' તે સાંભળી વિશ્વભર નામના મુખ્યમંત્રીએ આદરપૂર્વક કહ્યું, “હે મહારાજ ! ત્રણે લોકમાં આપની આજ્ઞા નહીં માનનાર એક આપનો નાનો ભાઈ મહાબળવાન બાહુબલિ જ અવશેષ રહેલ છે.”
તે સાંભળી ભરત રાજાએ કહ્યું, પોતાના ભાઈ સાથે યુદ્ધ કરવું તે લજ્જાનું કારણ છે. પણ આ ચક્ર શસ્ત્રાગારમાં પ્રવેશતું નથી, તેથી શું કરવું તે વિચાર મૂંઝવે છે. ત્યારે મંત્રીએ કહ્યું, “હે રાજન્ ! ‘વડીલ જે જે આજ્ઞા કરે તે પ્રમાણે નાનાએ કરવું જોઇએ, એવો સામાન્ય ગૃહસ્થોનો પણ આચાર છે.” માટે પ્રથમ દૂત દ્વારા આપના નાના ભાઈ બાહુબલિને આપની આજ્ઞા માનવાનું કહેવરાવો ! હું ધારું છું કે તે આપની આજ્ઞા નહીં માને, એટલે તેના અવિનયથી તેનો આપ પ્રતિકાર કરશો તો આપને લોકઅપવાદ લાગશે નહીં.
મંત્રીનું કહેલું સાંભળી ભરત રાજાએ રાજનીતિના જાણકાર અને બોલવામાં કુશળ એવા “સુવેગ” નામના દૂતને બાહુબલિ પાસે મોકલ્યો. સુવેગ પણ બાહુબલિના દેશ તરફ ચાલતાં માર્ગમાં થતાં અપશુકનોને જરાપણ ગણ્યા વિના આગળ ચાલતાં ચાલતાં સમૃદ્ધ એવા બહલિ દેશમાં આવ્યો. ત્યાં તેણે ગામેગામ શ્રીયુગાદિ પ્રભુના ગુણગાન અને ત્રણ ભુવનમાં સર્વથી શ્રેષ્ઠ બાહુબલિનું બળ સાંભળ્યું તથા બાહુબલિ પ્રત્યે અત્યંત સ્નેહવાળા, ધનવાન અને સ્વરૂપવાન નગરજનોને જોયા.
અનુક્રમે બહલી દેશના ત્રણ લાખ ગામોને જલ્દીથી પસાર કરીને સુવેગ દૂત તક્ષશિલા નગરીમાં આવી પહોંચ્યો. નગરની શોભા જોતો જોતો બાહુબલિનાં સિંહદ્વાર પાસે રત્નજડિત અતિ સુંદર રાજમહેલમાં રાજાની આજ્ઞા મેળવી છડીદાર સાથે રાજસભામાં પ્રવેશ કર્યો. ત્યાં સિંહાસન પર બેઠેલા અપૂર્વ ક્ષાત્રતેજવાળા બાહુબલિને પ્રણામ કર્યા અને તેમણે બતાવેલા આસન ઉપર સુવેગ બેઠો.
પછી ગંભીર વાણીથી બાહુબલિએ પૂછ્યું, “હે દૂત ! મારા પિતા સમાન પૂજ્ય એવા આર્ય-ભરતને કુશળ છે ને ! અમારી કુલનગરી અયોધ્યામાં સર્વત્ર શાંતિ છે?' વિગેરે કુશળવાર્તા પૂછીને બાહુબલિ મૌન રહ્યા, એટલે સુવેગ પ્રણામ કરીને બોલ્યો, જેમની કૃપાથી બીજાઓનાં ઘેર પણ કુશળતા થાય છે, તેવા તમારા જયેષ્ઠબંધુ ભરત અત્યંત કુશળ છે અને વિનીતા નગરીમાં પણ સર્વત્ર શાંતિ છે.
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૭૨